Team VTV04:02 PM, 01 Jun 20
| Updated: 04:05 PM, 01 Jun 20
કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદ આજથી પાંચમું લૉકડાઉન નવા નામ અનલૉક-1 નામ સાથે આજથી શરૂ થયું છે. શનિવારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ નવી ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય સરકાર પોતાના રાજ્યની સ્થિતિ પ્રમાણે શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય લઇ શકે છે. તો આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં શાળા શરૂ કરવા મુદ્દે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન
શાળાઓ શરૂ કરવા પર તજજ્ઞોનો અભિપ્રાય લેવાશે
હાલ શાળાઓમાં વેકેશન યથાવત રહેશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજથી દુકાન-ઓફિસો શરૂ થઇ ગઇ છે. જો કે હજી શાળા-કોલેજ શરૂ કરવા અંગે સરકાર દ્રારા કોઇપણ નિર્ણય નથી લેવાયો. આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
આગામી જૂલાઇ બાદ શાળા-કોલેજને લઇને લેવાશે નિર્ણય
રાજ્યના ઉપમુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે હાલ વેકેશન યથાવત રહેશે. આગામી જુલાઇ મહિલા બાદ આ મુદ્દે તજજ્ઞો અને શાળા સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરીને શાળા કોલેજ ખોલવા અંગે નિર્ણય લેવાશે.
વાલીઓ પાસેથી વસૂલવામાં આવી શકે સેનિટાઇઝર અને માસ્કનો ખર્ચ
શાળાના સંચાલકોની ગણતરી પ્રમાણે એક બાળક દીઠ મહિને 300થી 500 રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. માટે શાળાઓએ હવે સેનિટાઇઝ ટનલ, બિલ્ડિંગ સેનિટાઈઝ મશીન, થર્મલ ગન, માસ્કની ખરીદી આરંભી દીધી છે. ત્યારે કેટલાક સંચાલકોને મોઢે એવી વાતો પણ ચર્ચાઇ રહી છે કે, સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમારે તમામ નિયમોનું પાલન કરવાનું આવે તો આ વધારાનો ખર્ચ વાલીઓ પાસેથી જ વસૂલવો પડશે. જો કે, એ વાત નક્કી નથી કે કેટલો ખર્ચ વસૂલવામાં આવી શકે છે.