બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સાયકલ ચોરી બાદ મહિલાને થયું આત્મજ્ઞાન, બીજા દિવસે જ્યાંથી ચોરી ત્યાં જ મૂકી દીધી, માફી માંગી
Last Updated: 06:35 PM, 14 June 2026
આર્થિક નગરી સુરતમાં ગુનાખોરીના અનેક કિસ્સાઓ રોજબરોજ હેડલાઇન્સ બનતા હોય છે, પરંતુ સલાબતપુરા પોલીસ મથકની હદમાં બનેલી એક ઘટનાએ લોકોને ચોંકાવવાની સાથે સાથે હસવા પર પણ મજબૂર કર્યા છે. અહીં એક અજ્ઞાત મહિલાએ મોડી રાત્રે અંધારાનો લાભ લઈને એક ઘરના આંગણામાંથી સાયકલની ચોરી કરી હતી. મહિલા અત્યંત સાવધાનીપૂર્વક સાયકલ ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં જ લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ કિસ્સામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ચોરીની આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ મહિલા ચોરની અંદર રહેલો આત્મા અચાનક જાગી ઉઠ્યો. કહેવાય છે ને કે ભૂલ સ્વીકારવામાં જ માણસની ભલાઈ હોય છે, બસ આવું જ કંઈક આ મહિલાને પણ લાગ્યું. સાયકલ ચોરીને ઘરે ગયા બાદ તેને કદાચ પસ્તાવો થયો અથવા કાનૂની કાર્યવાહીનો ડર સતાવ્યો. ગમે તે હોય, પણ આ મહિલાને રાતોરાત એવું જબરદસ્ત આત્મજ્ઞાન થયું કે તેણે પોતાની ભૂલ સુધારવાનો તાત્કાલિક નિર્ણય લીધો.
ADVERTISEMENT
બીજા દિવસે સવારે જ આ મહિલા ચોર તે જ સ્થળે ફરી પાછી આવી જ્યાંથી તેણે રાત્રે સાયકલ ચોરી હતી. તે કોઈ પણ જાતના ડર વગર ચોરેલી સાયકલ દોરીને લાવી અને બરાબર એ જ જગ્યાએ વ્યવસ્થિત રીતે પાર્ક કરી દીધી. આટલેથી જ વાત પૂરી ન થઈ, સાયકલ પરત મૂક્યા બાદ મહિલાને ખબર હતી કે અહીં કેમેરો લાગેલો છે. તેથી તેણે સીસીટીવી કેમેરા તરફ મોં રાખ્યું, પોતાના બંને હાથ જોડ્યા અને અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં કેમેરા સામે જોઈને પોતાની ભૂલ બદલ માફી માગી.
આ પણ વાંચોઃ આસામમાં એરફોર્સનું વિમાન ક્રેશ થતા પાયલટ સહિત 5 શહીદ, આગ લાગતા વિમાનના બે ટુકડા થયા
ADVERTISEMENT
મહિલાના ચહેરા પરનો પસ્તાવો અને કેમેરા સામે હાથ જોડીને માફી માગવાની આ અનોખી રીત સીસીટીવી ફૂટેજમાં આબેહૂબ કેદ થઈ ગઈ છે. ઘરમાલિક પણ જ્યારે સવારે સીસીટીવી ચેક કરવા બેઠા ત્યારે આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સામાન્ય રીતે પોલીસ ચોરને પકડવા માટે સીસીટીવી ચેક કરતી હોય છે, પરંતુ આ કિસ્સામાં સીસીટીવીના કારણે જ એક ચોરનું હૃદયપરિવર્તન થતું જોવા મળ્યું છે. આ ઘટના હાલ આખા સુરત શહેરમાં ભારે કૌતુક જગાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.