બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / VTV વિશેષ / ગુજરાતી સિનેમા / જેમની પાસેથી રણવીરસિંહ વાર્તાઓ સાંભળતો, એવાં જાણીતા ગુજરાતી કલાકાર 'પ્રલય રાવલ'ના દુનિયાને અલવિદા
Last Updated: 03:24 PM, 3 April 2025
સદીના મહાનાયક સુપરસ્ટાર એટલે અમિતાભ બચ્ચન. જેને કોઇ ના ઓળખે એ નાત બહાર. પાનના ગલ્લેથી લઈને ઓટલા પરિષદમાં બિગ બીની એક્ટિંગની વાતો થતી હોય છે. ત્યારે આવા જ એક ગુજરાતી કલાકાર કે જેઓ ઉંમરમાં બીગ બીથી મોટા હતા અને એક્ટિંગમાં પણ સવાયા હતા. એવાં 'એક ડાળના પંખી' ફેમ 'રમણકાકા' એટલે કે પ્રલય રાવલ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. જેનો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સદાય વસવસો રહેશે.
ADVERTISEMENT
ગુજરાતી નાટકનો પોતાનો એક બહુમૂલો જમાનો હતો. એક સમય હતો જ્યારે ગુજરાતી નાટકો જોવા માટે લોકો ખાસ સમય કાઢીને જતાં. આજે OTT પ્લેટફોર્મના જમાનામાં જેમણે સ્ટેજ પર પાત્રોને પોતાના અભિનયથી જીવંત કર્યા, તેવા ગુજરાતી નાટક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા કલાકાર એટલે પ્રલય રાવલ. તેમણે 3-3 પેઢીના લોકોને મનોરંજન પૂરું પાડ્યું. પ્રલય રાવલને આજની પેઢી 'પ્રલય દાદા' ના હુલામણા નામે ઓળખતી અને બોલાવતી. આજે પ્રલય દાદા 85 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા છે ત્યારે ચાલો એક નજર કરીએ દાદાએ રમેલી લાંબી અભિનયની ઈનિંગ્સ પર.
ADVERTISEMENT
પહેલો પરકાયા પ્રવેશ
મૂળ જન્મથી જ અમદાવાદી એવા પ્રલય રાવલની અભિનયની શરૂઆત ગુજરાતી નાટકોથી થયેલી. જો કે નાટકમાં આવતા પહેલા તેઓ ભણ્યા અને સરકારી નોકરી મેળવી. પણ પછી મહાગુજરાતની ચળવળ શરૂ થઈ અને ચળવળને વેગ આપવા તેમની પોળમાં 'શહીદ વીર' નામનું નાટક ભજવાયું. આ નાટકના ઓડિયન્સમાં ઇન્દુલાલ યાજ્ઞિક, પ્રેમકુમાર ભટ્ટ, અશોક ભટ્ટ, પ્રોફેસર એસ. આર. ભટ્ટ. આ પ્રલય દાદાનો આ પહેલો પરકાયા પ્રવેશ હતો. આ વાતને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે
"આ મહાનુભવોને ઓડિયન્સમાં બેઠેલા જોઈને એકવાર તો ધ્રુજારી છૂટી ગઈ પછી શું થયું એ ખબર ન પડી. પાત્ર જીવ્યો અને તાળીઓ પડી ત્યારે ખબર પડી કે જે થયું એ બરાબર થયું."
બસ શહીદ વીર નાટકથી દાદાને એક્ટિંગની એવી લત લાગી કે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અભિનયને જ વરેલા રહ્યા.
'એક્ટિંગ તો જીવવાનું બહાનું છે' - પ્રલય રાવલ
એ જમાનો એવો હતો કે માત્ર નાટક પર ગુજરાન ચાલે એવું કોઇ પરિવાર માનવ તૈયાર નહોતો. એટલા માટે બીજા કલાકારોની જેમ પ્રલય દાદા પણ પરિવારનું નિર્વહન કરવા માટે સરકારી નોકરી કરતાં અને સાથે સાથે નાટક પણ કરતાં. ક્યારેક એવું પણ બનતું કે નાટકના શો ભજવવા માટે મુંબઈ જવાનું હોય અને તેમની નોકરી અમદાવાદમાં હતી. આવી પરિસ્થિતિમાં તેઓ અઠવાડિયામાં 2 દિવસ અમદાવાદથી મુંબઈ અપડાઉન કરતાં. આ અપડાઉન કરવાથી થાક પણ લાગે પણ પ્રલય દાદા હંમેશા કહેતા કે
"જ્યારે થાકીને પ્રેમિકા કે પ્રેમી એક બીજાને મળે અને થાક ઉતરી જાય એ જ રીતે નાટક એ મારો પ્રેમ છે એટલે ત્યાં સ્ટેજ પર જઇને દિવસનો બધો જ થાક ઉતરી જાય છે."
આ ઉપરાંત પણ ઉંમર સાથે પ્રલય દાદાના શરીરમાં અનેક બીમારીએ ઘર કર્યું હતું પણ છતાં અભિનયની વાત આવે એટલે દાદા હસીને કહેતા કે 'એક્ટિંગ તો જીવવાનું બહાનું છે' આમ દાદા અંતિમ શ્વાસ સુધી અભિનયના સહારે જીવ્યા.
... અને મળી 'રમણકાકા'ની ઓળખ
પ્રલય રાવલની વાત આવે એટલે સૌથી પહેલા યાદ આવે દૂરદર્શનની એ સિરિયલ જે ઘર ઘરમાં જાણીતી હતી અને તે છે ' એક ડાળના પંખી'. આ સિરિયલનો એ વખતે એટલો ક્રેઝ હતો કે સાંજે 4:30 થતાં જ બધા લોકો ટીવી સામે દૂરદર્શન ચાલુ કરીને ગોઠવાઈ જતાં. આ જાણીતી સિરીયલમાં રમણકાકાના પાત્રએ પ્રલય રાવલને ઘર ઘરમાં જાણીતા બનાવ્યા. રમણકાકાને પાત્રએ તેમને મોટો ચાહકવર્ગ અને ઓળખ આપી. સતત 8 વર્ષ સુધી ચાલેલી આ સીરિયલે રમણ કાકાના પાત્રને ઘર ઘરમાં જાણીતું બનાવ્યું અને પ્રલય રાવલનું એક્ટિંગનું સર્કલ મોટું કર્યું. આજે પ્રલય દાદા આપની વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે ત્યારે તેમના નામે 50 કરતા વધુ ફિલ્મો બોલે છે. માત્ર ગુજરાતી જ નહીં પણ બોલિવૂડની મોટી ફિલ્મોમાં પણ પ્રલય દાદા યોગદાન આપી ચૂક્યા છે.
આ રીતે મળી જયેશભાઈ જોરદાર!
વાત કરીએ હિન્દી ફિલ્મી સફરની તો તમે જો રણવીરસિંહ સ્ટારર ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' જોઈ હશે તો તમે સ્ક્રીન પર દાદાને જોયા જ હશે. જો કે એક સમયે દાદાએ આ ફિલ્મ માટે ઓડિશન આપવાની ના પાડી દીધી હતી. જરા વિચાર કરો 85 વર્ષની ઉંમરે રોલ મળે એ પણ યશરાજ બેનરમાં તો! પણ દાદા ઓડિશન આપવા તૈયાર નહોતા. આખરે યશરાજની ટીમ દાદાના ઘરે આવી ઓડિશન લીધું અને બીજા જ દિવસે તેમને ફિલ્મમાં સિલેક્શન માટે ફોન પણ આવી ગયો એ પણ A+ ગ્રેડમાં. એટલે કે તેમને સેટ પર વેનિટી વેન, સ્પોટબોય સહિતની બધી જ સુવિધાઓ આપવામાં આવી. પ્રલય રાવલે આ ફિલ્મ અંગે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું હતું કે
"મને એ સમયે પેશાબની તકલીફ હોવાથી મેં કેથેટર મુકાવ્યું હતું. અને કેથેટર સાથે જ તેમણે ફિલ્મના તેમના તમામ સીન પૂરા કર્યા હતા. આવો હતો તેમનો અભિનય પ્રત્યેનો લગાવ, પ્રેમ અને નિષ્ઠા. રણવીર સિંહ સાથેના તેમના અનુભવ વિશે પૂછતાં દાદાએ હસીને કહ્યું હતું કે "રણવીર તો હું જ્યાં સેટ પર બેસું, ત્યાં આવી જતો, મારી પાસેથી નાટકોની વાર્તા સાંભળતો અને વહાલથી વાતો કરતો."
એ ઘડી અને આજ નો દિ', કોઈ હસ્યા વગર નથી રહ્યું
આ તો થઈ બધી જ સફળતાની વાત પરંતુ સફળતા એમનેમ નથી મળતી. એની પાછળ વર્ષોની મહેનત હોય છે. પ્રલય દાદાએ ઘણી નિષ્ફળતાની સીડીઓ સર કરીને સફળતા મેળવી હતી. દાદાએ અમારી સાથે વાત કરતા કરતા એક ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે
"પહેલા મારા નામથી મારા નાટકો વેચાતા હતા. મને કોમેડી કિંગ તરીકેની ઓળખ નાટક જગતમાં આપવામાં આવી હતી. એકવાર રાજકોટ માં મારું નાટક "બસ જીવી લઇશું"ના શો હતા અને નાટક પહેલા જ આખા રાજકોટ માં તે સમયમાં કોમેડી કિંગ પ્રલય રાવલના હોર્ડિંગ લાગી ગયા હતા. નાટક જોવા માટે રાજકોટના લોકો પણ આવી પહોંચ્યા હતા અને નાટક હાઉસફુલ હતું. પરંતુ તે દિવસે નાટકની શરૂઆતથી લઇને અંત સુધી એક પણ દર્શક હસ્યો નહીં. બસ એ પળમાં મને મારી જાત પર સવાલ ઊભા થયા કે હું કોમેડી કિંગ પણ મારા નાટકમાં હું કોઈને હસાવી ના શક્યો. તો આ પળ હું આજીવન યાદ રાખીશ. પણ ત્યાર બાદ કોઇ પણ એવું નાટક નથી કે કોઇ પણ એવી ફિલ્મ નથી જેમાં મારા દ્રશ્યોમાં કોઇ હસ્યું ના હોય. બધા જ પેટ પકડીને હસીને ખુશ થઇને ગયા છે. "
અલવિદા દાદા
પ્રલય દાદા કે જેઓ ઉંમરના હિસાબે ખાસ ફિલ્મો નહોતા કરતાં, પણ જીવ્યા ત્યાં સુધી તેમણે સિનેમા અને અભિનયને જીવંત રાખ્યું. દુનિયાને અલવિદા કહેતા પહેલા તેઓએ ગુજરાતી ફિલ્મ 'ફક્ત પુરુષો માટે' માં બિગ બી સાથે પણ સ્ક્રીન શેર કરી હતી. ત્યારે ગુજરાતી સિરિયલ 'એક ડાળનાં પંખી'થી લઈને 'ફક્ત પુરુષો માટે'નું તેમનું આ સફરનામું તેમના ચાહકોને કાયમ યાદ રહેશે અને ચાહકોના દિલમાં તેઓ સદૈવ જીવતા રહેશે. ત્યારે આજે તેમની વિદાય પર VTV ડિજિટલની ટીમ તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ!!!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.