બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં સતત બીજા દિવસે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, કેટલાક વિસ્તારોમાં 1 માળ સુધી પાણી, NDRFની ટીમો તૈનાત, જાણો બધી અપડેટ
Last Updated: 07:39 AM, 24 July 2026
Navsari Rain Update : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે. નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. એક તરફ પૂર્ણા નદીનું પાણી શહેરના વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે, તો બીજી તરફ અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં પણ સતત વધારો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીલીમોરા અને કાછીયાવાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
બીલીમોરામાં અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. ધોબી તળાવ, વખારિયા બંદર અને આઈસ ફેક્ટરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા અનેક જગ્યાએ એક માળ સુધી પાણી પહોંચ્યું હોવાની સ્થિતિ છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા સ્થાનિક યુવાનો પણ મેદાનમાં ઉતર્યા હતા. ગઈકાલે સ્થાનિક યુવાનો દ્વારા 100થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
નવસારીમાં પણ ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા તેનું પાણી હવે શહેરના વિસ્તારો તરફ પ્રવેશી રહ્યું છે. અનેક સોસાયટીઓમાં એક માળ સુધી પાણી ભરાઈ ગયા છે, જ્યારે દુકાનો અને રહેણાક વિસ્તારોમાં પણ પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે. નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સાવચેતી રાખવા અને જરૂર પડે ત્યારે સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજા અહેવાલો મુજબ પૂર્ણા, અંબિકા અને કાવેરી સહિતની નદીઓમાં પાણીનું સ્તર વધતાં પૂરનું જોખમ યથાવત છે.
ADVERTISEMENT
પૂર્ણા નદી નજીક આવેલા કાછીયાવાડી ગામમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. ગામના અનેક મહોલ્લામાં પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા છે. કાછીયાવાડીથી નવસારી તરફ આવતો માર્ગ પણ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયો છે. ગામના મંદિર પરિસરમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે. ગામમાં રહેતા અંદાજિત 500થી વધુ લોકો પર પૂર જેવી સ્થિતિની અસર પડી છે.
ADVERTISEMENT
ભારે વરસાદના પગલે ગણદેવી તાલુકાના ખખવાડા ગામમાં પણ પાણી ભરાતાં 38 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. NDRFની ટીમે 17 પુરુષ, 11 મહિલા અને 10 બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા આસપાસના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં NDRFની 6 ટીમો તૈનાત રાખવામાં આવી છે.
ADVERTISEMENT
નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે ચિખલી અને ખેરગામ તાલુકામાં પણ સ્થિતિ ગંભીર બની છે. તાજા અહેવાલ મુજબ 6 કલાકના ગાળામાં ચિખલી અને ખેરગામમાં ભારે વરસાદ નોંધાયો હતો અને બંને તાલુકામાં કુલ વરસાદનો આંકડો રાજ્યમાં સૌથી વધુ રહેલો હતો. વાંસદા અને ગણદેવીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને કેટલાક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. કાવેરી નદીના પાણીના પ્રવાહને કારણે ચિખલી-વાંસદા-સાપુતારા હાઈવે પર પણ ટ્રાફિકને અસર થઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ખેડામાં શાર્પ ટર્ન પર કાર પલટી, ધસમસતા પાણીમાં તણાઈ; અમદાવાદના 4 યુવકોનાં મોત
નવસારી જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદનો કહેર યથાવત રહેતા લોકોની મુશ્કેલી વધી છે. એક તરફ નદીઓના વધતા જળસ્તરથી શહેર અને ગામડાંમાં પાણી ઘૂસી રહ્યાં છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ છે. તંત્ર દ્વારા રેસ્ક્યૂ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. NDRFની ટીમો સાથે સ્થાનિક તંત્ર પણ ફિલ્ડમાં છે. આગામી કલાકોમાં નદીઓના જળસ્તર અને વરસાદની સ્થિતિ પર તંત્રની નજર છે. નવસારી માટે હવે સૌથી મોટો સવાલ એ છે કે બીજા દિવસે પણ વરસી રહેલા મેઘરાજા ક્યારે વિરામ લેશે અને પૂરનું પાણી ક્યારે ઓસરશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.