બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:33 PM, 17 June 2026
ઉત્તર પ્રદેશના પોલિટિકલ મેદાન પરથી આ સમયના સૌથી મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનના બોલિંગ એટેકને તોડી પાડીને મેદાન જીતી લે છે, બરાબર એ જ આક્રમક અંદાજમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીના કિલ્લાને ધ્વસ્ત કરવાનો દાવો કર્યો છે. કાનપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં ડેપ્યુટી સીએમ મૌર્યએ સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના 25 થી 26 સાંસદો હાલમાં પક્ષ બદલવા અને પાર્ટી તોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર બેઠા છે. દેશમાં શિવસેના અને ટીએમસીમાં થયેલા મોટા ભંગાણનું ઉદાહરણ આપતા ભાજપના નેતાઓએ કહ્યું કે સપામાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. જો કે, નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભાજપ અત્યારે સપાને પોતાની તરફથી તોડી રહ્યું નથી, પરંતુ વર્ષ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણી આવતા-આવતા આ તમામ નેતાઓ આપોઆપ તૂટીને ભાજપના શરણમાં આવી જશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ રાજકીય મેચમાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરની એક સોશિયલ મીડિયા પોસ્ટે સપાના કેમ્પમાં હલચલ મચાવી દીધી છે. રાજભરે દાવો કર્યો છે કે સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક ગુપ્ત પત્ર સોંપ્યો છે. તેમણે ઉત્તર પ્રદેશના પ્રખ્યાત માઇનિંગ કૌભાંડ અને ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આખા યુપીના લોકો જાણે છે કે આ સ્કેમનો માસ્ટરમાઈન્ડ કોણ છે. હવે જ્યારે કાનૂની શિકંજો કસાઈ રહ્યો છે, ત્યારે આખી સપા ચિંતામાં છે અને બચવા માટે ભાજપમાં સામેલ થવા આતુર છે. આ દરમિયાન મંત્રી મનોજ પાંડેયે પણ પ્રહાર કરતા કહ્યું કે, સત્તામાં હતા ત્યારે લોકોને ભગાડનારી સપા સાથે આજે કોઈ નેતા રહેવા માંગતો નથી.
ADVERTISEMENT
ભાજપના આ ઓલ-આઉટ એટેક સામે સમાજવાદી પાર્ટીના યોદ્ધાઓએ પણ લખનૌથી વળતો પ્રહાર કર્યો છે. યુપી વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અને સપાના વરિષ્ઠ ધારાસભ્ય માતાપ્રસાદ પાંડેયે આકરા શબ્દોમાં કહ્યું કે, ઓમપ્રકાશ રાજભર પોતે જ પોતાનામાં એક બહુ મોટો સ્કેમ (કૌભાંડ) છે. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર સરમુખત્યારશાહી ચલાવવાનો અને મુખ્યમંત્રીની ભાષા શૈલી યોગ્ય ન હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ, સપાના ફાયરબ્રાન્ડ નેતા રવિદાસ મેહરોત્રાએ રાજભરને 'બે મોઢાવાળા નેતા' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ માત્ર પોતાનું મંત્રીપદ બચાવી રાખવા માટે જ આવા પાયાવિહોણા નિવેદનો આપે છે. તેમણે દાવો કર્યો કે સપાનો એક પણ સિંહ ભાજપમાં જવાનો નથી અને વર્ષ 2027 માં અખિલેશ યાદવના નેતૃત્વમાં સપા પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.
ADVERTISEMENT
કાનપુરની મુલાકાત દરમિયાન ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ અયોધ્યા રામ મંદિરના દાનપાત્રમાંથી નાણાં ચોરી થવાના સંવેદનશીલ મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું. જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું કે આ મામલે હજુ સુધી FIR કેમ દાખલ નથી થઈ? ત્યારે મૌર્યએ સ્પષ્ટ કર્યું કે આખા મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે, તેથી ઉતાવળે એફઆઈઆરની કોઈ જરૂર નથી. તેમણે અત્યંત કડક લહેજામાં ચેતવણી આપતા કહ્યું કે, રામલલાના દાનપાત્રના પૈસા જેણે પણ ખાધા છે, તેને કાનૂની સજા તો મળશે જ, સાથે જ તે વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય સુખ ભોગવી શકશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તપાસ પૂરી થતાં જ તમામ નાણાં રિકવર કરી લેવાશે અને હનુમાન જી બધું જ બરાબર કરી દેશે. યુપીના રાજકારણની આ મેચ આગામી દિવસોમાં વધુ રોમાંચક બનવાની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.