સમાજમાં ગુનાખોરી ડામવા ડામવા માટે મજબૂત પોલીસ તંત્ર હોવું આવશ્યક છે. પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત વ્યસ્ત રહેતા પોલિસકર્મીઓ આજે બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાનો ભોગ બની રહ્યાં છે. ત્યારે હવે પોલીસ જવાનોના હેલ્થ ચુસ્ત અને દુરસ્ત રાખવા માટે DGP શિવાનંદ ઝા દ્વારા ફિટનેસ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે કેવી રીતે પોલીસ જવાનો પોતાની ફિટનેસ જાળવવાનાં પ્રયત્નો કરી રહ્યાં છે તે જોઈએ આ અહેવાલમાં.
સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મજબૂત અને નિરોગી પોલીસ (police) જવાનો હોવા જરૂરી છે. કેમ કે પોલીસ જવાનો માથે લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સાથે સાથે અસામાજિક તત્વો સામે પણ લડવાનું હોય છે. વળી પોલીસ જવાનોને રાત-દિવસ જોયા વગર ગમે તે ઘડીએ ગમે ત્યાં ફરજ બજાવવાની તૈયારી પણ રાખવાની હોય છે. ત્યારે પોલીસ જવાનો પર પોતાનું આરોગ્યની જાળવી રાખવું એ પણ મોટી જવાબદારી છે. વળી વર્તમાન સમયમાં સમાજમાં હમેશાં તણાવભરી સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે પોલીસ જવાનોને પોતાની ફરજ સાથે સાથે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખવાનું હોય છે એ સંજોગોમાં આજે પોલીસ કર્મીઓમાં બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે.
પોલીસને સતાવતી આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા (Shivanand jha) એ પોલીસ જવાનોનું હેલ્થ ચુસ્ત અને દુરસ્ત રાખવા માટે ફિટનેસ (fitness) ચકાસણી અને જાળવણી માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રને અનુસરીને પોલીસ જવાનો એક્સર્સાઇઝ પર ભાર દઈ રહ્યાં છે અને સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવી રહ્યાં છે. વર્તમાન સમયમાં સમાજમાં હમેશાં તણાવભરી સ્થિતિ સર્જાતી હોય છે. પોલીસ જવાનોને પોતાની ફરજ સાથે પરિવારનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આજે પોલીસકર્મીઓમાં બીપી અને હાર્ટ સંબંધિત બીમારીનું પ્રમાણ વધ્યું છે.
આમ, તો પોલીસ જવાનોને ટ્રેનિંગ દરમ્યાન યોગ અંને કસરતો કરાવવામાં આવતી હોય છે. પરંતુ બાદમાં રૂટીન ફરજનાં કારણે ફિટનેસ બાબતે તેઓ કાળજી લઈ શકતા નથી. આથી તેઓ લાંબાગાળે અનફિટ બની જાય છે. આ સમસ્યાને નિવારવા પોલીસ કર્મીઓ પોતાની ફિટનેસ જાળવવા માટે ગ્રાઉન્ડ પર એક્સર્સાઇઝ કરી રહ્યાં છે. નવી નવી ભરતી થયેલા મહિલા પોલીસ જવાનોથી માંડીને સર્વિસનાં મધ્યગાળામાં પહોંચેલા પોલીસ જવાનો પણ પોતાની ફિટનેસ દુરસ્ત રાખવા ગ્રાઉન્ડ પર કસરતનો સહારો લઈ રહ્યાં છે. તો કેટલાંક પોલીસ જવાનો ડોક્ટર પાસે જઈને નિયમિત સમયાંતરે પોતાનું હેલ્થ ચેકઅપ પણ કરાવી રહ્યાં છે.
24 કલાકની નોકરીના નામે પોલીસ જવાનોની જીવન શૈલી અનિયમિત બની ગઈ હોવાથી તેઓ ગંભીર બીમારીનો શિકાર બની ગયા છે. તાજેતરમાં માર્ચ 2018થી એપ્રિલ 2019 સુધીમાં પોલીસ વેલફેર હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓના ચેકઅપ દરમ્યાન ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જે મુજબ 6147 જેટલા પોલીસ જવાનોએ મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું જેમાંથી 3,917 જેટલા જ પોલીસ જવાનો સ્વસ્થ જણાયા હતાં. જ્યારે 703 પોલીસ જવાનોને વ્યસનને કારણે સામાન્ય બીમારીની અસર હતી જ્યારે 1155 પોલીસ જવાનો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં છે.
તો આ તરફ વર્ષ 2018 માર્ચથી એપ્રિલ 2019 દરમ્યાન 6147 જેટલા પોલીસ કર્મચારીઓના મેડીકલ ચેકઅપ થયાં. જેમાંથી 703 પોલીસકર્મી વ્યસનના કારણે બીમાર છે. 775 જવાનો હાઇપર ટેન્શન કે હૃદયની બીમારીનો શિકાર છે. તો 380 પોલીસકર્મીઓ ડાયાબીટીસ સાથે જીવી રહ્યાં છે જ્યારે 249 પોલીસકમીઓમાં પાંડુરોગ કે લોહીની ઉણપ દેખાઈ છે. ફક્ત પુરુષ પોલીસ જવાનો જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં છે તેવું નથી. પરંતુ મહિલા પોલીસ જવાનોની પણ સ્થિત આરોગ્ય બાબતે કફોડી છે.
મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસનાં મેડીકલ ચેકઅપ દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓ હિમોગ્લોબીનની ખામીના કારણે પરેશાન જોવાં મળી છે. આ સ્થિતિને નિવારવા માટે પોલીસ સ્ટેશનમાં જીમની સુવિધા સાથે જ ન્યુટ્રીશન કે ફીટનેશ એક્સપર્ટની મદદ લેવા માટે પોલીસ જવાનોને DGP દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ નિયમિત ચેકઅપ કરાવનાર પોલીસ માટે રોલ મોડેલ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આશા રાખીએ કે સમાજના જાનમાલની રક્ષા કરતાં પોલીસ જવાનો હંમેશા ચુસ્ત અને દુરસ્ત જ રહે.