બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગુજરાતમાં 2 વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટના કેસ 34% વધ્યા, વ્યસન વગર પણ યુવાનો બની રહ્યા છે શિકાર
Last Updated: 06:07 PM, 11 August 2026
ડાયાબિટીસનું કેપિટલ ગણાતા ગુજરાતમાં હવે કિડનીની બીમારીનું જોખમ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બીમારી હવે માત્ર મોટી ઉંમરના લોકો સુધી સીમિત રહી નથી. 11થી 40 વર્ષની ઉંમરના દર્દીઓમાં પણ કિડની સંબંધિત સમસ્યાઓ વધી રહી છે.
ADVERTISEMENT
કિડનીની બીમારીનું નામ આવે એટલે સામાન્ય રીતે લોકોના મનમાં એક જ સવાલ આવે—'વ્યસન હશે?' પરંતુ હવે આ માન્યતા બદલવાની જરૂર છે. કારણ કે કિડનીને નુકસાન પહોંચાડવા માટે વ્યસન હોવું જરૂરી નથી. ખાણીપીણીની ખોટી આદતો, જંક ફૂડ, બેઠાળુ જીવનશૈલી, સતત સ્ટ્રેસ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ ધીમે-ધીમે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં આશરે 34%નો વધારો નોંધાયો છે. તબીબોના મતે અનિયમિત ખાવા-પીવાની ટેવ, પ્રોસેસ્ડ ફૂડનો વધતો ઉપયોગ, કસરતનો અભાવ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગો કિડની ફેલ્યોરના મહત્વના કારણો બની રહ્યા છે. આ ઉપરાંત ડોક્ટરની સલાહ વગર દુખાવાની દવાઓ એટલે કે પેઇનકિલર લેવાની ટેવ પણ કિડની માટે જોખમી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
'વ્યસન નથી કર્યું છતાં બંને કિડની ફેલ થઈ ગઈ...'
આ આંકડાની પાછળ એવા લોકોની કહાની છે, જેમણે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તેમની જિંદગી ડાયાલિસિસની આસપાસ ફરતી થઈ જશે.સુનિલ તિવારીની બંને કિડની ફેલ થઈ ગઈ છે. અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. બીમારીને કારણે નોકરી પણ છૂટી ગઈ. હવે નાનું-મોટું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે. તેમની સૌથી મોટી મુશ્કેલી માત્ર બીમારી નથી, પરંતુ બીમારીના કારણે છૂટી ગયેલી રોજગારી પણ છે. તેમનું કહેવું છે કે ડાયાલિસિસ માટે અઠવાડિયામાં બે દિવસ રજા લેવી પડે છે, એટલે નોકરી મળતી નથી. હાલ નાનો-મોટો ધંધો કરીને ઘર ચલાવે છે અને હવે તેમને માત્ર એક આશા છે—જલદી કિડની મળે અને જીવન ફરી થોડું સામાન્ય બને.
ADVERTISEMENT
આ કહાની માત્ર એક દર્દીની નથી. કિડનીની બીમારી જ્યારે ગંભીર તબક્કે પહોંચે છે ત્યારે તેની અસર આખા પરિવારના જીવન પર પડે છે.
ડાયાબિટીસ વધ્યો, કિડની નકામી થઈ
ADVERTISEMENT
કાંતિભાઈ ગેહલોતની કહાનીમાં કિડનીની બીમારી પાછળ ડાયાબિટીસની અસર જોવા મળી. તેમને પહેલેથી ડાયાબિટીસની તકલીફ હતી. સમય જતાં સમસ્યા વધી અને તપાસ કરાવતા કિડની ખરાબ થઈ ગઈ હોવાનું સામે આવ્યું. દવાઓથી પૂરતો ફાયદો ન થતાં હવે છેલ્લા 3-4 મહિનાથી ડાયાલિસિસ ચાલુ છે. અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવી પડે છે. એક તરફ ડાયાબિટીસ અને બીજી તરફ કિડનીની નિષ્ફળતા. બંને બીમારીઓએ જીવનની દિનચર્યા જ બદલી નાખી છે.
કિડનીનું મહત્વ
ADVERTISEMENT
નેફ્રોલોજિસ્ટ ડૉ. રવિ બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે કિડની અંગે લોકોમાં અનેક ગેરમાન્યતાઓ છે. ઘણા લોકો એવું માને છે કે કિડનીનું કામ માત્ર શરીરનો કચરો બહાર કાઢવાનું છે, પરંતુ હકીકતમાં કિડની શરીરની અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાં ભૂમિકા ભજવે છે. કિડની બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે અને વિટામિન-Dને એક્ટિવ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હિમોગ્લોબિનના નિર્માણમાં પણ કિડનીનો મહત્વનો રોલ છે. એટલે કિડની નબળી પડે ત્યારે તેની અસર માત્ર કિડની સુધી સીમિત રહેતી નથી, પરંતુ શરીરના અનેક અંગો અને સમગ્ર સ્વાસ્થ્ય પર પડે છે.
નાની ઉંમરના દર્દીઓ કેમ વધી રહ્યા છે?
ADVERTISEMENT
ડૉ. બ્રહ્મભટ્ટના મતે નાની ઉંમરના લોકોમાં કિડનીના રોગ વધવાનું એક મહત્વનું કારણ આજની ખાણીપીણીની ટેવ છે. ખાસ કરીને બાળકો અને કોલેજના યુવાનોમાં જંક ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે. આજની પેઢી માટે બહારનું ખાવું સામાન્ય બની ગયું છે. ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને વધુ મીઠું ધરાવતો ખોરાક નિયમિત આહારનો ભાગ બની રહ્યો છે. તેની સાથે શારીરિક પ્રવૃત્તિ ઘટી રહી છે. બીજી તરફ સતત સ્ટ્રેસના કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ ઊંચું હોવાને કારણે તેની સીધી અસર કિડનીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. અર્થાત્ કિડનીને નુકસાન પહોંચાડનારા કારણો હંમેશાં ધુમ્રપાન કે દારૂ જેવા વ્યસન જ હોય એવું નથી. ક્યારેક રોજની થાળીમાં રહેલી કેટલીક ખોટી આદતો પણ ધીમે-ધીમે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
પેઇનકિલર પણ બની શકે છે કિડની માટે જોખમી
માથું દુખે, શરીરમાં દુખાવો થાય કે તાવ આવે એટલે પોતાની રીતે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લેવાની ટેવ પણ જોખમી બની શકે છે. ડૉક્ટરની સલાહ વગર વારંવાર પેઇનકિલર અથવા ઓવર-ધ-કાઉન્ટર દવાઓ લેવાની ટેવ કિડની પર ખરાબ અસર કરી શકે છે. એટલે 'દવા તો સામાન્ય છે' એવું માનીને વારંવાર દવા લેવી યોગ્ય નથી. કિડનીની બીમારીની શરૂઆતમાં શરીર ઘણીવાર ચેતવણી આપતું નથી. કિડનીની બીમારીનો સૌથી મોટો પડકાર એ છે કે શરૂઆતના તબક્કામાં ઘણીવાર તેના સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી. જ્યારે લક્ષણો ગંભીર બને છે ત્યારે ઘણી વખત બીમારી આગળ વધી ચૂકી હોય છે.
પેશાબની ફ્રિકવન્સીમાં અચાનક ફેરફાર થાય, પેશાબમાં ફીણ દેખાય, પેશાબ ઓછો કે વધુ થવા લાગે, હાથ-પગમાં સોજો આવે અથવા શરીરમાં અસામાન્ય ફેરફાર જોવા મળે તો તેને સામાન્ય માનીને અવગણવું નહીં. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે આવા સંકેતો દેખાય ત્યારે તપાસ કરાવવી જરૂરી છે.
'વર્ષમાં એક વખત ચેકઅપ'... મોટી બીમારી પહેલાં નાની તપાસ
કિડનીની બીમારી ગંભીર તબક્કે પહોંચ્યા પછી ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવારની જરૂર પડી શકે છે. આ સ્થિતિ સુધી પહોંચતા પહેલાં જ જોખમ ઓળખી શકાય તો ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય છે. એટલે નિષ્ણાતો ખાસ કરીને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા કિડનીની બીમારીનું જોખમ ધરાવતા લોકોને નિયમિત તપાસ કરાવવાની સલાહ આપે છે. ડૉ. રવિ બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત હેલ્થ ચેકઅપ કરાવવાની ટેવ રાખવી જોઈએ. સાથે જ મીઠાનું પ્રમાણ ઘટાડવું, નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી, જંક અને પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ ઘટાડવું અને ડોક્ટરની સલાહ વગર દવાઓ ન લેવી જેવી બાબતો પણ મહત્વની છે.
પાણી કેટલું પીવું તે વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્ય, હૃદય-કિડનીની સ્થિતિ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે, તેથી માત્ર કોઈ એક નક્કી માત્રા દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય એવું નથી. ખાસ કરીને કિડનીની બીમારી ધરાવતા દર્દીઓએ પાણીનું પ્રમાણ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ રાખવું જોઈએ.
આ પણ વાંચોઃ વગર પરીક્ષાએ સરકારી નોકરી! એ પાછી ₹60,000ની? બસ જોઇશે આ લાયકાત
આજે કિડનીની બીમારી માત્ર 'વ્યસની વ્યક્તિનો રોગ' નથી રહી. બદલાતી જીવનશૈલી, ખાણીપીણી અને વધતા ડાયાબિટીસ-બ્લડ પ્રેશર વચ્ચે આ બીમારી ધીમે-ધીમે નાની ઉંમરના લોકો સુધી પણ પહોંચી રહી છે. કિડનીની બીમારીનો સૌથી મોટો ખતરો એ નથી કે તે અચાનક આવે છે... ખતરો એ છે કે તે ઘણીવાર શાંતિથી શરીરમાં વધતી રહે છે અને ખબર પડે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. એટલે આજે એક નાનો નિર્ણય—વાર્ષિક ચેકઅપ, સંતુલિત ખોરાક અને પોતાની રીતે દવા લેવાની ટેવમાં ઘટાડો—કાલે ડાયાલિસિસ સુધી પહોંચતી જિંદગીથી બચાવવાનું પહેલું પગલું બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.