બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 'ઓપરેશન સરહદ' શરૂ, આતંકીઓના સંપર્કમાં આવેલા શંકાસ્પદ લોકો પર ATSની રાજ્યવ્યાપી નજર
Last Updated: 04:54 PM, 28 July 2026
જૈશ-એ-મોહમ્મદના નવા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન સરહદ શરૂ કર્યું છે. ગુજરાત એટીએસના નેતૃત્વમાં રાજ્યના તમામ જિલ્લાઓની એસઓજી અને અન્ય એજન્સીઓએ આતંકવાદીઓના સંપર્કમાં આવેલા શંકાસ્પદ લોકોની તપાસ અને પૂછપરછ શરૂ કરી છે. આતંકવાદીઓ પાટણ, સિદ્ધપુર, ભરૂચ અને અંકલેશ્વર ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોવાની વિગતો સામે આવતાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
ADVERTISEMENT

તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આતંકવાદીઓ પાટણ અને સિદ્ધપુર આસપાસની કેટલીક મદરેસાઓમાં જઈ યુવાનોનું બ્રેઇનવોશ કરતા હતા અને તેમને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે જોડવાના પ્રયાસો કરતા હતા. તેઓ મૌલાના મસૂદ અઝહરના સાહિત્ય અને ભાષણોથી પ્રભાવિત થઈ આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરતા હતા એટલું જ નહીં, તેમણે સિદ્ધપુર નજીક આઠ વખત બોમ્બ બ્લાસ્ટનાં ટેસ્ટિંગ પણ કર્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ADVERTISEMENT
એટીએસને આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સાથેના સંપર્કના પુરાવા, મોબાઇલ ચેટ, ફોન નંબર તેમજ મસૂદ અઝહરને લખાયેલા પત્રો મળ્યા છે. આ ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાના આધારે હવે તેમના સમગ્ર નેટવર્કની તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં રોકાણ દરમિયાન આતંકવાદીઓએ શહેરના વિવિધ વિસ્તારોની રેકી કરી હોવાની અને અનેક લોકો સાથે મુલાકાત કરી હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં અગાઉ તત્કાલીન ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી રાષ્ટ્ર વિરોધી અને રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં તત્ત્વોની યાદી પણ ફરી સક્રિય કરવામાં આવી છે. આ યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓની હાલની પ્રવૃત્તિઓ, સંપર્કો અને હિલચાલની તપાસ કરવામાં આવી રહી છે. ATS ઉપરાંત કેન્દ્રની એજન્સીઓ અને અન્ય રાજ્યોની તપાસ એજન્સીઓ સાથે પણ સંકલન સાધીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા લોકો, તેમની પોસ્ટ અને સંપર્કોની પણ ચકાસણી ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓનું ધ્યાન હવે માત્ર ઝડપાયેલા આતંકવાદીઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમના સમગ્ર નેટવર્ક અને સંભવિત સહયોગીઓને શોધી કાઢવા પર કેન્દ્રિત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.