બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / બે વખત ચોરાઈ, યુદ્ધમાં બૂટના બોક્સમાં છુપાવી રાખવી પડી, એક કૂતરાએ શોધી કાઢી: FIFA World Cup Trophyનો 95 વર્ષનો રોમાંચક ઇતિહાસ

VTV વિશેષ / બે વખત ચોરાઈ, યુદ્ધમાં બૂટના બોક્સમાં છુપાવી રાખવી પડી, એક કૂતરાએ શોધી કાઢી: FIFA World Cup Trophyનો 95 વર્ષનો રોમાંચક ઇતિહાસ

Priykant Shrimali

Last Updated: 12:35 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FIFA Trophy Theft : આ ટ્રોફીનો ઇતિહાસ મેદાન પરની જીત-હાર જેટલો જ રોમાંચક રહ્યો છે. એક વખત તેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બચાવવા માટે બૂટના બોક્સમાં છુપાવવી પડી હતી, બે વખત તેની ચોરી થઈ હતી અને એક પ્રસંગે તો આખી દુનિયા જે ટ્રોફી શોધી રહી હતી, તે એક પાલતુ કૂતરાએ શોધી કાઢી હતી.

FIFA Trophy Theft : દર ચાર વર્ષે આખી દુનિયા એક એવી ટ્રોફીની રાહ જોતી હોય છે, જેની કિંમત માત્ર સોનાથી નહીં, પરંતુ સપનાઓથી માપવામાં આવે છે. વિશ્વના 200થી વધુ દેશો કરોડો ડોલર ખર્ચે છે, ખેલાડીઓ આખી કારકિર્દી સમર્પિત કરી દે છે અને કરોડો ચાહકો પોતાના દેશની ટીમને આ ટ્રોફી જીતતી જોવા માટે વર્ષો સુધી રાહ જુએ છે. ફૂટબોલની દુનિયામાં FIFA World Cup Trophy માત્ર એક ટ્રોફી નથી, પરંતુ વિશ્વવિજયનું સૌથી મોટું પ્રતીક છે. જોકે આ ટ્રોફીનો ઇતિહાસ મેદાન પરની જીત-હાર જેટલો જ રોમાંચક રહ્યો છે. એક વખત તેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બચાવવા માટે બૂટના બોક્સમાં છુપાવવી પડી હતી, બે વખત તેની ચોરી થઈ હતી અને એક પ્રસંગે તો આખી દુનિયા જે ટ્રોફી શોધી રહી હતી, તે એક પાલતુ કૂતરાએ શોધી કાઢી હતી.

આજની FIFA World Cup Trophy શરૂઆતથી આવી નહોતી. 1930માં જ્યારે પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપ યોજાયો ત્યારે જે ટ્રોફી આપવામાં આવતી હતી તેનું નામ Jules Rimet Trophy હતું. FIFAના ત્રીજા પ્રમુખ જુલ્સ રિમેટના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું હતું, કારણ કે વિશ્વ કપ શરૂ કરવાનો વિચાર પણ તેમનો જ હતો. ફ્રાન્સના શિલ્પકાર એબેલ લાફ્લેઉરે આ ટ્રોફી ડિઝાઇન કરી હતી. તેમાં ગ્રીક વિજયદેવી નાઇકી (Nike)ની સોનાની પ્રતિમા હતી, જેના માથા પર કપ દર્શાવવામાં આવ્યો હતો. લગભગ 35 સેન્ટીમીટર ઊંચી અને 3.8 કિલોગ્રામ વજન ધરાવતી આ ટ્રોફી ગોલ્ડ પ્લેટેડ સ્ટર્લિંગ સિલ્વરમાંથી તૈયાર કરવામાં આવી હતી અને તેના તળિયે કિંમતી લેપિસ લાઝુલી પથ્થર જડવામાં આવ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાયો સૌથી રસપ્રદ અધ્યાય

ટ્રોફીનો સૌથી રસપ્રદ અધ્યાય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાયો. યુરોપમાં યુદ્ધ શરૂ થતાં જ સૌથી મોટો સવાલ ઉભો થયો કે આ કિંમતી ટ્રોફીને કેવી રીતે બચાવવી. ડર હતો કે હિટલરની સેના આ ટ્રોફી ચોરી જશે. તે સમયે FIFAના વાઇસ પ્રેસિડેન્ટ ઓટોરિનો બારાસીએ એક અણધાર્યો નિર્ણય લીધો. તેમણે ટ્રોફીને બેંકના લોકરમાંથી બહાર કાઢી પોતાના ઘરમાં એક સામાન્ય બૂટના બોક્સમાં છુપાવી દીધી. આખા યુદ્ધ દરમિયાન ટ્રોફી તેમના પલંગ નીચે સુરક્ષિત રહી અને 1950માં બ્રાઝિલમાં ફરી વિશ્વ કપ શરૂ થયો ત્યારે જ તે ફરી દુનિયાની સામે આવી.

2 વખત ચોરાઈ ગઈ FIFA Trophy!

વિશ્વયુદ્ધમાંથી બચી ગયેલી ટ્રોફી, ચોરોથી બચી શકી નહીં. 1966માં ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ પહેલાં ટ્રોફીને એક પ્રદર્શનમાં રાખવામાં આવી હતી. 20 માર્ચના રોજ પ્રદર્શન દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ટ્રોફી ચોરીને ફરાર થઈ ગયો. આશ્ચર્યની વાત એ હતી કે પ્રદર્શનમાં રાખેલા લાખો પાઉન્ડના દુર્લભ સ્ટેમ્પ્સને તેણે હાથ પણ લગાવ્યો નહીં, માત્ર ટ્રોફી લઈને જ ભાગી ગયો. સમગ્ર બ્રિટનમાં હાહાકાર મચી ગયો. સ્કોટલેન્ડ યાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ ટ્રોફીની શોધમાં લાગી ગઈ. ચોરે 15 હજાર પાઉન્ડની ખંડણી પણ માગી, પરંતુ પોલીસ તેને પકડી શકી નહીં.

આ ચોરીનો અંત કોઈ પોલીસ અધિકારીએ નહીં, પરંતુ એક પાલતુ કૂતરાએ લાવ્યો. ટ્રોફી ચોરાયાના એક અઠવાડિયા બાદ લંડનના ડેવિડ કોર્બેટ પોતાના કૂતરા Pickles સાથે ફરવા નીકળ્યા હતા. રસ્તા પર પાર્ક કરેલી કાર નીચે પડેલા એક અખબારમાં લપેટાયેલા પેકેટ તરફ Picklesનું ધ્યાન ગયું. ડેવિડે પેકેટ ખોલ્યું તો અંદર FIFA World Cup Trophy હતી. આ ઘટનાએ Picklesને સમગ્ર બ્રિટનમાં હીરો બનાવી દીધો. બાદમાં તે ટીવી સ્ટાર બન્યો અને ઇંગ્લેન્ડની વિશ્વવિજેતા ટીમના વિજય સમારંભમાં પણ ખાસ મહેમાન તરીકે સામેલ થયો.

1970માં બ્રાઝીલે ત્રીજી વખત વિશ્વ કપ જીતતાં Jules Rimet Trophy કાયમ માટે પોતાના નામે કરી લીધી. તે સમયના નિયમ મુજબ ત્રણ વખત વિશ્વ ચેમ્પિયન બનનાર પ્રથમ દેશને ટ્રોફી હંમેશા માટે આપવામાં આવતી હતી. જોકે બ્રાઝિલમાં પણ આ ટ્રોફી સુરક્ષિત રહી નહીં. 1983માં બ્રાઝિલિયન ફૂટબોલ ફેડરેશનના મુખ્યાલયમાંથી તેની ફરી ચોરી થઈ ગઈ. આ વખતે ટ્રોફી ક્યારેય મળી જ નહીં. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો કે ચોરોએ તેને પીગાળીને સોનાની લગડી બનાવી દીધી હતી.

FIFAએ નવી ટ્રોફી બનાવવાનો નિર્ણય લીધો

Jules Rimet Trophy બાદ FIFAએ નવી ટ્રોફી બનાવવાનો નિર્ણય લીધો. દુનિયાભરના કલાકારો પાસેથી 53 ડિઝાઇન મંગાવવામાં આવી હતી, જેમાં ઇટાલીના શિલ્પકાર સિલ્વિયો ગાઝાનિગાની ડિઝાઇન પસંદ કરવામાં આવી. 1974થી આજ સુધી વિજેતા ટીમને આ જ નવી FIFA World Cup Trophy આપવામાં આવે છે. લગભગ 36.5 સેન્ટીમીટર ઊંચી અને 6.175 કિલોગ્રામ વજન ધરાવતી આ ટ્રોફી 18 કેરેટ સોનામાંથી બનાવવામાં આવી છે, જ્યારે તેના તળિયે બે સ્તરનો લીલો મેલાકાઇટ પથ્થર જડવામાં આવ્યો છે. ટ્રોફીમાં બે માનવ આકૃતિઓ સમગ્ર પૃથ્વીને પોતાના હાથ પર ઊંચકી રાખતી જોવા મળે છે, જે વિશ્વ વિજયનું પ્રતિક માનવામાં આવે છે.

ઓરિજિનલ FIFA World Cup Trophy ક્યાં રાખવામાં આવે છે ?

ઘણા લોકોને લાગે છે કે, વિશ્વ કપ જીતનાર દેશ આ ટ્રોફી હંમેશા માટે પોતાની પાસે રાખે છે, પરંતુ હકીકત અલગ છે. મેચ બાદ વિજેતા ટીમ મેદાનમાં ઓરિજિનલ ટ્રોફી સાથે ઉજવણી કરે છે, પરંતુ થોડા સમય પછી તે ટ્રોફી ફરી FIFAને પરત આપી દેવામાં આવે છે. ત્યારબાદ વિજેતા દેશને માત્ર ગોલ્ડ-પ્લેટેડ બ્રોન્ઝની અધિકૃત રેપ્લિકા આપવામાં આવે છે. ઓરિજિનલ FIFA World Cup Trophy આજે પણ સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યૂરિખ સ્થિત FIFAના મુખ્યાલયમાં અત્યંત કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે.

આ પણ વાંચો : Wimbldonમાં વપરાતા ટોવેલ ગુજરાતમાં બને છે! ક્રેઝ એવો કે ખેલાડીઓ ઘેર લઈ જાય છે, ફેન્સ પણ છે ટોવેલના દીવાના

આ ટ્રોફી સાથે જોડાયેલો એક વધુ રસપ્રદ નિયમ પણ છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ટ્રોફીને દરેક વ્યક્તિ સ્પર્શ પણ કરી શકતી નથી. માત્ર વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓ, પૂર્વ વિશ્વવિજેતા, દેશોના વડાપ્રધાન અથવા રાષ્ટ્રપ્રમુખ અને FIFAના અધિકૃત અધિકારીઓને જ ઓરિજિનલ ટ્રોફી હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે વિશ્વ વિજેતા ટીમનો કેપ્ટન આ ટ્રોફીને બંને હાથથી આકાશ તરફ ઊંચકીને ઊભો રહે છે, ત્યારે તે ક્ષણ માત્ર રમતની નહીં પરંતુ સમગ્ર દેશના ગૌરવની ક્ષણ બની જાય છે. આજે લગભગ એક સદી બાદ પણ FIFA World Cup Trophy માત્ર સોનાનો એક કપ નથી. તે કરોડો ખેલાડીઓના સપના, લાખો કલાકોની મહેનત અને સમગ્ર દેશના ગૌરવનું પ્રતિક છે. કદાચ એટલા માટે જ ફૂટબોલની દુનિયામાં કહેવાય છે કે વિશ્વ કપ જીતવો મુશ્કેલ છે, પરંતુ FIFA Trophyને હાથમાં લેવાનો અધિકાર મેળવવો તેનાથી પણ વધુ મુશ્કેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FIFA Trophy History FIFA World Cup Trophy World Cup Trophy Theft
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ