ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / CEC જ્ઞાનેશ કુમાર સામેના આરોપો પર ચૂંટણી પંચનો વળતો પ્રહાર! SIR અને Form-6 મામલે કોર્ટમાં શું થયું?
Last Updated: 09:49 PM, 26 October 2026
ADVERTISEMENT
દેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરીને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને પોતાના નિર્ણયોની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી છે. જેમાં પંચનું કહેવું છે કે SIR સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા અને Form-6માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
વિપક્ષી નેતાઓ અને બીજા અરજદારો દ્વારા ચૂંટણી પંચની નિર્ણય પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અમુક નિર્ણયોમાં મુખ્ય ચૂંટણી કમિશનરે એકતરફી રીતે કામગીરી કરી હોવાના આક્ષેપો પણ થયા છે. જોકે ચૂંટણી પંચે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે અરજીઓ મુખ્યત્વે મીડિયા અહેવાલોના આધારે કરવામાં આવી છે.
મંગળવારે 27 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક યાચિકાઓ પર સુનાવણી થશે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની બેન્ચ સામાજિક કાર્યકર્તા રાકેશ કુમાર સિંહ, વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી, રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના 13 નેતાઓ અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીની યાચિકાઓ સાંભળશે. આ યાચિકાઓમાં ચૂંટણી આયોગની બેઠકોના રેકોર્ડ મંગાવવા, ન્યાયિક તપાસ અને હાલ માટે CECને કામથી અલગ રાખવાની માંગ કરવામાં આવી છે. દેશભરમાં ચાલી રહેલા SIR પર પણ પ્રશ્ન ઊઠાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું છે કે, મતદાર યાદીના SIR સાથે જોડાયેલા 24 જૂન 2025, 27 ઑક્ટોબર 2025 અને 14 મે 2026ના ત્રણેય આદેશો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. પંચે સ્પષ્ટ કર્યું કે આ જવાબી સોગંદનામાને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત બંને ચૂંટણી કમિશનરોની મંજૂરી મળી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોઈ ફાઇલ પર અધિકારી દ્વારા કરવામાં આવેલી નોંધ, સવાલ, સૂચન કે ટિપ્પણીને પંચનો અંતિમ નિર્ણય ગણી શકાય નહીં. ફાઇલ પર ચર્ચા થવી અને અંતિમ નિર્ણય લેવો એ બંને અલગ પ્રક્રિયાઓ છે. પંચે પોતાની કાર્યપદ્ધતિનો બચાવ કરતાં જણાવ્યું છે કે નિયમિત પ્રક્રિયામાં ફાઇલ પહેલાં એક ચૂંટણી કમિશનર, ત્યારબાદ બીજા ચૂંટણી કમિશનર અને અંતે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ મંજૂરી માટે જાય છે. જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ મંજૂરી લેવામાં આવે છે.
Form-6માં ફેરફારના વિવાદ પર શું કહ્યું?
ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં Form-6નો મુદ્દો પણ મહત્ત્વનો છે. નવા મતદારોનાં નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે Form-6નો ઉપયોગ થાય છે. SIR પ્રક્રિયા દરમિયાન આ ફોર્મ સાથે જોડાયેલી વધારાની ઘોષણા અંગે વિવાદ ઊભો થયો હતો. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે Form-6માં કોઈ સત્તાવાર ફેરફાર કરવામાં આવ્યો નથી. પંચના જણાવ્યા અનુસાર, કાયદા હેઠળ નિર્ધારિત ફોર્મમાં સુધારો કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. જોકે પંચે સ્વીકાર્યું છે કે ઓનલાઇન અરજીની પ્રક્રિયામાં Form-6 અને SIR સંબંધિત ઘોષણા જે રીતે દર્શાવવામાં આવતાં હતાં, તેનાથી ફોર્મમાં ફેરફાર થયો હોવાની ગેરસમજ ઊભી થઈ શકે છે. આ ગેરસમજ દૂર કરવા માટે 21 ઑક્ટોબર, 2026થી ઑનલાઇન અરજીની પ્રક્રિયામાં Form-6 અને SIRની ઘોષણાને અલગ રાખવામાં આવી છે. એટલે હવે બંને બાબતોને એક જ ફોર્મનો ભાગ હોવાની છાપ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
CECને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવા જેવી જ સંવિધાનિક પ્રક્રિયા અપનાવવી પડે છે. આથી CECના કામકાજ પર રોક લગાવવાની માંગ સુનાવણી યોગ્ય નથી. ગોવાના કથિત 97 મતદારોના મામલે આયોગે કહ્યું કે 88 લોકો પહેલેથી યાદીમાં છે, 6 વિદેશમાં હતા અને 3 પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ હતા. આયોગે આંતરિક નોટ કે ફાઇલ મીડિયામાં જારી કર્યાનો પણ ઇનકાર કર્યો છે.
ADVERTISEMENT
હવે આગળ શું?
ADVERTISEMENT
ચૂંટણી પંચના જવાબી સોગંદનામા બાદ હવે આ મામલાની સુનાવણી પર સૌની નજર છે. 27 ઓક્ટોબર 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાને લગતી વિવિધ અરજીઓ પર સુનાવણી નિર્ધારિત છે. અરજદારો દ્વારા ચૂંટણી પંચની બેઠકોના રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરાવવા, નિર્ણય પ્રક્રિયાની ન્યાયિક તપાસ કરાવવા અને મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરી અંગે વચગાળાનો આદેશ આપવા જેવી માંગણીઓ કરવામાં આવી છે. જેમાં હાલ પૂરતું ચૂંટણી પંચે પોતાના નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનો અને Form-6માં કોઈ સત્તાવાર ફેરફાર ન કરાયો હોવાનો બચાવ રજૂ કર્યો છે. બીજી તરફ અરજદારોના આક્ષેપો અને નિર્ણય પ્રક્રિયાની કાયદેસરતા અંગેનો વિવાદ હજુ કોર્ટ સમક્ષ છે.
સંકળાયેલા મુદ્દાઓ