ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો ઘાતક ડ્રોન હુમલો, અનેક લોકોના મોત બાદ પશ્ચિમી દેશો પર ભડક્યા ઝેલેન્સ્કી
Last Updated: 08:26 PM, 29 October 2026
ADVERTISEMENT
યુક્રેનના ડ્નીપ્રો રેલવે સ્ટેશન પર રશિયા દ્વારા કરવામાં આવેલા એક ઘાતક ડ્રોન હુમલામાં 13 લોકોના મોત નીપજ્યા છે અને 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કરૂણ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે પ્લેટફોર્મ પર ઝાપોરિજિયા જવા માટે પેસેન્જર ટ્રેન ઊભી હતી. આ ભયાનક તબાહીને જોઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે દુનિયા સામે સબૂતો રજૂ કરીને રશિયાની આ પ્રવૃત્તિની આકરી ટીકા કરી હતી અને સાથે જ અમેરિકા, યુરોપિયન યુનિયન તેમજ જી-7 દેશોની નીતિઓ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુરુવારની સવારે ડ્નીપ્રોના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનો પૈકી એક પર આ ખૌફનાક ઘટના બની હતી. તે સમયે પ્લેટફોર્મ પર સેંકડો મુસાફરો ઉપસ્થિત હતા અને ડ્નીપ્રોથી દક્ષિણી શહેર ઝાપોરિજિયા જતી ટ્રેન નંબર 866 પ્રસ્થાન માટે તૈયાર ઊભી હતી. તે જ સમયે આકાશમાંથી રશિયન સેનાનું અત્યંત તીવ્ર ગતિ ધરાવતું જેટ-સંચાલિત સુસાઈડ ડ્રોન સીધું તે જ પ્લેટફોર્મ પર આવીને ટકરાયું જ્યાં લોકો ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા હતા. એક જોરદાર વિસ્ફોટ થયો અને માત્ર થોડી જ સેકન્ડોમાં આખું સ્ટેશન ધુમાડા, બારૂદ અને લોકોની ચીખ-ચીખથી ગુંજી ઉઠ્યું. ચારેય તરફ લોહી અને લાશોના થર જામી ગયા હતા. સ્ટેશન પર જોખમની ચેતવણી આપવામાં આવી હોવા છતાં અનેક મુસાફરો પોતાની ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ પર હાજર હતા. વિસ્ફોટની સાથે જ રાહત અને બચાવ દળ, તબીબો અને સુરક્ષા એજન્સીઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોહીથી લથપથ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
હુમલાના થોડા જ કલાકો બાદ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી જાહેરમાં આવ્યા અને તેમણે આ હુમલાના હૃદયદ્રાવક દ્રશ્યો તથા વિડિયો પુરાવા તરીકે દુનિયા સમક્ષ રજૂ કર્યા. પ્રાદેશિક ગવર્નર ઓલેક્સન્ડર હાંઝા અને મેયર બોરિસ ફિલાતોવે પણ આ ભારે તબાહીની પુષ્ટિ કરી છે. દુઃખ અને રોષ વ્યક્ત કરતા ઝેલેન્સ્કીએ જણાવ્યું કે પુતિનની સેના હવે ઇરાદાપૂર્વક એવી જગ્યાઓને નિશાન બનાવી રહી છે જ્યાં ફક્ત સામાન્ય નાગરિકો એકત્ર થતા હોય છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
તબાહીના પુરાવા પ્રદર્શિત કર્યા બાદ ઝેલેન્સ્કીનું દર્દ અને ગુસ્સો વૈશ્વિક મહાસત્તાઓ સામે ફાટી નીકળ્યો. તેમણે જી-7 દેશો, અમેરિકા અને યુરોપિયન યુનિયનને સીધા નિશાન બનાવતા સવાલ કર્યો કે એક તરફ પશ્ચિમી દેશો રશિયાના અમીર ઉદ્યોગપતિઓ અને તેના ઉર્જા ક્ષેત્ર પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં રાહત આપી રહ્યા છે, જ્યારે બીજી તરફ રશિયા તે નાણાંનો ઉપયોગ નિર્દોષ લોકો પર બોમ્બ વર્ષા કરવા માટે કરી રહ્યું છે. ઝેલેન્સ્કીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે યુક્રેન સતત ચેતવણી આપી રહ્યું હતું કે રશિયાના આ દુસ્સાહસનો જવાબ અમેરિકા અને યુરોપે કડક નિર્ણયો લઈને આપવો જોઈએ. પરંતુ પાબંદીઓ હળવી કરવામાં આવી રહી છે અને અહીં રશિયા આપણી ધરતી પર રોજ લાશો બિછાવી રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે રશિયાના આ યુદ્ધ-ઉન્માદને અટકાવવા માટે તમામ પ્રભાવશાળી દેશો તેના પર અત્યંત કઠોર પ્રતિબંધો લાદે.
ADVERTISEMENT
એક તરફ રશિયા ડ્નીપ્રો જેવા શહેરોમાં સામાન્ય નાગરિકો પર ઘાતક ડ્રોન વરસાવી રહ્યું છે, તો બીજી તરફ રાજદ્વારી સ્તરે પણ હલચલ શરૂ થઈ ચૂકી છે. યુક્રેનના વરિષ્ઠ અધિકારી દાવાદ અરાખામિયાએ માહિતી આપી છે કે યુક્રેનનું એક વિશેષ પ્રતિનિધિ મંડળ રશિયાના કબજા હેઠળના ઓલેશ્કી ક્ષેત્ર માટે રવાના થઈ ચૂક્યું છે, જેનું નેતૃત્વ માનવાધિકાર લોકપાલ દિમિત્રો લુબિનેટ્સ કરી રહ્યા છે. તે વિસ્તારમાં યુદ્ધવિરામ અમલમાં હોવાથી આ પ્રતિનિધિ મંડળ સ્થળ પર પહોંચીને જમીની વાસ્તવિકતાનો તાગ મેળવશે અને પરિસ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરશે. જોકે, ડ્નીપ્રોમાં થયેલા આ તાજા હુમલાએ કોઈપણ પ્રકારના યુદ્ધવિરામની આશા પર પાણી ફેરવી દીધું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ