બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
7 ફોટો ગેલેરી
Last Updated: 05:29 PM, 26 June 2026
1/7
રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હાલ ખૂબ ઓછી હોવાનું અનુમાન છે. બીજી તરફ, અમદાવાદમાં વરસાદની શક્યતા મર્યાદિત રહેતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને મહત્તમ તાપમાન આશરે 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાનમાં સ્થાનિક સ્તરે ફેરફાર થઈ શકે હોવાથી નાગરિકોને સત્તાવાર હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
2/7
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા તાલુકાના વીજપડી, ચીખલી, ઘાંડલા, ગોરડકા સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો, જ્યારે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યાં. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે અને ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
3/7
બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. રાણપુર તાલુકાના કુંડલી, બૂબડી, રાજપરા, પાણવી, અલમપર અને ઉમરાળા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પણ પાણીથી છલકાઈ ઊઠ્યા હતા. બીજી તરફ બરવાળા શહેર તેમજ તાલુકાના કાપડિયાળી, નાવડા અને ખમીદાણા ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને અવરજવરમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
4/7
વલસાડ જિલ્લામાં એકવાર ફરી વરસાદી માહોલ જામ્યો છે. વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચાણોદ, ચલા, અજિતનગર અને ડાભેલ ગેટ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેતીના કામોને વેગ મળવાની સાથે આગામી દિવસોમાં વધુ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
5/7
ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલ અલનીનો (El Niño)ની અસરને કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જોકે આગામી દિવસોમાં ધીમે ધીમે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને તેના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે
6/7
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં તબક્કાવાર વરસાદ શરૂ થશે. શરૂઆતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
7/7
અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળનો ઉપસાગર સક્રિય બનવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે ગુજરાત તરફ ભેજયુક્ત પવનોનું પ્રમાણ વધશે, જેના કારણે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ