બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / RTOમાં કામ કરાવવું છે? પહેલા ઈ-ચલણ ભરો! બાકી દંડ હશે તો લાઈસન્સ-RC ટ્રાન્સફર સહિતની સેવા અટકશે
Last Updated: 02:45 PM, 6 August 2026
વાહનચાલકોએ ટ્રાફિકનાં ઈ-ચલણની બાકી રકમ નહીં ભરી હોય તો હવે આરટીઓની અનેક સેવાઓ મેળવવી મુશ્કેલ બનશે. રાજ્ય સરકારે અમલમાં મૂકેલી સંકલિત ડિજિટલ સિસ્ટમ હેઠળ વાહન સંબંધિત અરજી કરતાં પહેલાં અરજદારનાં નામે નોંધાયેલાં તમામ વાહનોનાં બાકી ઈ-ચલણની આપોઆપ ચકાસણી કરવામાં આવશે. દંડ બાકી હોવાનું જણાય તો અરજી પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે અને પહેલાં દંડ ભરવાની સૂચના અપાશે.
ADVERTISEMENT

નવી વ્યવસ્થા હેઠળ વાહનની માલિકી પરિવર્તન, આરસી બૂકમાં સરનામું બદલવું, હાઇપોથિકેશન દૂર કરાવવું, ડુપ્લિકેટ આરસી મેળવવી સહિતની સેવાઓ માટે અરજી કરતી વખતે સિસ્ટમ બાકી ઈ-ચલણની તપાસ કરશે. આધાર અને મોબાઇલ નંબર સાથે જોડાયેલા અરજદારના નામે અન્ય કોઈ વાહન પર પણ દંડ બાકી હશે તો તેની અસર અરજી પર પડશે.
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં વાહન સંબંધિત મળતી આશરે 50 ટકા અરજીઓ બાકી ઈ-ચલણના કારણે અટવાઈ રહી છે. જોકે અમદાવાદમાં આ પેન્ડન્સીનો દર માત્ર આશરે ૩૫ ટકા છે. તેનું મુખ્ય કારણ એજન્ટ અરજી દાખલ કરતાં પહેલાં જ બાકી દંડ ભરાવી દેતા હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
સરકારે 2024થી અત્યાર સુધીમાં રાજ્યમાં અંદાજે 1.80 કરોડ ઈ-ચલણ જારી કર્યાં છે. જ્યારે ૧ જાન્યુઆરીથી ૩૧ જુલાઈ, 2026 દરમિયાન જ 50.6 લાખ ઈ-ચલણ ફટકારાયાં છે. તેમ છતાં દંડ વસૂલાતનો દર હજુ સંતોષકારક નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશભરમાં મે મહિનામાં જારી થયેલાં 88.2 લાખ ઈ-ચલણમાંથી ૭૫.૨૧ લાખ (85 ટકાથી વધુ) ઈ-ચલણની રકમ બાકી રહી હતી.
ADVERTISEMENT
અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગના વાહનમાલિકોને પોતાના નામે બાકી ઈ-ચલણની જાણ ત્યારે જ થાય છે જ્યારે તેઓ આરટીઓની કોઈ સેવા માટે અરજી કરે છે. રાજ્યમાં ટ્રાફિક અમલીકરણ અને પરિવહન વિભાગના ડેટાબેઝ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે. સંપૂર્ણ અમલ બાદ બાકી ઈ-ચલણ ધરાવતા વાહન સંબંધિત કોઈપણ અરજીની પ્રક્રિયા આપોઆપ અટકી જશે, જેથી તમામ વાહન સંબંધિત સેવાઓ માટે દંડની ચુકવણી ફરજિયાત બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.