બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઊનામાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત, પંચમહાલમાં 23 શંકાસ્પદ કેસ, 5 બાળકોના મોત
Last Updated: 02:24 PM, 20 July 2026
ઊના તાલુકાના સોંદરડી ગામમાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયાની માહિતી સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યો છે. બાળકના મોત બાદ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાલુકા હેલ્થ ઓફિસર સહિતની 8 ટીમો સોંદરડી ગામમાં પહોંચી ગઈ છે અને સમગ્ર ગામમાં આરોગ્ય તપાસ તેમજ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર પણ સક્રિય બન્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી મુજબ, બાળકની તબિયત બગડતા તેને સૌપ્રથમ ટીબી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ભાવનગર લઈ જવામાં આવ્યો હતો. જોકે, ભાવનગરમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. હાલ બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી આરોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે જિલ્લા આરોગ્ય અધિકારી પણ સોંદરડી ગામ આવવા માટે રવાના થયા છે.
ADVERTISEMENT
બાળકના મોત બાદ આરોગ્ય વિભાગે સોંદરડી ગામમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. તાલુકા હેલ્થ ઓફિસર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપી રહ્યા છે. ઉપરાંત ગામમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સોંદરડી ગામના દરેક ઘરમાં આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી છે, જેથી કોઈ અન્ય વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો હોય તો સમયસર સારવાર મળી શકે.
ADVERTISEMENT
બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા વધી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 23 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓ નોંધાયા છે. આ પૈકી 5 બાળકોના મોત થયા છે, જ્યારે 2 બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ 8 બાળકો સારવાર હેઠળ છે અને 10 બાળકોને સારવાર પૂર્ણ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે.
આ પણ વાંચો : શું છે ચાંદીપુરા વાયરસ? 48 કલાકમાં બાળકની જિંદગી જોખમમાં મૂકી શકે છે આ વાયરસ
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસ સંબંધિત ઉપલબ્ધ આંકડા મુજબ કુલ 23 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. તેમાં 2 રિપોર્ટ પોઝિટિવ, 16 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 5 રિપોર્ટ હજુ આવવાના બાકી છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સારવાર તેમજ સર્વેલન્સની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સાથે જ લોકોને સાવચેત રહેવા, બાળકોમાં તાવ, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.