બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:36 PM, 15 July 2026
ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને હાલમાં જેલમાં બંધ મોહમ્મદ આઝમ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી 'જૌહર યુનિવર્સિટી' સામે વહીવટી તંત્ર દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. રામપુર વિકાસ સત્તામંડળે યુનિવર્સિટી પરિસરમાં બનેલી કુલ 40 ઇમારતોમાંથી 38 ઇમારતોના બાંધકામને ગેરકાયદેસર જાહેર કર્યું છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ ઇમારતો કોઈ પણ મંજૂર નકશા વગર બનાવવામાં આવી છે. આથી વહીવટી તંત્રએ આ તમામ 38 ભવનોને તોડી પાડવાનો આદેશ જારી કર્યો છે. યુનિવર્સિટી પ્રશાસનને આ ગેરકાયદેસર બાંધકામો જાતે જ હટાવી લેવા માટે 15 દિવસની મુદ્દત આપવામાં આવી છે. જો આ સમયમર્યાદામાં બાંધકામ હટાવવામાં નહીં આવે, તો સત્તામંડળ કાયદેસરની કાર્યવાહી કરીને બુલડોઝર ફેરવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રામપુર વિકાસ સત્તામંડળના જણાવ્યા મુજબ, જૌહર યુનિવર્સિટી રામપુર સદર તહસીલના સિંગનખેડા ગામમાં આવેલી છે. વર્ષ 2024 થી આ વિસ્તાર સત્તાવાર રીતે રામપુર વિકાસ સત્તામંડળના અધિકાર ક્ષેત્ર હેઠળ સામેલ થયો છે. આ ફેરફાર બાદ ઓથોરિટીએ યુનિવર્સિટી પ્રશાસન પાસે ઇમારતોના માન્ય નકશા અને મંજૂરી અંગેની વિગતો માંગી હતી. નોટિસનો કોઈ સંતોષકારક જવાબ ન મળ્યા બાદ સત્તામંડળ દ્વારા વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અને સુનાવણી દરમિયાન સામે આવ્યું કે યુનિવર્સિટી પરિસરમાં આવેલા કુલ 40 ભવનોમાંથી માત્ર 2 ભવનોના જ નકશા નિયમોનુસાર મંજૂર કરાયેલા હતા, જ્યારે બાકીના 38 ભવનો કોઈપણ સત્તાવાર મંજૂરી વગર બાંધી દેવાયા હતા.
ADVERTISEMENT
રામપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ અજય કુમાર દ્વિવેદીએ આ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન યુનિવર્સિટીના મોટાભાગના ભવનો પરવાનગી વગરના અને અનધિકૃત માળખા હેઠળના હોવાનું સાબિત થયું છે. જોહર યુનિવર્સિટી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે જ્યારે આ ભવનોનું નિર્માણ થયું ત્યારે આ વિસ્તાર રામપુર વિકાસ સત્તામંડળ હેઠળ આવતો ન હતો.
આ દલીલ ફગાવતા જિલ્લા મેજિસ્ટ્રેટ જણાવ્યું કે, વર્ષ 2024 પહેલા આ વિસ્તાર જિલ્લા પંચાયત હેઠળ આવતો હતો. યુનિવર્સિટીએ તે સમયે જિલ્લા પંચાયત પાસેથી 2 ભવનોના નકશા મંજૂર કરાવ્યા હતા. આ બાબત સાબિત કરે છે કે યુનિવર્સિટી તંત્ર નકશા મંજૂર કરવાની કાયદાકીય પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હતું. તેમ છતાં તેમણે બાકીની 38 ઇમારતો માટે મંજૂરી મેળવી ન હતી, જેના કારણે આ બાંધકામો ગેરકાયદેસરની શ્રેણીમાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી 'ઉત્તર પ્રદેશ નગર આયોજન અને વિકાસ અધિનિયમ, 1973' ની કલમ 27(1) હેઠળ કરવામાં આવી છે. રાજ્ય સરકારની ગેરકાયદેસર બાંધકામો અને માફિયાઓ વિરુદ્ધની 'ઝીરો ટોલરન્સ' નીતિના ભાગરૂપે આ પગલું લેવાયું છે. જો આગામી 15 દિવસમાં યુનિવર્સિટી વહીવટી તંત્ર આ બાંધકામ પોતાની મેળે નહીં હટાવે, તો વહીવટી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.