બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આગામી 8 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનનું એલર્ટ, ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:18 AM, 19 July 2026
1/5
દેશના અનેક ભાગોમાં ચોમાસું હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા અપડેટ અનુસાર આગામી 8 કલાક દેશના અનેક વિસ્તારો માટે મહત્વપૂર્ણ રહેવાના છે. વિભાગે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી પડવાની શક્યતા તેમજ તેજ પવન ફૂંકાવાની ગંભીર ચેતવણી આપી છે. ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિસ્તારોમાં ચોમાસું અત્યંત સક્રિય બન્યું છે, જેના કારણે અનેક સ્થળોએ હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 40 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ ગાજવીજ સાથે વીજળી પડવાની પણ આશંકા છે.
2/5
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેશે. આજે એટલે કે 19 જુલાઈના રોજ આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ વાદળ ફાટવા જેવી અત્યંત ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ભારે પવનને કારણે વૃક્ષો, વીજ થાંભલા અને ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.
3/5
હવામાન વિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત કુલ 15 રાજ્યો માટે ગાજવીજ સાથે તેજ પવન અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેથી લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
4/5
ગુજરાતની વાત કરીએ તો આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
5/5
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા, વીજળી પડતી વખતે ખુલ્લા સ્થળોથી દૂર રહેવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ