વેક્સિન ટ્રાયલની રેસમાં સૌથી આગળ રહેલા વિજ્ઞાનીઓને કોરોના હોટસ્પોટમાં એવા લોકોની જરૂર છે, જેમને વોલન્ટિયર બનાવી શકાય. અમેરિકા અને યુરોપના વિજ્ઞાનીઓનું કહેવું છે કે, કડક લોકડાઉનના અમલ અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીધે નવા કેસ ઓછા થવા લાગ્યા છે, તેવા સંજોગોમાં વેક્સિન ટ્રાયલ માટે હવે હોટસ્પોટની પણ અછત વર્તાઈ રહી છે.
પશ્ચિમના દેશોની પરેશાની, કોરોના હોટસ્પોટના ટેસ્ટ માટે લોકો મળતા નથી
અમેરિકાએ અગાઉ એચઆઈવી, મેલરિયા અને ટીબીના વેક્સિનનું પરીક્ષણ આફ્રિકામાં કર્યું હતું
ચીનમાંથી પણ ત્રણ દિવસ અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે, ત્યાં પણ યોગ્ય સંખ્યામાં વોલન્ટિયર મળી રહ્યા નથી. આ કારણે એવું પણ બની શકે છે કે પશ્ચિમના દેશોના વિજ્ઞાનીઓ આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેક્સિનની ટ્રાયલ માટે જઈ શકે છે.
અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર ફ્રાન્સિસ કોલિન્સનું કહેવું છે કે, આ ઘણી વિચિત્ર પરિસ્થતિ છે. જો આપણે કોરોના હોટસ્પોટમાં સંક્રમણ ઘટાડી રહ્યા છીએ તો તેના પરિણામે હવે વેક્સિનની ટ્રાયલ માટે મુશ્કેલી ઊભી થઇ રહી છે.
બ્રિટનનાં વારવિક બિઝનેસ સ્કૂલનાં ડ્રગ એક્સપર્ટ આયફર અલીનું કહેવું છે કે, લોકોનું ટ્રાયલમાં સામેલ થવું ખૂબ જરૂરી છે, તેવામાં સંક્રમણનું જોખમ લેવું જ પડશે. જો કોરોના વાઈરસ અસ્થાયી રીતે સાવ નાબૂદ થઇ જશે તો અત્યાર સુધીની તમામ મહેનત વ્યર્થ જશે. તેવામાં ટ્રાયલને તે જગ્યાએ શિફ્ટ કરવી પડશે, જ્યાં કમ્યુનિટી સંક્રમણના કેસ હજુ પણ આવી રહ્યા છે, જેમકે બ્રાઝિલ અને મેક્સિકો.
કોરોનાના કેસ બ્રિટન, યુરોપ અને અમેરિકામાં સૌથી વધુ હતા. હવે સંક્રમણના ફેલાવાનો દર ઘટી રહ્યો છે. ટ્રાયલ માટે જરૂરી દર્દીઓ મળી રહ્યા નથી. આવી જ સ્થિતિ વર્ષ 2014માં ઇબોલા મહામારીના સમય પર પશ્ચિમ આફ્રિકામાં પણ થઇ હતી. વેક્સિન મહામારીના છેલ્લા તબક્કામાં તૈયાર થઇ હતી અને ટેસ્ટિંગ માટે દર્દીઓ મળી રહ્યા ન હતા.
અમેરિકન કંપની મોર્ડના અને બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બીજા તબક્કાની ટ્રાયલ કરવાની છે. અમેરિકા જુલાઈ મહિનામાં 20થી 30 હજાર લોકો પર વેક્સિનની ટ્રાયલ કરશે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર ફ્રાન્સિસ કોલિન્સના જણાવ્યા અનુસાર, જો અહીં ઝડપથી કેસ ઘટે છે તો ટ્રાયલ માટે બીજા દેશોમાં લઈ જવી પડશે. અમેરિકાની સરકાર અગાઉ પણ આફ્રિકામાં એચઆઈવી, મેલરિયા અને ટીબીની વેક્સીનની ટ્રાયલ કરી ચૂકી છે.
પ્રોફેસર કોલિન્સના જણાવ્યા અનુસાર, આફ્રિકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમે ત્યાં ટ્રાયલ માટે જઈ શકીએ છીએ અને નવી જાણકારી બહાર લાવી શકીએ છીએ. વેક્સિન તૈયાર કરનારી બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા જેનર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર એડ્રિયન હિલનું કહેવું છે કે, ટ્રાયલ માટે અંદાજે 10,000 લોકોની જરૂર છે. બ્રિટનમાં કોરોનાના કેસ ઘટવાને કારણે જરૂરી લોકો નહીં મળ્યા તો આખરે ટ્રાયલ અટકાવવી જ પડશે.
કોરોનાની વેક્સિનનું ટ્રાયલ કઈ રીતે થાય છે તે જાણો
વેક્સિનની ટ્રાયલમાં સામેલ થનારા લોકોને રેન્ડમલી બે ગ્રૂપમાં વહેંચવામાં આવે છે- ટ્રીટમેન્ટ ગ્રૂપ અને કન્ટ્રોલ ગ્રૂપ. ટ્રીટમેન્ટ ગ્રૂપ પર વેક્સિનનું ટ્રાયલ થાય છે, જ્યારે કન્ટ્રોલ ગ્રૂપને સામાન્ય સારવાર આપવામાં આવે છે. દરેક સહભાગીને કોરોના પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ તેમને સંક્રમણ થવાના દરને મેચ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ ગ્રૂપને વેક્સિન આપવામાં આવે છે. જો કન્ટ્રોલ ગ્રૂપમાં સંક્રમણ ગંભીર સ્વરૂપ લઇ રહ્યું છે તો એનો અર્થ એમ છે કે બીજા ગ્રૂપમાં વેક્સિનની અસર થઇ રહી છે.