બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / કાજલ હિન્દુસ્થાનીના આરોપ પર વિનુ મોરડિયાનો પલટવાર-'કાયદો હાથમાં લેનારા સામે અવાજ ઉઠાવ્યો'

સુરત / કાજલ હિન્દુસ્થાનીના આરોપ પર વિનુ મોરડિયાનો પલટવાર-'કાયદો હાથમાં લેનારા સામે અવાજ ઉઠાવ્યો'

Priykant Shrimali

Last Updated: 03:01 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nasir Nagar Demolition : સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ મારફતે કાજલ હિન્દુસ્થાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાની ભૂમિકાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા, જાણો સમગ્ર મામલો

Nasir Nagar Demolition : સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મુદ્દે પહેલાથી જ અનેક પ્રશ્નો અને વિવાદો ચાલી રહ્યા હતા. આ તરફ ઘટનાના લગભગ 12 દિવસ બાદ સુરત મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, સ્થળ પર થયેલી કાર્યવાહી મનપા દ્વારા જ હાથ ધરવામાં આવી હતી. આ બધાની વચ્ચે હવે સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીની એન્ટ્રી થતાં વિવાદને નવો રાજકીય રંગ મળ્યો છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ મારફતે કાજલ હિન્દુસ્થાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાની ભૂમિકાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે, જેના કારણે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

સૌથી પહેલા જાણો કાજલ હિન્દુસ્થાનીના આક્ષેપો શું?

કાજલ હિન્દુસ્થાનીએ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે, જ્યાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યાં વર્ષોથી મોટી સંખ્યામાં ગેરકાયદે ઝૂંપડાં ઉભા થઈ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ, અંદાજે 500 જેટલા ઝૂંપડાં સરકારી જમીન પર ઉભા કરવામાં આવ્યા હતા અને આ પ્રકારના કબજાઓ સામે કાર્યવાહી થવી જરૂરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ડિમોલિશન મુદ્દે વિનુ મોરડિયાએ જે રીતે પ્રશ્નો ઉઠાવ્યા અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી, તેનાથી ગેરકાયદે વસાહતોને પરોક્ષ રીતે સમર્થન મળતું હોવાનો સંદેશ ગયો છે. કાજલ હિન્દુસ્થાનીએ વધુમાં કહ્યું કે, જો કોઈપણ જાહેર પ્રતિનિધિ ગેરકાયદે કબજાઓ સામેની કાર્યવાહીને શંકાના ઘેરામાં લાવે તો તે યોગ્ય સંદેશ નથી.

ભાજપ પાસે કાર્યવાહીની માંગ

કાજલ હિન્દુસ્થાનીએ પોતાની પોસ્ટમાં એવું પણ સૂચવ્યું કે પક્ષે આવા નિવેદનોની ગંભીર નોંધ લેવી જોઈએ. તેમના મતે, ગેરકાયદે કબજાઓ અને ઘૂસણખોરી સામે કડક વલણ રાખવું જોઈએ અને જે કોઈ પણ વ્યક્તિ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી દેખાય તેના વિરુદ્ધ રાજકીય સ્તરે પણ વિચારણા થવી જોઈએ.

વિનુ મોરડિયાનો વળતો જવાબ

કાજલ હિન્દુસ્થાનીના આક્ષેપો બાદ વિનુ મોરડિયાએ પણ ખુલ્લેઆમ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમનો કોઈ વ્યક્તિ, સમાજ કે ધર્મ સાથે કોઈ પ્રકારનો મતભેદ કે પક્ષપાત નથી અને તેમણે ક્યારેય કોઈ ઘૂસણખોર અથવા ગેરકાયદે વસાહતને સમર્થન આપ્યું નથી. વિનુ મોરડિયાના જણાવ્યા અનુસાર, તેમણે માત્ર એટલો જ સવાલ ઉઠાવ્યો હતો કે ડિમોલિશનની કાર્યવાહી કયા અધિકારીના આદેશથી અને કઈ પ્રક્રિયા હેઠળ કરવામાં આવી હતી. તેમના મતે, કોઈપણ સરકારી કાર્યવાહી પારદર્શક હોવી જોઈએ અને તેની તપાસ થવી જરૂરી છે.

મારો વિરોધ ગેરકાયદે કાર્યવાહી સામે છે : વિનુ મોરડિયા

મોરડિયાએ જણાવ્યું કે, તેમણે કાયદો હાથમાં લેનાર અથવા નિયમોની અવગણના કરનાર લોકો સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો કોઈ વ્યક્તિ કે તંત્ર દ્વારા નિયમોની બહાર જઈને કામગીરી કરવામાં આવી હોય તો તેની તપાસ થવી જ જોઈએ. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, જો કોઈ ઘૂસણખોર હોય તો એવા લોકોને દેશમાં કે રાજ્યમાં રહેવાની મંજૂરી ન હોવી જોઈએ અને આ મુદ્દે તેઓ સતત કડક વલણ ધરાવે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ચલાવવામાં આવતી કાર્યવાહી અને અભિયાનોને પણ તેઓ સમર્થન આપતા આવ્યા હોવાનું તેમણે યાદ અપાવ્યું.

કાજલ હિન્દુસ્થાનીને ખોટી માહિતી આપવામાં આવી : વિનુ મોરડિયા

વિનુ મોરડિયાએ દાવો કર્યો કે, કેટલાક લોકો દ્વારા કાજલ હિન્દુસ્થાનીને અધૂરી અથવા ખોટી માહિતી આપવામાં આવી હોઈ શકે છે. તેમના મતે, અમુક લોકો અંગત કારણોસર આ વિવાદને વધુ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પોતે કોઈ વ્યક્તિગત લડાઈમાં માનતા નથી અને કાજલ હિન્દુસ્થાની સાથે પણ તેમનો કોઈ વ્યક્તિગત વિવાદ નથી. સમગ્ર મુદ્દાને મૂળ પ્રશ્નોથી ભટકાવીને અન્ય દિશામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ તેમણે કહ્યું.

આ પણ વાંચો : ચોરી પકડાઈ ગઈ! 'અમે જ ડિમોલિશન કર્યું છે' 12 દિવસ પછી સુરત મનપાએ સ્વીકાર્યું, શું બોલ્યાં અધિકારી?

12 દિવસ બાદ સુરત મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદમાં હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ઘટનાના લગભગ 12 દિવસ બાદ સુરત મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, સ્થળ પર થયેલી કાર્યવાહી મનપા દ્વારા જ હાથ ધરવામાં આવી હતી. મનપાના સેન્ટ્રલ ઝોનના ઉચ્ચ અધિકારી આશિષ નાયકે મીડિયા સમક્ષ જણાવ્યું કે, નાસીરનગર વિસ્તારમાં પાલિકાની ટીમ રોડ ખુલ્લો કરવાની અને ડિમાર્કેશનની કામગીરી માટે પહોંચી હતી. આ કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને નક્કી કરાયેલા નિયમો અનુસાર કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગાઉથી પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કેટલાક વર્તુળો દ્વારા “ભૂતિયા ડિમોલિશન” તરીકે રજૂ કરવામાં આવી રહી હતી, પરંતુ મનપાએ હવે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કામગીરી દસ્તાવેજી પુરાવા અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિના આધારે હાથ ધરવામાં આવી હતી અને તેમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસરતા સામેલ નહોતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Nasir Nagar Demolition Kajal Hindusthani Vinu Mordiya
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ