બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નકલી પ્લાઝમા : શું હોય છે, શરીર માટે કેટલું જરુરી, જાણો બધી વાતો ડો. યોગેશ ગુપ્તા પાસેથી
Last Updated: 06:38 PM, 24 June 2026
અમદાવાદમાં ડુપ્લિકેટ પ્લાઝમા બનાવવાના કથિત રેકેટનો ભાંડો ફૂટતા આરોગ્ય ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને તબીબ વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ડૉ. યોગેશ ગુપ્તાએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે પ્લાઝમા માનવ શરીર માટે અત્યંત જરૂરી ઘટક છે અને તેની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ દર્દીઓના જીવ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
ડૉ. યોગેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, લોહીમાંથી અલગ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી પ્લાઝમા તરીકે ઓળખાય છે. માનવ લોહીમાં અંદાજે 55 ટકા હિસ્સો પ્લાઝમાનો હોય છે. તેમાં એન્ટીબોડી સહિત અનેક જરૂરી પ્રોટીન અને દ્રવ્યો રહેલા હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને અન્ય મહત્વપૂર્ણ કાર્યો માટે આવશ્યક છે.
ADVERTISEMENT
પ્લાઝમામાંથી અંદાજે 50 પ્રકારની દવાઓ તૈયાર કરી શકાય
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે લીવરની ગંભીર બીમારીઓ, ઈમરજન્સીમાં લોહી ચડાવવાની જરૂરિયાત, ચેપી રોગો, ક્લોટિંગ ફેક્ટરની ઉણપ તેમજ સાપના ઝેર સામેની સારવારમાં પ્લાઝમાનો વ્યાપક ઉપયોગ થાય છે. એક પ્લાઝમામાંથી અંદાજે 50 પ્રકારની દવાઓ તૈયાર કરી શકાય છે. આ દવાઓના એક ઇન્જેક્શન અથવા ડોઝની કિંમત રૂ. 5 હજારથી લઈને રૂ. 50 હજાર સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
ડુપ્લિકેટ પ્લાઝમાથી જીવ જોખમમાં મુકાઈ શકે
ડૉ. યોગેશ ગુપ્તાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો કોઈ દર્દીને ડુપ્લિકેટ અથવા ભેળસેળયુક્ત પ્લાઝમા ચડાવવામાં આવે તો તેનો જીવ બચવાને બદલે જોખમમાં મુકાઈ શકે છે. પ્લાઝમા જીવન બચાવતી સારવારની સૌથી મહત્વપૂર્ણ કડી છે. ચોંકાવનારી બાબત એ છે કે સારવાર આપતા ડૉક્ટરોને પણ ઘણીવાર ખબર પડતી નથી કે દર્દીને આપવામાં આવતું પ્લાઝમા અસલી છે કે નકલી.
ADVERTISEMENT
યુનિક કોડવાળા સ્ટીકર આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય
સામાન્ય રીતે બ્લડ બેંકમાંથી બહાર પડતા પ્લાઝમાની વિવિધ તબક્કે તપાસ કરવામાં આવે છે અને તે પછી જ હોસ્પિટલ સુધી પહોંચે છે. આવા સંજોગોમાં ડુપ્લિકેટ પ્લાઝમા બેગ પર લગાવવામાં આવતા યુનિક કોડવાળા સ્ટીકર આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યા તે તપાસનો મહત્વપૂર્ણ વિષય બન્યો છે.
ADVERTISEMENT

પ્લાઝમા ક્યાં ગાયબ થયું તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ
તબીબી વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે જો પ્લાઝમાની જગ્યાએ પાણી અથવા અન્ય પ્રવાહી ભેળવીને આપવામાં આવતું હોય, તો મૂળ અને કિંમતી પ્લાઝમા ક્યાં ગાયબ થયું તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ નાના કમિશનનો ખેલ નથી, પરંતુ કરોડો રૂપિયાનું સુવ્યવસ્થિત અને વિશાળ નેટવર્ક હોઈ શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવન ફુંકાશે
આ સમગ્ર કૌભાંડની સૌથી ગંભીર અસર તે દર્દીઓ પર પડી હોઈ શકે છે જેમને અત્યાર સુધી આ શંકાસ્પદ પ્લાઝમા આપવામાં આવ્યું હશે. આવા દર્દીઓમાં સારવારનું ઇચ્છિત પરિણામ ન મળ્યું હોય અથવા કેટલાક કિસ્સાઓમાં જીવલેણ પરિણામો પણ સામે આવ્યા હોઈ શકે છે. હવે તપાસ એજન્સીઓ માટે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી સૌથી મોટી જવાબદારી બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.