બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:09 PM, 22 October 2025
Mehul Choksi : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી ટૂંક સમયમાં ભારત પરત આવી શકે છે. એન્ટવર્પ સ્થિત બેલ્જિયમની એક કોર્ટે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, જેને ભારત માટે એક મહત્વપૂર્ણ કાનૂની જીત તરીકે જોવામાં આવી રહી છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદામાં જણાવાયું છે કે, ચોક્સી બેલ્જિયમનો નાગરિક નથી, પરંતુ એક વિદેશી નાગરિક છે અને ભારતમાં તેના પર થયેલા આરોપો ગંભીર ગુનાહિત સ્વભાવ ધરાવે છે.
ADVERTISEMENT
હવે જાણો ચોક્સી પર કયા આરોપો છે?
બેલ્જિયમ કોર્ટના દસ્તાવેજો અનુસાર મેહુલ ચોક્સી પર છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને બનાવટી દસ્તાવેજોના ગુનાઓના ગંભીર આરોપો છે. આ બધા ગુનાઓ ભારતના નાણાકીય તથા કાનૂની ધોરણો મુજબ ખૂબ ગંભીર ગણાય છે. 2018માં પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડ સામે આવ્યો હતો જેમાં ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ આશરે ₹13,000 કરોડનું બેંક કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ ચોક્સી ભારત છોડીને ભાગી ગયો હતો. હાલમાં નીરવ મોદી યૂનાઈટેડ કિંગડમની જેલમાં છે અને તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
ADVERTISEMENT

ચોક્સીની દલીલો અનુત્તર રહી ગઈ
ADVERTISEMENT
પ્રત્યાર્પણ રોકાવવા માટે ચોક્સી દ્વારા રજૂ કરાયેલા તમામ યત્નો બેલ્જિયમ કોર્ટમાં નિષ્ફળ રહ્યા. ચોક્સીએ દલીલ આપી હતી કે તેના પરના કેસો રાજકીય બદલો, ધાર્મિક અથવા જાતીય ભેદભાવથી પ્રેરિત છે. આ દલીલને કોર્ટે પાયાવિહોણી ગણાવી અને સ્પષ્ટ કહ્યું કે, આ કેસ રાજકીય, ધાર્મિક કે વંશીય રીતે પ્રેરિત નથી. આરોપો સાવજનીક નાણાંની છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા છે. તેમજ ચોક્સી દ્વારા કરવામાં આવેલા અપહરણ અને ત્રાસના આરોપોને પણ પૂરાવાની અછતના આધારે ફગાવી દેવામાં આવ્યા.
ADVERTISEMENT
પ્રત્યાર્પણ પ્રક્રિયામાં આગળનું પગલું
બેલ્જિયમ કોર્ટના આ નિર્ણય બાદ, ભારતીય વિદેશ મંત્રાલય અને કેન્દ્રની તપાસ એજન્સીઓએ ચોક્સીનું ભારત પ્રત્યાર્પણ શક્ય તેટલી ઝડપથી થાય એ માટે તૈયારી શરૂ કરી છે. હવે માત્ર બેલ્જિયમ કોર્ટના આદેશની ઔપચારિકતાઓ પૂર્ણ થવી બાકી છે. ત્યારબાદ ચોક્સીની ભારત પાછી વળવાની તારીખ નક્કી કરવામાં આવશે. વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ બેલ્જિયમના આ ચુકાદાને ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ નિર્ણય માત્ર ચોક્સી જેવા ભાગેડુઓ માટે કડક સંદેશ છે નહિ, પણ તે ભારતની આંતરરાષ્ટ્રીય કાનૂની લડાઈમાં મજબૂતી દર્શાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.