બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં અતિભારે વરસાદને લઈ સરકાર એલર્ટ, PM મોદી અને અમિત શાહ સતત સંપર્કમાં; વલસાડ-નવસારીમાં હજારો લોકોનું સ્થળાંતર
Last Updated: 08:09 PM, 23 July 2026
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, નાગરિકોની સલામતી રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે.
ADVERTISEMENT
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યની વરસાદી પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત સંપર્કમાં છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરીને પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહાયની ખાતરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમની સાથે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા, GSDMAના CEO ધવલ પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના આંકડા મુજબ નવસારીના ખેરગામમાં 16 ઇંચ, સુરતના ઉમરપાડામાં 15 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 14 ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારે બચાવ કામગીરી તેજ બનાવી છે. વલસાડ જિલ્લામાં 12 હજારથી વધુ અને નવસારી જિલ્લામાં 10 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત વલસાડમાં 200થી વધુ અને નવસારીમાં 50થી વધુ લોકોને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વલસાડમાં હાલમાં 3 NDRF અને 5 SDRF ટીમો કાર્યરત છે. કેન્દ્ર સરકાર તરફથી વધારાની 4 NDRF ટીમો એરલિફ્ટ કરીને સુરત મોકલવામાં આવી રહી છે, જેમાંથી 2 ટીમ વલસાડ, 1 નવસારી અને 1 સુરત ખાતે તૈનાત રહેશે. ઉપરાંત આર્મીની બે કોલમ પણ વલસાડ અને નવસારી માટે રવાના કરવામાં આવી છે.
રેસ્ક્યુ કામગીરીને વધુ મજબૂત બનાવવા GSDMAની 25 બોટ્સ વલસાડ મોકલવામાં આવી છે. જરૂર જણાય તો તેમાંથી કેટલીક બોટ્સ નવસારીમાં પણ તૈનાત કરવામાં આવશે.
ADVERTISEMENT
ભારે વરસાદ અને વોટર ઓવરટોપિંગના કારણે રાજ્યમાં હાલમાં આશરે 1,200 રસ્તાઓ બંધ છે, જેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે. પાણી ઓસર્યા બાદ રસ્તાઓ તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે.
સરકારે સાવચેતીના ભાગરૂપે રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે તાપી જિલ્લામાં પાણીમાં તણાવાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જેના પ્રત્યે રાજ્ય સરકારે શોક વ્યક્ત કર્યો છે. તેમણે નાગરિકોને નદી, નાળા અને કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે તેને ઓળંગવાનો પ્રયાસ ન કરવા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ આપત્તિ સમયે વહીવટી તંત્રના હેલ્પલાઈન નંબરોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.