ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ના બાળકોના કે ના સ્ત્રીરોગના ડૉક્ટર, ના હાડકાના ડૉક્ટર, હળવદની સરકારી હોસ્પિટલની હાલત અત્યંત દયનીય
Last Updated: 05:42 PM, 21 September 2026
ADVERTISEMENT
હળવદ શહેર અને આસપાસના 70થી વધુ ગ્રામ્ય પંથકના ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે સરકારી હોસ્પિટલ એકમાત્ર મોટો સહારો છે. રોજના 400થી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોવા છતાં હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત જોવા મળી રહી છે. VTVની ટીમે જ્યારે હોસ્પિટલનું રિયાલિટી ચેક કર્યું ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. હોસ્પિટલમાં બાળકોના નિષ્ણાત ડોક્ટર નથી, સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર નથી અને હાડકાના નિષ્ણાત ડોક્ટરની પણ જગ્યા ખાલી છે. જેના કારણે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT

હોસ્પિટલમાં જો કોઈ બાળક બીમાર પડે તો બાળકોના નિષ્ણાત ડોક્ટર ન હોવાથી તેને યોગ્ય સારવાર મળતી નથી. બીજા ડોક્ટર દ્વારા દવા લખી આપવામાં આવે છે અને દર્દીને જવાનું કહેવામાં આવે છે. તેવી જ રીતે કોઈ મહિલાને સિઝેરિયન ડિલિવરી કે ગંભીર સ્ત્રીરોગની બીમારી હોય તો તેને તાત્કાલિક મોરબી અથવા સુરેન્દ્રનગર રિફર કરવામાં આવે છે. અકસ્માતના કેસમાં પણ માત્ર એક્સ-રે કરીને દવા આપવામાં આવે છે અને દર્દીને આગળની સારવાર માટે બહાર રિફર કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી મુશ્કેલ બની રહી છે અને તેમને મજબૂરીમાં ખાનગી હોસ્પિટલમાં હજારો રૂપિયા ખર્ચવા પડે છે.
ADVERTISEMENT

VTVના કેમેરામાં પણ આવા દ્રશ્યો કેદ થયા હતા. બાઈક પરથી પડી ગયેલા એક યુવકને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાની ફરજ પડી હતી. બીજી તરફ એક મહિલા દર્દીને સ્ત્રીરોગના ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી મોરબી જવું પડ્યું હતું. હોસ્પિટલમાં હાલ ત્રણ જેટલા ડોક્ટરોની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ અંગે VTVની ટીમે ત્યાંના મેડિકલ ઓફિસર ડો. આદરોજનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો. તેમણે મીડિયાથી દૂર રાખવાની વાત કરતાં કહ્યું હતું કે, "મને મીડિયાથી દૂર રાખો, મારી બદલી થઈ જશે." પોતાના સ્વાર્થને કારણે દર્દીઓની સમસ્યાઓ અંગે જવાબદાર લોકો મૌન રહે છે તો આવા જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ મોટો સવાલ છે.
ADVERTISEMENT

દર્દી માનસિંગ રાતોજાનું કહેવું છે કે તેઓ પોતાના નાના બાળકને બતાવવા માટે સરકારી દવાખાને આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં બાળકોના કોઈ ડોક્ટર હાજર નહોતા. બીજા એક ડોક્ટરે તેમને દવા લખી આપી અને જવાનું કહ્યું હતું. માનસિંગ રાતોજાએ જણાવ્યું હતું કે હળવદ તાલુકાનું આ એકમાત્ર દવાખાનું છે અને અહીં બાળકોના ડોક્ટર નથી. તેથી વહેલી તકે બાળકોના નિષ્ણાત ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી તેમની માંગ છે.
ADVERTISEMENT
લો બોલો, હળવદની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરોના ફાંફા, VTV રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ઘટસ્ફોટ#Halvad #GovernmentHospital #DoctorShortage #HealthSystem #VTVRealityCheck #Healthcare #VTVDigital pic.twitter.com/jG9VHycwTh
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 21, 2026
દર્દીના પિતા નિલેશ વાણંદે પોતાનું નામ ... રાતોજા અને રહેવાનું લાંબી દહેરી, ભવાનીનગરમાં હોવાનું જણાવ્યું હતું. તેમણે સરકારી દવાખાનામાં ડોક્ટરોની અછત અંગે વાત કરતાં કહ્યું હતું કે ક્યારેક એક તો ક્યારેક બે જ ડોક્ટર હોય છે. જેના કારણે દર્દીઓને 2થી 2.5 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.
ADVERTISEMENT

તેમણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં તેઓ પોતાની પત્નીને ચક્કર અને ઝાડા-ઉલટીની તકલીફ થતાં સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીં આપવામાં આવેલી દવાઓથી ફેર ન પડતાં અને તબિયત વધુ બગડતાં અંતે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : અંબાજી જતા માઈભક્તોની સેવા માટે ભવ્ય કેમ્પ, લગ્નના મંડપ જેવો વિશાળ ડોમ
નિલેશ વાણંદે વધુમાં કહ્યું હતું કે મધ્યમ વર્ગ કે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉપાડી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી સરકારી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યોગ્ય સારવાર મળે અને સંતોષકારક જવાબ મળે તેવી વ્યવસ્થા થવી જોઈએ. હવે સવાલ એ છે કે હળવદની આ સરકારી હોસ્પિટલની સમસ્યાઓ તરફ તંત્ર ક્યારે ધ્યાન આપશે? હળવદની જનતાની એક જ માંગ છે કે હોસ્પિટલમાં કાયમી ધોરણે બાળરોગ, સ્ત્રીરોગ અને ઓર્થોપેડિક નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે, જેથી ગરીબ દર્દીઓને સમયસર અને ઘરઆંગણે જ યોગ્ય સારવાર મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો