અમદાવાદમાં વધુ એક તોડકાંડને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મેચ જોવા આવેલા યુવક દારૂની બોટલ સાથે પકડાયા બાદ પોલીસકર્મીઓએ યુવકનો તોડ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.
અમદાવાદમાં ખાખી પર લાંછન લગાડતો વધુ એક તોડકાંડ
દારૂની બોટલ સાથે પકડાયેલા યુવકનો પોલીસ કર્મીએ કર્યો તોડ
જી ડિવિજનના પોલીસકર્મી એ યુવક પાસેથી 20 હજાર કરાવ્યા ટ્રાન્સફર
અમદાવાદ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કરતો વધુ એક તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં રીંગ રોડ પર ફરી એક વખત પોલીસે દિલ્હીથી મેચ દેખવા આવેલ યુવકનો તોડ કર્યાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. જેમાં દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક પાસે દારૂની બોટલ સાથે પકડાતા પોલીસકર્મીએ ફરિયાદ નોંધવાની જગ્યાએ યુવકનો તોડ કર્યા હતો. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.
અલગ અલગ જગ્યાએ યુવકને લઈ ગયા બાદ પૈસા ટ્રાન્સફર કરાવ્યા
અમદાવાદનો રીંગ રોડ જાણે પોલીસ કર્મચારીઓ માટે કમાણીનું સાધન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે થોડા સમય પહેલા જ રિંગ રોડ પર પોલીસકર્મીઓએ દંપતી પાસથી તોડ કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ ગત રોજ રાત્રે અમદાવાદ ખાતે વર્લ્ડ કપની મેચ જોવા માટે દિલ્હીથી અમદાવાદ આવેલ યુવક કાનવ ગાડીમાં દારૂની બોટલ સાથે પોલીસકર્મીનાં હાથે ઝડપાઈ ગયો હતો. જે બાદ પોલીસ કર્મચારી દ્વારા યુવકને અલગ અલગ સ્થળે લઈ ગયા બાદ યુવકનો તોડ કર્યો હતો.
દિલ્હીથી આવેલ મુસાફર પાસેથી પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાંકીય માંગણી અંગેનો વિડિઓ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ. જે અન્વયે ગંભીર સંજ્ઞાન લઈને મદદનીશ પોલીસ કમિશ્નર (ટ્રાફિક 'ક' ડિવિજન) ને તપાસ સોંપવામાં આવેલ છે, જેની ઉંડાણપૂર્વક તપાસ ઉપરાંત જવાબદાર ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 20, 2023
પોલીસ કર્મીએ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા
જે બાદ જી ડિવિઝન પોલીસ કર્મી દ્વારા યુવક પાસેથી 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારે યુવક દ્વારા હડિયોલ અરૂણ નામનાં યુવકનાં એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો. હાઈકોર્ટ દ્વારા થોડા સમય પહેલા બોપલ રિંગ રોડ પર થયેલ તોડકાંડ મામલે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા હતા. ત્યારે ગત રોજ રવિવારે પોલીસ કર્મીનો દ્વારા વધુ એક તોડ કાંડ પ્રકાશમાં આવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.