બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાજલ મહેરિયાના લગ્ન બાદ હવે કોર્ટમાં નકલી છૂટાછેડા, સિંગરના નામે કોઈએ કરી નાખી અરજી, કોર્ટે ખોલી પોલ

વિવાદ / કાજલ મહેરિયાના લગ્ન બાદ હવે કોર્ટમાં નકલી છૂટાછેડા, સિંગરના નામે કોઈએ કરી નાખી અરજી, કોર્ટે ખોલી પોલ

Priykant Shrimali

Last Updated: 10:25 AM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kajal Maheriya Alpesh Thakor Controversy : કાજલ મહેરિયાના લગ્ન બાદ નવો વિવાદ, બંનેના નામે થઈ ગઈ નકલી છૂટાછેડાની અરજી, કોર્ટમાં ખુલ્યું ચોંકાવનારું રહસ્ય

Kajal Maheriya Alpesh Thakor Controversy : ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તમે બધા જાણતા જ હશો તેમ થોડા મહિનાઓ પહેલાં તેમના આંતરજ્ઞાતિ પ્રેમલગ્નને લઈને ભારે વિવાદ સર્જાયો હતો, ત્યારે હવે તેમના નામે ફેમિલી કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી દાખલ થઈ જતાં નવો વિવાદ ઉભો થયો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ અરજી ન તો કાજલ મહેરિયાએ કરી હતી અને ન તો તેમના પતિ અલ્પેશ ઠાકોરે. જોકે સમગ્ર મામલો કોર્ટની નોટિસ મળ્યા બાદ સામે આવ્યો હતો.

આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?

મહેસાણાની ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયા અને તેમના પતિ અલ્પેશ ઠાકોરના નામે છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં બંનેના ફોટોગ્રાફ પણ સામેલ કરવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે, પતિ-પત્ની વચ્ચે મતભેદ હોવાથી સાથે રહેવું શક્ય નથી. આ તરફ કોર્ટ તરફથી નોટિસ મળતાં કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, કારણ કે તેમણે આવી કોઈ અરજી કરી જ નહોતી. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટ સમક્ષ પહોંચ્યો અને નકલી અરજીનું રહસ્ય બહાર આવવાનું શરૂ થયું.

અરજીમાં શું લખવામાં આવ્યું હતું?

અરજીમાં દર્શાવવામાં આવ્યું હતું કે, કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના લગ્ન 1 મે, 2024ના રોજ હિન્દુ વિધિ અનુસાર થયા હતા. જોકે જાહેરમાં ઉપલબ્ધ મેરેજ સર્ટિફિકેટ મુજબ બંનેના લગ્ન 10 ઓક્ટોબર, 2025ના રોજ થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, બંને વચ્ચે મનમેળ નથી, પરિવારજનોના અનેક પ્રયાસો છતાં સંબંધોમાં સુધારો આવ્યો નથી અને ભવિષ્યમાં સાથે રહેવાની કોઈ શક્યતા નથી. એટલું જ નહીં કાજલ છેલ્લા 12 મહિનાથી પોતાના પિયરમાં રહેતી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું.

કોર્ટમાં સુનાવણી થઈ અને ખૂલી ગયું સત્ય...

આ તરફ જ્યારે આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે કોર્ટમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી. જજે સૌપ્રથમ અરજદાર પક્ષના વકીલ વિશે પૂછપરછ કરી હતી. કાજલ મહેરિયાના વકીલે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને પણ ખબર નથી કે આ અરજી કોણે કરી છે. અરજીમાં અરજદારના વકીલ તરીકે અમદાવાદના એડવોકેટ જે.સી. મોદીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. કોર્ટ દ્વારા સંપર્ક કરવામાં આવતા જે.સી. મોદીએ જણાવ્યું હતું કે, તેમને આ અરજી અંગે કોઈ જાણકારી નથી અને અરજી પર રહેલી સહી પણ તેમની નથી.

કોર્ટનો કડક અભિગમ, અરજી રદ

આ તરફ જ્યારે કોર્ટ સમક્ષ સ્પષ્ટ થયું કે અરજી નકલી છે અને અરજદારોને તેની કોઈ જાણ નથી, ત્યારે કોર્ટે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું હતું. સમગ્ર મામલાની નોંધ લઈને કોર્ટ દ્વારા અરજીને રદબાતલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે સ્પષ્ટ થઈ ગયું કે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી અને બંને સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે.

રજીસ્ટ્રારની ભૂમિકા અંગે પણ ઉઠ્યા સવાલ

કાજલ મહેરિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, અરજી સૌથી પહેલાં કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ જમા થઈ હતી, તેથી સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ. જોકે કોર્ટ દ્વારા આ માગણી સ્વીકારવામાં આવી નહોતી. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી કે સંબંધિત રજીસ્ટ્રાર છેલ્લા બે દિવસથી રજા પર છે, જેના કારણે આ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે.

કાજલ મહેરિયા પોલીસ સ્ટેશન પહોંચી, છતાં FIR નોંધાઈ નહીં

આ બધાની વચ્ચે પોતાના નામે ખોટી અરજી થતા કાજલ મહેરિયાએ તાત્કાલિક મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમણે અજાણ્યા શખ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે અરજી સ્વીકારીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે, પરંતુ સત્તાવાર FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની અડચણ હોવાનું જણાવ્યું છે. પોલીસનું કહેવું છે કે, ઘટના કોર્ટ પરિસરમાં બની હોવાથી કોર્ટ તરફથી આદેશ મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકશે.

લગ્નથી શરૂ થયો હતો વિવાદ

કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના પ્રેમલગ્ન પહેલાથી જ ચર્ચાનો વિષય બન્યા હતા. બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. લગ્નની જાણ થતા પરિવાર અને સમાજના કેટલાક આગેવાનોએ તેનો વિરોધ કર્યો હતો. કાજલના ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સમાજ પાસે મદદ માગી હતી, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. આ તરફ લગ્નના વિરોધ વચ્ચે કાજલની માતા, પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લાના સેરથા ગામે પહોંચ્યા હતા, જ્યાં અલ્પેશનો પરિવાર રહે છે. બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા. એક તરફ કાજલના પરિવારજનોએ અપમાનજનક વર્તનનો આરોપ મૂક્યો હતો, તો બીજી તરફ અલ્પેશના પરિવારજનોએ ધમકી મળ્યાનો દાવો કર્યો હતો.

પોલીસની હાજરીમાં થયો હતો વિવાદનો અંત

પરિસ્થિતિ તંગ બનતાં અલ્પેશે ઇમરજન્સી હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં કાજલે પોતાના લગ્ન અંગે સ્પષ્ટતા કરી હતી અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. તે સમયે કોઈ સત્તાવાર ગુનો નોંધાયો નહોતો. લગ્ન વિવાદ બાદ કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પોતાની વાત લોકો સુધી પહોંચાડી હતી. તેમણે જણાવ્યું હતું કે લગ્નનો નિર્ણય તેમણે પોતાની મરજીથી લીધો છે અને હવે તેઓ પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. સાથે જ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ અને ધમકીઓ આપનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી.

આ પણ વાંચો : 'USથી મિત્રનો ફોન આવ્યો અને...' પુત્ર ઋષભ પિતા વિજય રૂપાણીને યાદ કરતા ભાવુક બન્યા

હવે સૌથી મોટો સવાલ

આ સમગ્ર વિવાદમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે, કાજલ મહેરિયાના નામે ફેમિલી કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી કોણે કરી? અરજીમાં વ્યક્તિગત વિગતો, ફોટોગ્રાફ અને વકીલોના નામ કેવી રીતે સામેલ થયા? અને આખરે આ સમગ્ર કાવતરાની પાછળ કોણ છે? આ તમામ સવાલોના જવાબ હજુ મળવાના બાકી છે. જોકે, કોર્ટ દ્વારા અરજી રદ કરવામાં આવતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, કાજલ મહેરિયા અને તેમના પતિ વચ્ચે કોઈ છૂટાછેડાનો પ્રશ્ન નથી અને સમગ્ર મામલો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા રચાયેલ કાવતરાનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kajal Maheriya controversy Fake Divorce Petition Kajal Maheriya Alpesh Thakor Controversy
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ