ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગૂડ્સની આડમાં દાણચોરીનું કૌભાંડ! ખાડી દેશોથી આવેલા 18 કન્ટેનર મુન્દ્રામાં અટકાવ્યાં
Last Updated: 09:18 AM, 7 November 2026
ADVERTISEMENT
બહારથી જોતા આ કન્ટેનરોમાં સામાન્ય માલસામાન ભરેલો હોવાનું જણાતું હતું. જરૂરી દસ્તાવેજો પણ કસ્ટમ વિભાગમાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેની પાછળ દાણચોરીનું મોટું નેટવર્ક છુપાયેલું હોવાની આશંકા હતી. માલસામાનની આડમાં વિદેશી સિગારેટ ભારતમાં ઘુસાડવાનો ખેલ ચાલી રહ્યો હોવાની બાતમી મળતાં જ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ મુન્દ્રા પોર્ટ પર સિક્રેટ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન એક પછી એક 18 શંકાસ્પદ કન્ટેનર અટકાવવામાં આવ્યાં અને તપાસ શરૂ થતાં જ કરોડોની દાણચોરીનો પર્દાફાશ થયો છે.
ADVERTISEMENT

કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIના અધિકારીઓએ ખાડી દેશોમાંથી આયાત કરવામાં આવેલા 18 શંકાસ્પદ કન્ટેનરોનું ક્લિયરન્સ અટકાવ્યું છે. પ્રાથમિક તપાસ દરમિયાન ત્રણ કન્ટેનરમાંથી કરોડો રૂપિયાની ઇમ્પોર્ટેડ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેનરોમાં જાહેર કરવામાં આવેલા માલસામાનને બદલે વિદેશી સિગારેટ છુપાવીને લાવવામાં આવી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હજુ અન્ય કન્ટેનરો ખોલવાના બાકી હોવાથી સિગારેટનો કુલ જથ્થો અને તેની કિંમતમાં મોટો વધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
DRIને બાતમી મળી હતી કે ચોક્કસ ઇમ્પોર્ટર કસ્ટમ વિભાગ સમક્ષ બિલ ઓફ એન્ટ્રી સહિતના જરૂરી દસ્તાવેજો ફાઇલ કરીને માલસામાનની આયાત દર્શાવે છે. જોકે, વાસ્તવમાં જાહેર કરેલા માલની આડમાં વિદેશી સિગારેટ છુપાવીને ભારતમાં લાવવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં મિસ ડિકલેરેશન એટલે કે આયાત કરવામાં આવતા માલ અંગે ખોટી માહિતી આપીને દાણચોરી કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે DRIએ મુન્દ્રા પોર્ટ પર પહોંચેલા કન્ટેનરોનું ક્લિયરન્સ અટકાવીને તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
આ તપાસમાં માત્ર આયાતકારો જ નહીં, પરંતુ કસ્ટમ હાઉસ એજન્ટો પણ DRIની રડારમાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઇમ્પોર્ટેડ સિગારેટ અને સોપારીની દાણચોરી સાથે સંકળાયેલી ગેંગ સક્રિય હોવાની વિગતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ કન્ટેનરો મુન્દ્રા પોર્ટથી દિલ્હી સ્થિત તુઘલકાબાદ મોકલવાના હતા. જોકે, કન્ટેનરમાં રહેલો માલ આગળ પહોંચે તે પહેલાં જ DRIએ કાર્યવાહી કરીને દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ADVERTISEMENT
આ મામલે DRIએ અમદાવાદ અને દિલ્હીના બે શખ્સોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ હવે આ બંને શખ્સો ઉપરાંત આયાતકારો અને કસ્ટમ હાઉસ એજન્ટોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. આ દાણચોરીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને વિદેશથી માલ મંગાવવાની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ચલાવવામાં આવતી હતી તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મુન્દ્રા પોર્ટ પરથી અગાઉ પણ ઇ-સિગારેટ અને ચીનથી લાવવામાં આવેલા પ્રતિબંધિત ફટાકડાનો જથ્થો ઝડપાયો હતો. હવે ફરી એકવાર ઇમ્પોર્ટેડ સિગારેટની દાણચોરીનું નેટવર્ક સામે આવતાં DRIએ તપાસનો વ્યાપ વધાર્યો છે. અગાઉ પણ આ જ પ્રકારની પદ્ધતિથી કેટલાં કન્ટેનરો મારફતે સિગારેટની આયાત કરવામાં આવી હતી અને આ સમગ્ર ગેરકાયદે વેપારમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હાલમાં DRI દ્વારા બાકી રહેલા કન્ટેનરો ખોલીને તપાસ કરવાની કામગીરી ચાલુ છે. તમામ 18 કન્ટેનરોની તપાસ પૂર્ણ થયા બાદ જ વિદેશી સિગારેટનો કુલ જથ્થો અને તેની કિંમતનો ચોક્કસ આંકડો સામે આવશે. સાથે જ આ દાણચોરી પાછળ કેટલું મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું અને તેમાં અન્ય કયા લોકોની સંડોવણી છે તે અંગે પણ વધુ ખુલાસા થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.