બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 1900 વીઘામાં એક પણ ડાંગરનો છોડ બચ્યો નથી... પાક નુકસાનીથી ખેડૂતો ભાવુક, લોદરીયાલમાં સહાય માટે માંગ
Last Updated: 12:30 PM, 29 July 2026
અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા હાઈવે નજીક આવેલા લોદરીયાલ ગામમાં ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. સતત વરસાદને કારણે ગામની અંદાજે 1400 વિઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જ્યાં થોડા દિવસ પહેલા લીલાછમ ડાંગરના ખેતરો જોવા મળતા હતા, ત્યાં આજે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો નહીં પરંતુ જાણે દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા ખેડૂતોની ચિંતા અનેકગણી વધી ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે મોટી આશા સાથે ડાંગરનો પાક વાવવામાં આવ્યો હતો, પરંતુ સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. માત્ર ઉભો પાક જ નહીં પરંતુ ડાંગરના રોપા માટે તૈયાર કરાયેલું ધરું પણ સંપૂર્ણ નાશ પામ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે હવે જમીનમાંથી પાણી ઉતર્યા બાદ પણ જાન્યુઆરી સુધી કોઈ નવો પાક લઈ શકાય તેવી સ્થિતિ નથી. એટલે આગામી 5 મહિના સુધી આવકનું કોઈ સાધન નહીં રહે, જેના કારણે અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.

ADVERTISEMENT
ખેડૂતોનો દાવો છે કે માત્ર લોદરીયાલ ગામમાં જ અંદાજે 22થી 23 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ ગામમાં અનેક સ્થળે ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે અને કેટલાક મકાનો પણ ધરાશાયી થયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ગામમાં ખોરાક અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
ADVERTISEMENT
ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું, "વરસાદના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘરોને નુકસાન થયું છે અને ખેતીમાં લગભગ 90 ટકા જેટલું નુકસાન થયું છે. ડાંગરનો એક પણ સ્વર બચ્યો નથી. અમે એક મહિના પહેલા મહેનત કરીને વાવેતર કર્યું હતું, પરંતુ હવે ફરી ખેતી કરવા માટે પાંચ મહિના રાહ જોવી પડશે. રોપવા માટે તૈયાર કરેલું ધરું પણ પાણીમાં નાશ પામ્યું છે. હવે અમારી પાસે સરકાર સહાય કરે અને યોગ્ય વળતર આપે એ જ એક આશા છે."
ADVERTISEMENT

ADVERTISEMENT
ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે દર વર્ષે વરસાદ બાદ આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ કાયમી ઉકેલ મળતો નથી. આ વખતે નુકસાનનું પ્રમાણ એટલું મોટું છે કે અનેક ખેડૂતો દેવાના બોજા હેઠળ આવી જશે. ગામમાં આશરે 1900 વિઘા વિસ્તારમાં પાણી એટલું ભરાયું છે કે એક પણ ડાંગરનો છોડ બચ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે હવે માત્ર પાક નહીં પરંતુ તેમના પરિવારના ભવિષ્યનો પણ પ્રશ્ન ઉભો થયો છે.
સરકારે અગાઉ સુરત અને અમદાવાદમાં ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરી હતી. હવે લોદરીયાલ ગામના ખેડૂતો પણ સરકાર સમક્ષ એક જ માંગ કરી રહ્યા છે કે ખેતીમાં થયેલા ભારે નુકસાનનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર તથા આર્થિક સહાય આપવામાં આવે. ખેડૂતોનું માનવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો આગામી સીઝનમાં ખેતી શરૂ કરવી પણ મુશ્કેલ બની જશે. હાલ સમગ્ર ગામ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે અને ખેડૂતોને આશા છે કે તેમની મહેનત અને નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.