ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ટી 20 વર્લ્ડ કપ માટે આ દિવસે થશે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન, આટલાનું પત્તું કપાશે
Last Updated: 03:18 AM, 19 December 2025
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ચાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20 સીરિઝ વચ્ચે હવે ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શનને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં પસંદગી સમિતિની બેઠક થવાની છે, જેમાં વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ પર અંતિમ મહોર લાગી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરિઝ માટે જે ટીમ પસંદ થશે, તે જ ટીમ વર્લ્ડ કપમાં પણ રમતી જોવા મળશે.
ADVERTISEMENT

આ નિર્ણયથી સ્પષ્ટ સંકેત મળે છે કે હવે ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફારના મૂડમાં નથી. સિલેક્ટર્સ સ્થિરતા અને સતત પ્રદર્શનને મહત્વ આપી રહ્યા છે. જો કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થાય અથવા અનફિટ સાબિત થાય, તો જ ટીમમાં ફેરફારની શક્યતા રહેશે. અન્યથા હાલની કોર ટીમને જ આગળ વધારવાની યોજના છે.
ADVERTISEMENT

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ લગભગ ફાઈનલ માનવામાં આવી રહી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું નામ લગભગ નિશ્ચિત છે. તેમની આગેવાનીમાં ટીમે છેલ્લા કેટલાક સમયથી આક્રમક અને નિર્ભય ક્રિકેટ રમ્યું છે. ખરાબ ફોર્મની ચર્ચાઓ છતાં શુભમન ગિલને પણ ટીમમાં સ્થાન મળવાની પૂરી શક્યતા છે, કારણ કે ટીમ મેનેજમેન્ટ તેમની ક્ષમતાઓ અને મોટા મેચોમાં પ્રદર્શન પર વિશ્વાસ રાખે છે.
ADVERTISEMENT

ટોપ ઓર્ડરમાં અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા યુવા ખેલાડીઓએ પોતાની જગ્યાને મજબૂત બનાવી છે. મધ્યક્રમમાં સંજૂ સેમસન અને જિતેશ શર્મા પર પણ પસંદગી સમિતિનો વિશ્વાસ યથાવત છે. તેમની વિકેટકીપિંગ અને ફિનિશિંગ ક્ષમતાઓ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

ઓલરાઉન્ડર્સ વિભાગમાં હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અક્ષર પટેલની પસંદગી લગભગ નક્કી માનવામાં આવે છે. આ ખેલાડીઓ બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલન આપે છે, જે ટી20 ફોર્મેટમાં ખૂબ જ જરૂરી છે. બોલિંગ આક્રમણની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ ટીમના મુખ્ય હથિયાર રહેશે, જ્યારે કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ સ્પિન તથા પેસ બંનેમાં વિવિધતા ઉમેરે છે.
ADVERTISEMENT
વોશિંગટન સુન્દર અને હર્ષિત રાણાનું નામ પણ સંભવિત સ્ક્વાડમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. જોકે યશસ્વી જયસવાલ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ માટે સ્થિતિ થોડી મુશ્કેલ બની શકે છે. બંને ખેલાડીઓ મજબૂત દાવેદાર છે, પરંતુ શક્ય છે કે તેમને રિઝર્વ તરીકે રાખવામાં આવે. રિન્કુ સિંહનું નામ પણ રિઝર્વ યાદીમાં જઈ શકે છે, જે ટીમ માટે બેકઅપ ફિનિશર તરીકે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ટી20 વર્લ્ડ કપ 2026નું આયોજન 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે અને ફાઈનલ મેચ 8 માર્ચે રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત અમેરિકા સામે કરશે, ત્યારબાદ નામીબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે મહત્વપૂર્ણ મુકાબલા રમશે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચ પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો: કાલે અમદાવાદમાં T20 મેચને કારણે આટલા રસ્તાઓ બંધ, જાણો કયા રસ્તેથી જઈ શકાશે
આ સિલેક્શન માત્ર એક ટીમની જાહેરાત નથી, પરંતુ તે આગામી વર્ષોમાં ભારતીય ટી20 ક્રિકેટની દિશા નક્કી કરશે. યુવા અને અનુભવી ખેલાડીઓનું સંયોજન, સ્થિર કેપ્ટન્સી અને સ્પષ્ટ રણનીતિ સાથે ટીમ ઈન્ડિયા આ વખતના વર્લ્ડ કપમાં ખિતાબ જીતવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ