બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્પા મર્ડર કેસનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલ્યો, 4 આરોપી ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
Last Updated: 12:25 AM, 8 August 2026
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ક્રિશ સ્પામાં મેનેજરની હત્યાના કેસનો ભેદ નરોડા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. શરૂઆતમાં આ ઘટના સ્પાની હરીફાઈ અને અગાઉ થયેલી પોલીસ રેડની અદાવત સાથે જોડાયેલી હોવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રેમિકા સાથે થયેલી બોલાચાલીનો બદલો લેવા મુખ્ય આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને હુમલો કરી સ્પાના મેનેજરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પોલીસે આ કેસમાં વિશાલ બારોટ, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત, કરણ કેશાજી અને કિશન ચુનારાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર પરેશ વિશ્વકર્મા હજુ ફરાર છે. તેની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શહેર તથા બહારના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટની મોડી રાત્રે નરોડાના હંસપુરા સર્કલ પાસે આવેલા વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ક્રિશ સ્પામાં પાંચ શખ્સો ઘૂસી આવ્યા હતા. તેમણે સ્પાના મેનેજર દશરથ ઠાકોર પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ દશરથને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ADVERTISEMENT
ઘટના બાદ નરોડા પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ, મોબાઇલ લોકેશન અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. વિવિધ પુરાવાઓના આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી દીધો હતો.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઘટનાના થોડા સમય પહેલાં આરોપી વિશાલ બારોટ પોતાની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી અને ખુશ્બુ સાથે ક્રિશ સ્પામાં ગયો હતો. તે દરમિયાન વૈષ્ણવી અને ખુશ્બુની સ્પાના કર્મચારી દશરથ ઠાકોર તથા જનકભાઈ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. તે સમયે મામલો શાંત થઈ ગયો હતો, પરંતુ વિશાલે આ ઘટનાની અદાવત રાખી હતી.
આ પણ વાંચો- અમદાવાદમાં ફાયર એનઓસી મંજૂર કરવા લાંચ લેતા બે ઝડપાયા
ADVERTISEMENT
બાદમાં વિશાલે પોતાના મિત્રોની મદદથી દશરથને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો હતો. પૂર્વ આયોજન મુજબ પાંચેય આરોપીઓ મોડી રાત્રે ફરી સ્પામાં પહોંચ્યા, દશરથ પર હુમલો કર્યો અને માર માર્યા બાદ તેમને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધા હતા.
ADVERTISEMENT
નરોડા પોલીસે હત્યા કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર પરેશ વિશ્વકર્માની શોધખોળ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવી રહ્યો છે. સાથે જ સ્પાની આડમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી કે કેમ અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓ પર તપાસ ચાલુ છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તેમજ ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.