ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:51 PM, 30 October 2026
ADVERTISEMENT
ભારતીય નૌકાદળના ઉડ્ડયન ઇતિહાસમાં એક અત્યંત ગૌરવવંતી અને સીમાચિહ્નરૂપ ઘટના ઘટી છે. ફ્રાન્સમાં નિર્મિત રાફેલ મરીન વિમાને 29 ઓક્ટોબર 2026ના રોજ દેશના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'આઈએનએસ વિક્રાંત' પર પોતાના પહેલા જ પ્રયાસમાં સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લીધું છે. અરબી સમુદ્રમાં ચાલી રહેલા પરીક્ષણો દરમિયાન 45000 ટન વજન ધરાવતા આ યુદ્ધ જહાજ પર આધુનિક વિમાને અરેસ્ટેડ લેન્ડિંગ પાર પાડ્યું હતું.
ADVERTISEMENT
આ લેન્ડિંગ એકદમ સચોટ અને પુસ્તકીય પદ્ધતિથી પાર પાડવામાં આવ્યું હતું. ભારતના કોઈ પણ એરક્રાફ્ટ કેરિયર પર રાફેલનું નૌસૈનિક સંસ્કરણ એટલે કે 'રાફેલ-એમ' ઉતર્યું હોય તેવી આ પહેલી જ ઘટના છે. આ સફળ લેન્ડિંગે પૂરવાર કરી દીધું છે કે આ ફાઈટર જેટ વિક્રાંતની 'શોર્ટ ટેક-ઓફ બટ અરેસ્ટેડ રિકવરી' એટલે કે 'સ્ટોબાર' સિસ્ટમ સાથે સંપૂર્ણપણે સુસંગત છે.
#WATCH | A Rafale Marine aircraft successfully landed on board the Indian Navy's indigenous Aircraft Carrier INS Vikrant on its maiden attempt on 29 Oct 26. The ongoing trials mark the first steps towards operationalisation of the aircraft in the Indian Navy. (Source: Indian Navy)
— ANI (@ANI) October 30, 2026
ADVERTISEMENT
આ ટ્રાયલ રાફેલ મરીનને ભારતીય નૌકાદળમાં સામેલ કરવાની દિશામાં પહેલું સૌથી મહત્વપૂર્ણ પગલું છે. આઈએનએસ વિક્રાંત પર આધુનિક લડાકુ વિમાનોનું સંચાલન શરૂ થવાથી નૌકાદળની તાકાતમાં અનેકગણો વધારો થશે. આ યોજના અંતર્ગત રાફેલ મરીનને વિક્રાંતના એર વિંગનો મુખ્ય આધાર બનાવવામાં આવશે. આ વિમાનો તબક્કાવાર રીતે જૂના થઈ ચૂકેલા 'મિગ-29કે' કાફલાનું સ્થાન લેશે, જેનાથી દરિયાઈ યુદ્ધ લડવાની ક્ષમતામાં મોટો સુધારો જોવા મળશે.
ADVERTISEMENT
ભારતીય નૌકાદળ દ્વારા ફ્રાન્સ સાથે સરકાર-થી-સરકાર વચ્ચેના આશરે 63000 કરોડ રૂપિયાના સોદા હેઠળ 26 રાફેલ મરીન વિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કાફલામાં 22 સિંગલ-સીટર લડાકુ વિમાન અને 4 ટ્વિન-સીટર ટ્રેનર સંસ્કરણ સામેલ છે. આ તમામ વિમાનો અત્યાધુનિક 'એઈએસએ' રડારથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં 'મીટર બિયોન્ડ વિઝ્યુઅલ રેંજ' મિસાઈલ, 'એક્સોસેટ' એન્ટી-શિપ મિસાઈલ અને 'સ્કેલપ' ક્રૂઝ મિસાઈલ જેવી આધુનિક શસ્ત્ર પ્રણાલીઓ ફિટ કરવામાં આવી છે.
આ શસ્ત્રોના માધ્યમથી નૌકાદળને હિંદ મહાસાગર ક્ષેત્રમાં અત્યંત લાંબી દૂરી સુધી પ્રહાર કરવાની અને દુશ્મનોના જહાજો કે ઠીકાણાઓ પર સચોટ હુમલો કરવાની ક્ષમતા પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાફેલ મરીન અગાઉથી જ ફ્રેન્ચ નૌકાદળના પરમાણુ સંચાલિત કેરિયર 'ચાર્લ્સ દ ગૉલ' પર સફળતાપૂર્વક કાર્યરત છે, જેથી તેની કેરિયર ઓપરેશન્સ ક્ષેત્રે દક્ષતા પહેલેથી જ સિદ્ધ થઈ ચૂકી છે. હાલ ભારતીય નૌકાદળ તેને પોતાની સિસ્ટમ સાથે જોડવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે.
ADVERTISEMENT

હાલમાં ચાલી રહેલા પરીક્ષણોમાં લેન્ડિંગ, ટેક-ઓફ, ડેક પર હેન્ડલિંગ અને વિક્રાંતની સ્વદેશી સિસ્ટમ સાથેના એકીકરણની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ રાત્રે લેન્ડિંગ કરવું, શસ્ત્રોનું એકીકરણ અને સંપૂર્ણ ઓપરેશનલ ક્લિયરન્સ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રકારના પરીક્ષણો એટલા માટે અનિવાર્ય છે કારણ કે દરેક એરક્રાફ્ટ કેરિયરની પોતાની આગવી વિશેષતાઓ હોય છે. વિક્રાંતની સ્ટોબાર સિસ્ટમ સ્કી-જંપ દ્વારા ટેક-ઓફ અને અરેસ્ટર વાયર દ્વારા લેન્ડિંગ કરવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. રાફેલ મરીનનું આ સિસ્ટમ સાથે સફળતાપૂર્વક જોડાવું એ સાબિત કરે છે કે ટેકનોલોજી અને તાલીમ બંને યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.
ADVERTISEMENT
આ સફળ લેન્ડિંગ આઈએનએસ વિક્રાંતને યુદ્ધ માટે સંપૂર્ણપણે સજ્જ બનાવવાની દિશામાં એક ખૂબ મોટું પગલું છે. ભારતીય નૌકાદળ 'બ્લુ વોટર ફોર્સ' એટલે કે ઊંડા સમુદ્રોમાં લાંબા અંતર સુધી ઓપરેશન પાર પાડનાર તાકાત બનવાની દિશામાં અગ્રેસર છે. ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં વધી રહેલા સુરક્ષા પડકારો વચ્ચે આધુનિક લડાકુ વિમાનોથી સજ્જ એરક્રાફ્ટ કેરિયર નૌકાદળને વ્યૂહાત્મક બઢત અપાવશે. રાફેલ મરીનની લાંબી રેન્જ અને ઘાતક હથિયાર પ્રણાલીઓ હિંદ મહાસાગરમાં નૌકાદળની પહોંચ અને પ્રભાવ બંનેમાં મોટો વધારો કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નિર્ણય / હવેથી આટલી સ્પીડ પર નહીં આવે ટ્રાફિક મેમો! ઓવરસ્પીડિંગના કારણે વધતા ચલણને લઇ ગડકરીનું મોટું એલાન
આ સિદ્ધિ સ્વદેશી પ્લેટફોર્મ પર વિદેશી ઉચ્ચ કક્ષાના વિમાનના સફળ સંચાલનને પણ ઉજાગર કરે છે. વિક્રાંત પર રાફેલનું સંચાલન શરૂ થવાથી નૌકાદળની હવાઈ તાકાતમાં ગુણાત્મક પરિવર્તન આવશે. 'મિગ-29કે' ની જગ્યાએ આધુનિક વિમાન આવવાથી તેના રખરખાવની મુશ્કેલીઓ પણ ઘટશે અને ઓપરેશનલ ઉપલબ્ધતા વધશે. એકંદરે, 29 ઓક્ટોબરની આ લેન્ડિંગ ભારતીય નૌકાદળના ઉડ્ડયન વિભાગ માટે અત્યંત ગર્વની ક્ષણ છે અને ભવિષ્યની સજ્જતાનો મજબૂત પાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો