શ્રાવણીયો વરસાદ /
ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી, દાંતીવાડા ડેમ પાસેના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
Team VTV07:57 AM, 23 Aug 22
| Updated: 12:00 PM, 23 Aug 22
ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં એકતરફ વરસાદનું જોર ધીરે-ધીરે ઓછું થઇ રહ્યું છે. તો બીજી બાજુ પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી
લો પ્રેસર સિસ્ટમ સર્જાતા વરસાદના જોરમાં થશે વધારો
દાંતીવાડા ડેમની નીચેના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા
આજે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 'રાજ્યમાં આજે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ
મહત્વનું છે કે, વરસાદની આગાહી વચ્ચે આજ રોજ સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ઈડરમાં બે ઇંચ અને હિંમતનગરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. તો અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ જો વરસાદ યથાવત રહેશે તો જિલ્લાના તમામ જળાશયો છલકાશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 23, 2022
માઉન્ટ આબુમાં સતત એક કલાકથી ધોધમાર વરસાદ
બીજી બાજુ પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સતત એક કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે બનાસ નદીમાં પાણી આવશે. આથી, દાંતીવાડા ડેમની સપાટી વધવાની શક્યતાના કારણે ડેમ પર વ્હાઇટ સિગ્નલ જાહેર કરી દેવાયું છે. ડેમની નીચેના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે. તેમજ નદીમાં પણ અવરજવર ન કરવાની અપીલ કરાઈ છે. મામલતદાર અને TDO તેમજ તલાટીઓને પણ એલર્ટ કરી દેવાયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં પડશે સારો વરસાદ
હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણમાં સારો એવો વરસાદ પડશે. તો બીજી બાજુ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં પણ સારો એવો વરસાદ થશે.
લો પ્રેસર સિસ્ટમ સર્જાવાના કારણે વરસાદના જોરમાં થશે વધારો
જ્યારે આજે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિવાય સાબરકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જો કે તેમ છતાં લો પ્રેસર સિસ્ટમ સર્જાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. લો પ્રેસર સિસ્ટમ સર્જાઇ હોવાના કારણે વરસાદના જોરમાં વધારો થશે.