ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું નહીં રહે એટલું સરળ, નવા નિયમોથી ડ્રાઇવિંગ ટેસ્ટ-લાઇસન્સ પ્રક્રિયામાં ફેરફાર!
Last Updated: 11:53 AM, 25 October 2026
ADVERTISEMENT
ડ્રાઇવિંગ લાઇસન્સમાં નામ કે સરનામું બદલવા માટે હવે RTOના ધક્કા ખાવામાંથી છુટકારો મળી શકે છે. એટલું જ નહીં, આ કામ માટે એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે તેવી વ્યવસ્થા પણ થઈ શકે છે. કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારા માટે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા પ્રસ્તાવમાં ડ્રાઇવિંગ લાઇસન્સના ફોર્મેટ, જરૂરી દસ્તાવેજો, વ્યક્તિગત માહિતીમાં ફેરફાર અને સલામત ડ્રાઇવિંગના મૂલ્યાંકન સહિત અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિયમો હજુ માત્ર પ્રસ્તાવિત છે અને અંતિમ મંજૂરી બાદ જ અમલમાં આવશે.
ADVERTISEMENT

નવા પ્રસ્તાવ મુજબ ભારતીય અને વિદેશી નાગરિકોના ડ્રાઇવિંગ લાઇસન્સનો રંગ અને ફોર્મેટ અલગ અલગ હોઈ શકે છે. મંત્રાલયે સૂચવ્યું છે કે નવા જારી થતા અથવા રિન્યુ કરવામાં આવતા ડ્રાઇવિંગ લાઇસન્સ લેમિનેટેડ કાર્ડ અથવા પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે PVC કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવે. આ માટે ફોર્મ 7નો ઉપયોગ કરવામાં આવશે. ભારતીય અને વિદેશી નાગરિકોના લાઇસન્સ વચ્ચે સરળતાથી તફાવત કરી શકાય તે માટે બંનેના રંગ અને ડિઝાઇન અલગ રાખવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત લાઇસન્સમાં બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને ઇમરજન્સી સંપર્ક નંબર જેવી માહિતી આપવી પણ ફરજિયાત બની શકે છે. અકસ્માત કે અન્ય કટોકટીની સ્થિતિમાં લાઇસન્સ ધારકના પરિવારનો સંપર્ક કરવામાં આ માહિતી મદદરૂપ થઈ શકે છે.
ADVERTISEMENT
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી દસ્તાવેજોના નિયમોમાં પણ ફેરફાર કરવાની તૈયારી છે. મંત્રાલયે ઓળખ, ઉંમર અને સરનામાના પુરાવા માટે સ્વીકાર્ય દસ્તાવેજોની યાદી તૈયાર કરી છે. તેમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, ઈ-રેશન કાર્ડ, કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમ દ્વારા આપવામાં આવેલું સેવા ઓળખ કાર્ડ, પેન્શનર ફોટો ઓળખ કાર્ડ અને સ્વતંત્રતા સેનાની ઓળખ કાર્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 3 મહિના જૂનું વીજળી બિલ અથવા ગેસ કનેક્શન બિલ તેમજ જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો પણ સંબંધિત પુરાવા તરીકે ઉપયોગી બની શકે છે. મંત્રાલયે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ સોગંદનામાની જરૂરિયાતમાં ફેરફાર કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. ચોક્કસ કિસ્સાઓમાં સોગંદનામા અને જીવન વીમા પૉલિસી જેવા દસ્તાવેજોની સ્વીકાર્યતા અંગે પણ જોગવાઈઓ સૂચવવામાં આવી છે.
ADVERTISEMENT
ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે સલામત ડ્રાઇવિંગના નિયમોની જાણકારી હોવી હવે વધુ મહત્વની બની શકે છે. મંત્રાલયે ઓનલાઈન સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરીયલ મૂલ્યાંકનમાં પાસ થવા માટે જરૂરી ગુણ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં આ મૂલ્યાંકન પાસ કરવા માટે 60 ટકા ગુણ જરૂરી છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ અરજદારે ઓછામાં ઓછા 75 ટકા ગુણ મેળવવાના રહેશે. એટલે કે મૂલ્યાંકન પાસ કરવા માટે હવે વધુ સારી તૈયારી કરવી પડશે. આ ઉપરાંત સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરીયલનો સમય ઓછામાં ઓછો 30 મિનિટ રાખવાની પણ જોગવાઈ સૂચવવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો, માર્ગ સલામતી અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે વધુ સારી સમજ આપવાનો છે.
ADVERTISEMENT
ડ્રાઇવિંગ લાઇસન્સમાં નામ અને સરનામું બદલવા માગતા લોકો માટે સૌથી મોટી રાહત મળી શકે છે. નવા ડ્રાફ્ટ મુજબ લાઇસન્સિંગ અધિકારીઓએ નામ કે સરનામામાં ફેરફાર માટે મળેલી અરજી અંગે 15 દિવસની અંદર નિર્ણય લેવો પડશે. એટલે કે અધિકારીએ નક્કી કરેલી સમયમર્યાદામાં અરજી સ્વીકારવી અથવા નકારી કાઢવી પડશે. જો અરજી નકારી કાઢવામાં આવે તો તેનું કારણ પણ જણાવવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત નામ, સરનામું અને અન્ય વ્યક્તિગત માહિતી અપડેટ કરવા માટે લેવામાં આવતી ફી નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે આધાર પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ થતી કેટલીક ઓનલાઈન સેવાઓ માટે પણ ફી માફ કરવાની દરખાસ્ત કરી છે. જોકે કઈ સેવાઓમાં આ લાભ મળશે તે અંતિમ નિયમો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દૂધ-પૌંઆ નહીં, ભાવનગરમાં શરદ પૂનમે ઊંધિયું ખાવાની 100 વર્ષ જૂની પરંપરા
કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવથી ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની શકે છે. ખાસ કરીને નામ અને સરનામું બદલવા માટેની ફી નાબૂદ થવાથી અને અરજી પર 15 દિવસમાં નિર્ણય લેવાની જોગવાઈથી લોકોને સમય અને પૈસા બંનેની બચત થઈ શકે છે. બીજી તરફ સેફ ડ્રાઇવિંગ મૂલ્યાંકનમાં 75 ટકા ગુણ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ માર્ગ સલામતીને વધુ મહત્વ આપવાનો પ્રયાસ છે. મંત્રાલયે આ તમામ ફેરફારો અંગે સામાન્ય લોકો અને સંબંધિત હિસ્સેદારો પાસેથી સૂચનો તથા વાંધા મંગાવ્યા છે. ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રકાશિત થયાના 30 દિવસની અંદર લોકો પોતાના સૂચનો આપી શકશે. મહત્વની વાત એ છે કે આ તમામ ફેરફારો હાલમાં માત્ર પ્રસ્તાવના તબક્કામાં છે. સરકાર દ્વારા અંતિમ નિયમો જાહેર કરીને અમલમાં મૂકવામાં આવશે ત્યારબાદ જ ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયામાં આ ફેરફારો લાગુ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.