બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'USથી મિત્રનો ફોન આવ્યો અને...' પુત્ર ઋષભ પિતા વિજય રૂપાણીને યાદ કરતા ભાવુક બન્યા
Last Updated: 08:23 AM, 11 June 2026
Ahmedabad Plane Crash : બુધવાર 12 જૂન, 2025ના દિવસે અમદાવાદમાં સર્જાયેલી અને સમગ્ર દેશને હચમચાવી નાખનારી ભયાનક પ્લેન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ૨૭૦ નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુ:ખદ ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતાના સેવાકીય વારસાને આગળ ધપાવવા અને તેમના જીવનના આદર્શો અંગે ભાવુક સંવાદ કર્યો હતો. ઋષભ રૂપાણીએ કહ્યું કે દુ:ખ આજે પણ એટલું જ છે, પરંતુ પિતાજીના વિચારો અને સંસ્કારો જ અમારા પરિવારને આગળ વધવાની શક્તિ આપે છે.
ADVERTISEMENT
એક વિશેષ મુલાકાતમાં ઋષભે જણાવ્યું કે મારા પિતાજી હંમેશાં કહેતા કે દુનિયા કોઈ એક વ્યક્તિ માટે અટકતી નથી. જીવન આગળ વધતું રહે છે. તેથી જ અમારે પણ હિંમત સાથે આગળ વધવું છે. તેમણે ઉમેર્યું કે હતું કે વિમાન દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ હોવાથી તેના વિશે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. સરકાર અને તપાસ એજન્સીઓ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અહેવાલ આવશે ત્યારે સત્ય સામે આવશે.

ADVERTISEMENT
ઋષભે યાદ કર્યું કે દુર્ઘટનાના દિવસે અમેરિકા સ્થિત મિત્રનો ફોન આવ્યો ત્યારે પ્રથમવાર આ દુઃખદ સમાચારની જાણ થઈ હતી. તેમણે ભાવુક સ્વરે જણાવ્યું હતું કે થોડી જ મિનિટોમાં આખું જીવન બદલાઈ ગયું. તેમણે કહ્યું કે પિતાના અવસાનથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ અનેક કાર્યકરો, મિત્રવર્તુળ અને શુભેચ્છકોને પણ મોટી ખોટ પડી છે. પિતાજીએ જીવનભર લોકોની સેવા, સાદગી અને કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું. આજે પણ એ જ મૂલ્યો અમને માર્ગદર્શન આપે છે. પિતાજીની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી, પરંતુ તેમની પાસેથી મળેલી ‘કર્તવ્યપરાયણતા' અને ‘સ્થિતપ્રજ્ઞતા'ની શીખ અમને આગળ વધવાની હિંમત આપે છે. સકારાત્મક રહીને નિષ્ઠાપૂર્વક કર્મ કરવું, એ જ તેમને સાચી અંજલિ છે.

ADVERTISEMENT
ઋષભ રૂપાણીએ પિતાના વારસાને જીવંત રાખવા માટે ‘વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન'ની સ્થાપનાની જાહેરાત કરી છે. રૂપાણી પરિવાર દ્વારા વિજય રૂપાણીની સ્મૃતિમાં વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય જાગૃતિ, નિ:શુલ્ક તબીબી સેવાઓ અને સમાજલક્ષી કાર્યક્રમો દ્વારા તેમના કાર્યને આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
દુર્ઘટનાસ્થળે સ્મારક બનાવવાના સરકારના નિર્ણયને આવકારતાં ઋષભે જણાવ્યું કે આવી ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોની યાદ સદૈવ જીવંત રહેવી જોઈએ. આ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે વિકાસનાં કામો અટકવાં જોઈએ નહીં. પિતાજી પણ એ જ ઇચ્છતા. લોકોનાં હિત અને સમાજના વિકાસ માટેની યાત્રા સતત ચાલુ રહેવી જોઈએ. રાજકારણમાં પ્રવેશ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષભે સ્પષ્ટ કર્યું કે હાલ તેમનો એવો કોઈ વિચાર નથી અને તેઓ પોતાના વ્યવસાય તથા સામાજિક જવાબદારીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.