દુનિયાનાં સૌથી મોટા લોકશાહી દેશનાં વડા અને દુનિયાની સૌથી શક્તિશાળી લોકશાહીનાં રાષ્ટ્રપતિને એક મંચ પર જોઈને દુનિયાના દરેક દેશો રાજકીય ગણિત માંડવામાં વ્યસ્ત બનશે. બન્ને નેતાને એક મંચ પર લાવનારો આ કાર્યક્રમ ભલે રાજકીય નથી છતાં આ કાર્યક્રમ દ્વારા જે પરિમાણો ઊભા થઈ રહ્યાં છે તેમાં રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. તો હ્યુસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમ આસપાસનાં રાજકીય પરિમાણો કેવાં છે અને તેનાથી ભારત અને અને અમેરિકાને કેવો ફાયદો થશે તે જોઈએ આ અહેવાલમાં.
કાર્યક્રમ દ્વારા દર્શાવાઇ રહી છે વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની ઉપસ્થિતિ
આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોનાં પ્રદર્શન પ્રગટ કરનારો આ કાર્યક્રમ
હાઉડી મોદી
આખરે જેની લાંબા સમયથી અમેરિકા સ્થિત ભારતીય અને એશિયન મૂળનાં લોકો રાહ જોઈ રહ્યાં હતાં તે ઘડી અંતે આવી ગઇ. આજે અમેરિકાનાં ટેક્સાસ રાજ્યનાં હ્યુસ્ટન શહેરમાં વરસાદ અને વાવાઝોડાના ખતરા વચ્ચે વિશ્વના બે શક્તિશાળી નેતાઓ એક મંચ અને એક છત નીચે જોવા મળશે. અમેરિકાનાં ઈતિહાસમાં એવું પહેલી વાર થયું છે જ્યારે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ આ પ્રકારનાં બિન રાજકીય કાર્યક્રમમાં રાજધાનીથી બહારના કોઈ શહેરમાં હાજર રહ્યાં હોય. ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું નામ `હાઉડી મોદી' રાખવામાં આવ્યું છે
આ કાર્યક્રમમાં 50 હજારથી વધારે ભારતીયો અને એશિયન મૂળનાં નાગરિકો પોતાની હાજરીથી વિશ્વને પરોક્ષ રીતે પોતાની તાકાતનો પરિચય આપી રહ્યાં છે. હાઉડી મોદી કાર્યક્રમનો વિષય છે `ઉજજ્વળ ભવિષ્ય માટે, સપનાઓ વહેંચો'. પરંતુ આ સમયે એક સવાલ થાય છે કે, આખરે હ્યુસ્ટનમાં `હાઉડી' કાર્યક્રમનાં આયોજન પાછળનો મૂળ હેતુ શું છે? પ્રથમ નજરે તો આ કાર્યક્રમ દ્વારા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની ઉપસ્થિતિ દર્શાવાઈ રહી હોય તેવું લાગે છે અને એ વર્તમાન સમયની માંગ પણ છે.
હાઉડી મોદી કાર્યક્રમ
આ બધામાં એક મહત્વની વાત એ છે કે, આ આયોજન ઠીક એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારને લઈને થોડો તણાવ જોવા મળી રહ્યો છે અને કાશ્મીરને લઈને રોજ રોજ ભારત અને અમેરિકા તરફથી નવા નવા નિવેદનો આવી રહ્યાં છે. વળી આ કાર્યક્રમને બન્ને દેશો વચ્ચે ઉભરી રહેલાં અને ઘનિષ્ઠ થતાં જતા આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોનાં પ્રદર્શન તરીકે પણ જોવાઈ રહ્યો છે.
નરેન્દ્ર મોદી (ડાબે) અને ડોનાલ્ડ ટ્રમ્પ (જમણે)
બીજી તરફ અમેરિકામાં હવે થોડા સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે અમેરિકામાં બીજા સમુદાયની સરખામણીમાં ઝડપથી વધી રહેલી એશિયન લોકોની વસ્તીનાં કારણે તેનો રાજકીય ફાયદાને ટ્રમ્પ પણ નજરઅંદાજ કરી શકે તેમ નથી. જો કે હાલ અમેરિકામાં રહેતા 20 ટકા એશિયન સમુદાયનો ઝુકાવ સામાન્ય રીતે ડેમોક્રેટ પાર્ટી તરફ રહ્યું છે.
જો આ સમુદાયનો થોડો પણ ઝોક રિપબ્લિકન પાર્ટી તરફ જાય તો ટ્રમ્પને તેનાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે. હાઉડી મોદી કાર્યક્રમ ભલે હ્યુસ્ટનમાં યોજાઈ રહ્યો હોય પરંતુ હ્યુસ્ટન ઉપરાંત ટોપ 10 શહેરોમાં ભારતીય અમેરિકી લોકોની સંખ્યા ટોચ પર છે. ભારતીય લોકોની સર્વાધિક વસતીની દ્રષ્ટીએ અમેરિકાનાં 10 શહેરની વાત કરીએ તો સૌથી વધુ ન્યુયોર્કમાં 5 લાખ 26 હજાર ભારતીયો વસે છે. તે પછી શિકાગોમાં 1 લાખ 71 હજાર, સૈન જોસમાં 1 લાખ 17 હજાર, વોશિંગ્ટન ડીસીમાં 1 લાખ 27 હજાર,સાન ફ્રાન્સિસ્કોમાં 1 લાખ 19 હજાર, લોસ એન્જલસમાં 1 લાખ 19 હજાર, ડલાસમાં 1 લાખ, હ્યૂસ્ટનમાં 91 હજાર છસો સાડત્રીસ હજાર અને એટલાન્ટામાં 78 હજાર નવસો એંશી જેટલા ભારતીયો વસે છે.
અમેરિકામાં ભારતીયો
અમેરિકી શહેર
ભારતીય વસ્તી
ન્યુયોર્ક
5 લાખ 26 હજાર
શિકાગો
1 લાખ 71 હજાર
સૈન જોસ
1 લાખ 17 હજાર
વોશિંગટન ડીસી
1 લાખ 27 હજાર
સાન ફ્રાંન્સિસ્કો
1 લાખ 19 હજાર
લોસ એન્જલસ
1 લાખ 19 હજાર
ડલાસ
1 લાખ
હ્યૂસ્ટન
91 હજાર 637
એટલાન્ટા
78 હજાર 980
તો આ કાર્યક્રમ પાછળનું ભારતીય હિત વિચારીએ તો નરેદ્ર મોદીને પણ ડોનાલ્ડ ટ્રંપની ઘણી જરૂર છે. કેમ કે કાશ્મીરમાં કલમ-370 હટાવ્યા બાદ મોદી સરકારને શક્તિશાળી દેશોને પોતાના પક્ષમાં ઊભા રહેલા દર્શાવાના છે અને હ્યુસ્ટનમાં થઈ રહેલા આ કાર્યક્રમ પાછળની રાજનીતિ આ વિચારની આસપાસ ઘુમરાઈ રહી છે. ઉપરાંત આ કાર્યક્રમ પાછળ સુસ્ત બનેલું અર્થતંત્ર પણ કારણભૂત બન્યું છે.
કેમ કે દરેક દેશોનાં વધતાં સંરક્ષણવાદથી તૂટી રહેલા અને મંદ પડેલા અર્થતંત્ર વચ્ચે ભારત અને અમેરિકાની સ્થિતિ પણ વેપાર સંબંધોમાં નવેસરથી વિચાર કરવા પ્રેરી રહી છે. અમેરિકાએ ઘડેલા ડેટા સુરક્ષા કાયદા બાદ તણાવ છતાં પણ બન્ને દેશો વચ્ચે વેપાર અને રોકાણ ચાલુ છે. કેમ કે ઉદાર વિચારણસરણી ધરાવતા દેશો એ જલદી સમજી રહ્યાં છે કે દરેક દેશોને એકબીજાની જરૂરિયાત છે.
આ સાંસ્કૃતિક મિલનનાં વાઘા પહેરલો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોના પ્રદર્શન તરીકે દેખાઈ રહ્યો છે. પરંતુ ડિજિટલ યુગમાં કૂટનીતિનો આ દેખાવ બંધ કમરામાં યોજાતી વાસ્તવિક રાજનીતિ આગળ અસફળ બની જતા પણ વાર નથી લાગતી.