કથાકાર મોરારીબાપુના નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. મોરારીબાપુએ એક કથા દરમિયાન આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નિલકંઠવર્ણી અંગે નિવેદન કર્યું હતું.
જેમાં મોરારીબાપુએ કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણુ રૂપ આવતુ જાય છે. જેમણે ઝેર પીધુ હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય.
જોકે મોરારીબાપુના આ નિવેદનથી સાધુ સંતો અને સ્વામિનારાયણના સાધુ સંતોમાં રોષની લાગણી ફેલાય છે. મોરારીબાપુના આ શબ્દોથી હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે.
આ નિવેદન પર સ્વામીનારાયણના સંતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, શિવ-પાર્વતીને નીલકંઠવર્ણીએ વનમાં જમાડ્યા હતા. માર્કંડ ઋષિએ ભગવાન સ્વામીનારાયણના જન્મ સમયે આવી તેમના ચાર નામ પાડ્યા હતા.
વિધાનસભામાં મોરારીબાપુના રાશનકાર્ડનો મુદ્દો ઉછળ્યો હતો
હજુ બે મહિના પહેલા જ મોરારીબાપુના રાશન કાર્ડ મુદ્દે વિધાનસભામાં વિવાદ સર્જાયો હતો. વિધાનસભા સત્રમાં મોરારી બાપુના નામે સસ્તા અનાજનો પુરવઠો મેળવવાના મામલે વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. વિશ્વવિખ્યાત સંત મોરારીબાપુની ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ કરીને સસ્તું અનાજ મેળવવામાં આવ્યું હોવાની ઘટનાને લઈ ગુજરાત વિધાનસભાનું ગૃહ ગુંજી ઉઠ્યું હતું. ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ થયાની ઘટના જૂની છે પરંતુ આજે આ મુદ્દો વિધાનસભામાં ખૂબ ગુંજ્યો હતો.