ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / દિવાળી પહેલાં ભાવનગરના હીરા ઉદ્યોગમાં મંદી, 700 ઓફિસો બંધ થયાનો દાવો, રત્નકલાકારોની હાલત કફોડી

ગુજરાત / દિવાળી પહેલાં ભાવનગરના હીરા ઉદ્યોગમાં મંદી, 700 ઓફિસો બંધ થયાનો દાવો, રત્નકલાકારોની હાલત કફોડી

Published By: Nidhi Panchal
Reported By: Hiren Chauhan

Last Updated: 05:37 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, પરંતુ એક સમયે હીરાની ચમકથી ઝળહળતા ભાવનગરના રત્નકલાકારોના જીવનમાં આજે મંદીનું અંધારું છવાયું છે. ચાર વર્ષથી ચાલી રહેલી મંદીએ એવી સ્થિતિ સર્જી છે કે કોઈ 35 વર્ષ જૂનો ધંધો છોડીને ખેતી કરે છે, તો કોઈ પરિવારનું પેટ ભરવા પાઉંભાજી વેચવા મજબૂર બન્યું છે.

ADVERTISEMENT

દિવાળી આવે એટલે દરેક ઘરમાં ખુશીઓની તૈયારીઓ શરૂ થઈ જાય. બાળકો નવા કપડાંની રાહ જુએ, ઘરમાં મીઠાઈ બને અને આખો પરિવાર સાથે મળીને તહેવાર ઊજવવાના સપનાં જુએ. પરંતુ ભાવનગરના હજારો રત્નકલાકારોના પરિવારો માટે આ દિવાળી ખુશીઓ કરતાં વધુ ચિંતાઓ લઈને આવી છે. એક સમય હતો જ્યારે દિવાળી પહેલાં હીરાના કારખાનાઓમાં રાત-દિવસ કામ ચાલતું હતું. કારીગરો ઓવરટાઈમ કરીને વધારાની કમાણી કરતા અને પોતાના પરિવાર માટે તહેવારની ખરીદી કરતા. પરંતુ આજે સ્થિતિ એવી છે કે ઓવરટાઈમ તો દૂરની વાત, આખો દિવસ પૂરતું કામ મળી રહે તો પણ ઘણું છે. જે હાથ વર્ષો સુધી હીરાને ચમકાવતા હતા, એ જ હાથ આજે પરિવારનું ગુજરાન ચલાવવા માટે બીજા કામ શોધી રહ્યા છે. હીરાની ચમક પાછળ છુપાયેલું આ દર્દ માત્ર વેપારીઓ કે રત્નકલાકારોનું નથી, પરંતુ તેમની આવક પર નિર્ભર પરિવારોનું પણ છે.

Surat-2

ચાર વર્ષથી મંદી, 500થી 700 હીરાની ઓફિસો બંધ થયાનો દાવો

ભાવનગરના હીરા ઉદ્યોગમાં છેલ્લા ચાર વર્ષથી મંદીનો માહોલ યથાવત્ છે. રફ હીરાના ભાવમાં સતત વધઘટ અને તૈયાર હીરાના યોગ્ય ભાવ નહીં મળવાને કારણે વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાના જણાવ્યા મુજબ, ભાવનગરના માધવદર્શન તરીકે ઓળખાતા બિલ્ડિંગમાં અગાઉ અંદાજે 1500થી 2000 નાની-મોટી હીરાની ઓફિસો ધમધમતી હતી. તેમાંથી આજે 500થી 700 જેટલી ઓફિસો બંધ થઈ ગઈ હોવાનો તેમનો દાવો છે. હીરાના વ્યવસાયમાં આવક ઘટતા અનેક વેપારીઓએ આ ધંધો છોડી દીધો છે. કેટલાક વેપારીઓ સુરતના ટેક્સટાઈલ, કાપડ અને પ્લાસ્ટિક જેવા અન્ય વ્યવસાય તરફ વળ્યા છે.

ganshayam

પહેલાં દિવાળીએ ઓવરટાઈમ મળતો, આજે પૂરતું કામ પણ નથી

ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ જણાવ્યું કે પહેલાં દિવાળી નજીક આવતાં જ હીરાના કારખાનાઓમાં કામ વધી જતું હતું. રત્નકલાકારોને ઓવરટાઈમ મળતો અને તેઓ વધુ મહેનત કરીને સારી કમાણી કરતા હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. રફ હીરાના ભાવમાં વધઘટ અને તૈયાર માલના પૂરતા ભાવ નહીં મળવાને કારણે વેપારીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તેની સીધી અસર રત્નકલાકારોની રોજગારી પર પડી છે. તેમણે જણાવ્યું કે સરકારે ગત વર્ષે રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી માટે મર્યાદિત સહાય આપી હતી, પરંતુ તે સિવાય કોઈ ખાસ મદદ મળી નથી. સરકારે રત્નકલાકારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવી જોઈએ અને તેમને આર્થિક સુરક્ષા મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

35 વર્ષ હીરા ઘસ્યા, હવે 100 વીઘા જમીનમાં ખેતી કરવાનો વારો

ભાવનગર જિલ્લાના તાણા ગામના અરવિંદભાઈ જાળીયાની કહાની હીરા ઉદ્યોગની મંદીની વાસ્તવિક સ્થિતિ બતાવે છે. તેઓ છેલ્લા 35 વર્ષથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. અગાઉ સુરેશભાઈ ભોજપરાની કંપનીમાં મેનેજર તરીકે કારખાનું ચલાવતા હતા. એક સમયે હીરા ઉદ્યોગમાં બે-ત્રણ મહિના મંદી રહેતી અને ત્યારબાદ ફરી તેજી આવી જતી હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સતત મંદી રહેતા કારખાનાનું કામકાજ બંધ થઈ ગયું. આખરે વર્ષો જૂનો વ્યવસાય છોડીને તેમણે ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો. હાલમાં તેઓ અંદાજે 100 વીઘા જમીનમાં ખેતી કરી રહ્યા છે.
Arvind
અરવિંદભાઈના જણાવ્યા મુજબ, હીરાનો ધંધો છોડીને ખેતી શરૂ કરી, પરંતુ ત્યાં પણ સ્થિતિ સારી નથી. મોંઘવારી સતત વધી રહી છે અને ખેતીમાં મહેનત પ્રમાણે પૂરતું વળતર મળતું નથી. પહેલાં હીરા ઉદ્યોગમાં મહેનત પ્રમાણે આવક મળી રહેતી હતી, પરંતુ આજે કારીગરોને પૂરતું કામ મળતું નથી અને વારંવાર રજાઓ પાડવાની સ્થિતિ સર્જાઈ છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે હીરા ઉદ્યોગને ફરી બેઠો કરવા જરૂરી પગલાં ભરવામાં આવે, જેથી આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો પરિવારોની રોજીરોટી જળવાઈ રહે.

હીરાનો ધંધો છોડીને પાઉંભાજી વેચવાનું શરૂ કર્યું

હીરા ઉદ્યોગની મંદીએ માત્ર કારીગરોને જ નહીં, પરંતુ વર્ષો સુધી કારખાનામાં જવાબદારી સંભાળનારા મેનેજરોને પણ વ્યવસાય બદલવા મજબૂર કર્યા છે. ગારિયાધારના પૂર્વ ડાયમંડ મેનેજર ગિરીશભાઈ મનસુખભાઈ ઝાડફિયાએ એક વર્ષ પહેલાં હીરાનો ધંધો છોડી દીધો હતો. હાલમાં તેઓ પાઉંભાજીનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, હીરા ઉદ્યોગમાં મંદી એટલી વધી ગઈ છે કે આ ધંધામાં રહીને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.
Girish
ગિરીશભાઈએ જૂના દિવસો યાદ કરતાં જણાવ્યું કે ચારથી પાંચ વર્ષ પહેલાં દિવાળીના દિવસોમાં હીરાના કારખાનાઓ અને ઓફિસો વહેલી સવારે 5, 6 કે 7 વાગ્યાથી ધમધમવા લાગતા હતા. પરંતુ આજે મંદીના કારણે સવારે 8થી 9 વાગ્યા પછી જ કામકાજ શરૂ થાય છે. તેમણે ગત વર્ષે સરકારે રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી માટે આપેલી સહાયને સારી કામગીરી ગણાવી હતી. સાથે જ આ વર્ષે પણ આવી સહાય આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમની વાત પરથી સ્પષ્ટ થાય છે કે હીરા ઉદ્યોગની મંદીએ લોકોનો માત્ર ધંધો જ નથી બદલ્યો, પરંતુ તેમની આખી જીવનશૈલી બદલી નાખી છે.
pravinbhai

30 હજારનો પગાર ઘટીને 20 હજાર થયો, ઘર ચલાવવું મુશ્કેલ

ભાવનગર જિલ્લાના ઘાંઘળી ગામના પ્રવીણભાઈ છેલ્લા 35 વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે પહેલાં હીરા ઉદ્યોગમાં સારી રોજગારી મળતી હતી અને મહિને અંદાજે 30 હજાર રૂપિયા સુધીનો પગાર મળતો હતો. પરંતુ આજે મંદીના કારણે તેમનો પગાર ઘટીને 20 હજાર રૂપિયા થઈ ગયો છે. એટલે કે માસિક આવકમાં સીધો 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. પ્રવીણભાઈના જણાવ્યા મુજબ, હાલ કારખાનેદારો પાસે પણ પૂરતું કામ નથી. જેના કારણે તેઓ કારીગરોને યોગ્ય વેતન આપી શકે તેવી સ્થિતિમાં નથી. એક તરફ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ આવક ઘટી રહી છે. આવી સ્થિતિમાં પરિવારનો ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે હીરા ઉદ્યોગ અને કારીગરોની રોજીરોટી બચાવવા માટે નક્કર પગલાં ભરવામાં આવે. વર્ષો સુધી હીરા ઘસીને પરિવારનું ભરણપોષણ કરનારા કારીગરો માટે હવે રોજગારી જાળવી રાખવી સૌથી મોટો પડકાર બની ગયો છે.

યુક્રેન યુદ્ધ બાદ મંદી વધી, 50 ટકા નાના વેપારીઓએ ધંધો છોડ્યાનો દાવો

હીરાના વેપારી સતીશ માંડાણીએ જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ચાર વર્ષથી સતત મંદી ચાલી રહી છે. તેમના જણાવ્યા મુજબ, યુક્રેન યુદ્ધ બાદ શરૂ થયેલી મંદી ધીમે ધીમે વધુ ગંભીર બનતી ગઈ. વેપારીઓએ બજાર ફરી સુધરશે તેવી આશા રાખીને લાંબા સમય સુધી નુકસાન સહન કર્યું, પરંતુ ચાર વર્ષ વીતી ગયા છતાં સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. બે મહિના પહેલાં બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ટેરિફ લાગવાને કારણે નાના વેપારીઓની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. સતીશ માંડાણીના દાવા મુજબ, હીરાનો વ્યવસાય કરતા અંદાજે 50 ટકા જેટલા નાના વેપારીઓએ ધંધો છોડી દીધો છે. કેટલાક વેપારીઓ ખેતી તરફ વળ્યા છે, તો કેટલાક ટેક્સટાઈલ સહિતના અન્ય વ્યવસાયમાં જોડાયા છે. રોજેરોજ થોડી-થોડી નુકસાની સહન કર્યા બાદ આખરે વેપારીઓને હીરાનો ધંધો બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે ડાયમંડ સેક્ટર માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. સાથે જ મજૂર વર્ગ અને રત્નકલાકારોને આર્થિક સહાય આપવામાં આવે, જેથી મુશ્કેલ સમયમાં તેમને થોડો ટેકો મળી રહે.

રત્નકલાકારોની સરકાર પાસે માંગ, કલ્યાણ બોર્ડ બનાવી આર્થિક સુરક્ષા આપો

ભાવનગરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને રત્નકલાકારો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરી છે. આ બોર્ડ દ્વારા કારીગરોને આર્થિક સુરક્ષા અને મુશ્કેલ સમયમાં સહાય મળી રહે તેવી તેમની અપેક્ષા છે. બીજી તરફ, રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી માટે અગાઉ આપવામાં આવેલી સહાય ચાલુ વર્ષે પણ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. વેપારીઓએ પણ હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.

હીરાની ચમક ફરી પાછી આવશે? હજારો પરિવારોને તેજીની આશા

ભાવનગરનો હીરા ઉદ્યોગ એક સમયે હજારો પરિવારો માટે રોજીરોટીનું મહત્વનું સાધન હતો. હીરાના કારખાનાઓમાં થતી કમાણીથી પરિવારોના ઘર ચાલતા, બાળકોનું શિક્ષણ થતું અને તહેવારોની ખુશીઓ ઊજવાતી હતી. પરંતુ આજે મંદીએ અનેક પરિવારોની આર્થિક સ્થિતિ બદલી નાખી છે. કોઈએ વર્ષો જૂનો ધંધો છોડીને ખેતી શરૂ કરી છે, કોઈ પાઉંભાજી વેચી રહ્યું છે, તો કોઈ ઓછા પગારમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યું છે.

આ પણ વાંચો : સુરતના માંગરોળમાં કીમ નદીમાં નાહવા પડેલા બે યુવકો પાણીના ધસમસતા વહેણમાં તણાયા, લોલેવલ બ્રિજ નજીક સર્જાઈ ઘટના

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે આ રત્નકલાકારોની સૌથી મોટી ઈચ્છા માત્ર એટલી જ છે કે હીરા ઉદ્યોગમાં ફરી તેજી આવે અને તેમને પહેલાંની જેમ પૂરતું કામ તથા યોગ્ય મહેનતાણું મળે. કારણ કે હીરાને ચમકાવવા માટે વર્ષો સુધી મહેનત કરનારા આ કારીગરો આજે પોતાના જીવનમાં ફરી ખુશીઓનો ઉજાસ આવે તેની રાહ જોઈ રહ્યા છે. સવાલ માત્ર હીરા ઉદ્યોગ ફરી ક્યારે ધમધમશે તેનો નથી, પરંતુ હીરાને ચમકાવનારા હાથના ઘરમાં ખુશીઓની દિવાળી ક્યારે આવશે તેનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Diamond Market Bhavnagar Diamond Industry Ratnakalakar Job Loss

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ