ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા ઓટોમેટિક બસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષીય માસૂમનું મોત, 15 મિનિટના ફૂટેજ ગાયબ
Last Updated: 12:50 PM, 20 August 2026
ADVERTISEMENT
વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જતા માર્ગ પર આવેલી એક રિપેરિંગ વર્કશોપમાં બનેલી દુઃખદ ઘટનામાં 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં ગળું ફસાઈ જતાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક બાળક દિવ્યેશ રાઠવા ધોરણ-2માં અભ્યાસ કરતો હતો. તેના પિતા રાકેશભાઈ રાઠવા તરસાલી બાયપાસ નજીક આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. પરિવાર મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાનો રહેવાસી છે અને હાલ સૂર્યનગર વિસ્તારમાં રહે છે.

ADVERTISEMENT
પ્રસાદ લેવા ઘરેથી નીકળ્યો હતો બાળક
પરિવારના જણાવ્યા મુજબ દિવ્યેશ સવારે નિયમિત રીતે સ્કૂલે ગયો હતો અને બપોરે ઘરે પરત આવ્યો હતો. ત્યારબાદ પ્રસાદ લેવા માટે ઘરેથી બહાર નીકળ્યો હતો. થોડા સમય બાદ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પરિવારને બાળક સાથે અજુગતી ઘટના બની હોવાની જાણ કરવામાં આવી હતી.પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે દિવ્યેશ બસના દરવાજા નજીક ગંભીર હાલતમાં નીચે પડેલો હતો. ત્યારબાદ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેની સ્થિતિ અત્યંત ગંભીર બની હતી અને તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
બાળક બસના દરવાજા પાસે કેવી રીતે પહોંચ્યો તે રહસ્ય
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે ઘટનાની ચોક્કસ માહિતી તેમને નથી. તેમનું કહેવું છે કે બાળક બસના દરવાજા પાસે નીચે પડેલો મળ્યો હતો. તેમણે સમગ્ર ઘટનાની સત્ય હકીકત સામે આવે અને CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
ADVERTISEMENT

ઘટનાના સમયનું 15 મિનિટનું CCTV ફૂટેજ ગાયબ
ADVERTISEMENT
આ સમગ્ર બનાવમાં સૌથી વધુ શંકા CCTV ફૂટેજને લઈને ઊભી થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકના મૃત્યુ પહેલાં અને ઘટના બાદના CCTV ફૂટેજ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ દુર્ઘટના બની હોવાના આશંકિત સમયગાળાના આશરે 15 મિનિટના મહત્વપૂર્ણ ફૂટેજ ઉપલબ્ધ નથી. પ્રાથમિક રીતે આ સમયગાળા દરમિયાન વિસ્તારમાં વીજળી ગુલ થઈ હોવાની વાત સામે આવી છે. જોકે, ઘટનાના સમયનું જ ફૂટેજ ગાયબ હોવાથી પોલીસ હવે CCTV સિસ્ટમ, વીજ પુરવઠો અને ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં નંબર પ્લેટ વિનાની કારમાં ઇંધણ પૂરી દેતા કર્મચારી-કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ
ADVERTISEMENT
કપુરાઈ પોલીસે તપાસ તેજ કરી
ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ સયાજી હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઘટનાસ્થળની તપાસ અને CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે. બાળક બસના ઓટોમેટિક દરવાજામાં કયા સંજોગોમાં ફસાયું, તે સમયે સ્થળ પર કોણ હાજર હતું અને CCTVના 15 મિનિટના ફૂટેજ ખરેખર વીજળી જવાના કારણે ગાયબ થયા કે અન્ય કોઈ કારણસર, તે સહિતના મુદ્દાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. નિર્દોષ બાળકના મોતથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પરિવારજનો દ્વારા ઘટનાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરી બાળકને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.