ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં ચિકન રોલ, શોરમા અને ફ્રાઈડ રાઈસ ખાધા બાદ 7 લોકોની તબિયત લથડી
Last Updated: 07:44 PM, 29 October 2026
ADVERTISEMENT
સ્વાદિષ્ટ નોનવેજ ખાવાની મજા ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે. જામનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. શહેરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યા બાદ એકસાથે 7 લોકોની તબિયત લથડતાં ચકચાર મચી ગઈ છે. ચિકન રોલ, શોરમા, ફ્રાઈડ રાઈસ અને બિરયાની જેવી વાનગીઓ ખાધા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તબિયત બગડતાં અસરગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ હરકતમાં આવી હતી અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતાં રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી એસ.કે. રેસ્ટોરન્ટમાંથી નોનવેજ વાનગીઓ ખાધા બાદ કેટલાક ગ્રાહકોની તબિયત બગડી હતી. મળતી માહિતી મુજબ, ગ્રાહકોએ ચિકન રોલ, રાઈસ, બિરયાની સહિતની વાનગીઓ મંગાવી હતી. આ વાનગીઓ ખાધા બાદ કુલ 7 લોકોને ફૂડ પોઈઝનિંગ જેવી અસર જોવા મળી હતી. એકસાથે અનેક લોકોની તબિયત લથડતાં ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઊભા થયા હતા. જોકે, ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ લેબોરેટરીના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ADVERTISEMENT
આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા 7 લોકોને સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખા અધિકારી એન.પી. જાસલિયાના જણાવ્યા અનુસાર, કેટલાક દર્દીઓ અલવર હોસ્પિટલમાં અને કેટલાક યુનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે, હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર અને સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, એક જ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવ્યા બાદ 7 લોકોની તબિયત બગડવાની ઘટનાને પગલે ફૂડ વિભાગ દ્વારા ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
જામનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા એસ.કે. રેસ્ટોરન્ટમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. ફૂડ શાખા અધિકારી એન.પી. જાસલિયાએ જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાંથી ખાવાને કારણે કેટલાક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની માહિતી મળતાં ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી અલગ અલગ વાનગીઓના કુલ 5 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

ADVERTISEMENT
ફૂડ વિભાગની તપાસ દરમિયાન એસ.કે. રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી અને હાઈજીન સંબંધિત શરતોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું ન હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોનું વેચાણ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. સાથે જ રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવી છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, રેસ્ટોરન્ટમાં જરૂરી સુધારા કરવામાં આવે અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય તે જરૂરી છે. ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ફૂડ શાખા અધિકારી એન.પી. જાસલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં યોગ્ય રિનોવેશન કરવામાં આવે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP મુજબની તમામ શરતોનું પાલન થાય તેની ખાતરી કરવામાં આવશે. આ ઉપરાંત ખાદ્યપદાર્થોના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ રેસ્ટોરન્ટનું વેચાણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે શહેરમાં બહારનું ખાવાનું પસંદ કરતા લોકો માટે પણ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાનો મુદ્દો મહત્વનો બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.