ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ફરી બદલાયું હવામાન, અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ, અનેક જિલ્લામાં યેલો એલર્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:30 PM, 29 October 2026
1/6
દિવાળી બાદ હવે શિયાળાની ઠંડી શરૂ થવાની રાહ જોવાઈ રહી છે, ત્યાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ઓક્ટોબર મહિનાના અંતમાં અચાનક હવામાન બદલાતાં લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ હળવો વરસાદ વરસ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે એટલે કે 29 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી બે દિવસ દરમિયાન પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગે 29 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પંચમહાલ અને મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે પર સાંજે 5 વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને હળવો વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણ બદલાતાં શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
3/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. 30 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. જોકે, તમામ વિસ્તારોમાં એકસરખો વરસાદ પડશે તેવું જરૂરી નથી.
4/6
31 ઓક્ટોબરે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ભાવનગર, નવસારી, વલસાડ, અરવલ્લી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અન્ય આગાહીમાં અમરેલી જિલ્લામાં પણ અમુક સ્થળોએ હળવા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આમ, ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે, આ વરસાદ હળવો અને છૂટાછવાયા વિસ્તારોમાં રહેવાની સંભાવના છે.
ADVERTISEMENT
5/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં ફરી ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. જોકે, ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન મજબૂત રહેવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફની રહેશે. આગામી 12 કલાક સુધી પવનની ઝડપ 15થી 20 નોટ એટલે કે આશરે 27થી 37 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
6/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલી છે. બીજી તરફ ખૂબ જ તીવ્ર સાયક્લોનિક વાવાઝોડું 'દાના' હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તેની સ્થિતિ દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાની આસપાસ હોવાનું જણાવવામાં આવ્યું છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ વધુ નબળી પડીને લો પ્રેશરમાં ફેરવાઈ જવાની સંભાવના છે. આ તમામ હવામાનની સ્થિતિ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ