ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. આ ક્રમમાં ચીને હવે ભારતને ખુલ્લી ધમકી આપતાં કહ્યું છે કે, ભારતે ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદથી દૂર રહેવું જોઈએ. ચીને ભારતને 'અલર્ટ' રહેવાની સલાહ આપતાં કહ્યું કે, આ વિવાદમાં દખલ કરશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
ચીન અને અમેરિકા વચ્ચે કોરોના બાદ શરૂ થયેલો વિવાદ દુનિયાને 'નવા કોલ્ડ વોર' તરફ ધકેલે તેવી આશંકા
ચીન-અમેરીકા વચ્ચેના વિવાદમાં ભારતને ફાયદો ખૂબ ઓછો, પરંતુ નુકસાન ઘણું મોટું થઈ શકે છે : ચીન
એક્સપર્ટ્સના દાવા મુજબ, ચીન અને અમેરિકા વચ્ચે કોરોના મહામારી બાદ શરૂ થયેલો વિવાદ દુનિયાને 'નવા કોલ્ડ વોર' તરફ ધકેલી શકે છે.
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, ચીને કહ્યું છે કે કેટલીક એવી શક્તિઓ છે, જે ભારત સરકારને આ કોલ્ડ વોરમાં એક પક્ષના સમર્થનમાં ઊભા રહેવા માટે કહી રહ્યું છે, જેનાથી આ સ્થિતિનો એ લોકો પણ ફાયદો ઉઠાવી શકે. આવી શક્તિઓ ભારતીય સરકારના સત્તાવાર વલણથી સંબંધ નથી રાખતા અને ચીન વિશે ખોટી સૂચનાઓ અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જો સ્પષ્ટ કહેવામાં આવે તો ચીન-અમેરીકા વચ્ચેના વિવાદમાં ભારતને ફાયદો ખૂબ ઓછો, પરંતુ નુકસાન ઘણું મોટું થઈ શકે છે.
તેના કારણે મોદી સરકાર આ કઠિન પરિસ્થિતિ સાથે ઘણી સમજદારીની સાથે પગલાં ભરી રહી છે. આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારત-ચીન સરહદ વિવાદમાં મધ્યસ્થી કરવાની ઓફર આપી ચૂક્યા છે, જોકે બંને દેશોએ આ ઓફરને ઠુકરાવી દીધી છે. ભારત અને ચીનની સેના વચ્ચે 25 દિવસ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા ગતિરોધની વચ્ચે બંને દેશે પૂર્વ લદ્દાખના વિવાદિત ક્ષેત્રની પાસે સ્થિત પોતાના સૈન્ય અડ્ડા પર ભારે ઉપકરણો અને તોપ તથા યુદ્ધ વાહનો સહિત હથિયાર પ્રણાલીઓને પહોંચાડી દીધા છે.
બંને સેનાઓ દ્વારા ક્ષેત્રમાં પોતાની યુદ્ધક ક્ષમતાઓને વધારવાની આ કવાયત એવા સમયે થઈ રહી છે, જ્યારે બંને દેશ દ્વારા સૈન્ય તથા કૂટનૈતિક સ્તરે વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે, ચીનની સેના પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની પાસે સૈન્ય અડ્ડાઓ ખાતે તોપો, યુદ્ધક વાહનો અને ભારે સૈન્ય ઉપકરણો એકત્ર કરી રહી છે.