બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / દારુ મળ્યો અમદાવાદમાં, 184 કિમી દૂર રહેતો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બની ગયો આરોપી! પોલીસની આળસ કે ગજબનું નેટવર્ક?
Last Updated: 02:09 PM, 18 June 2026
શહેરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાય ત્યારે પોલીસ બુટલેગર્સ સામે કડક કાર્યવાહી કરતી હોય છે. જોકે સરદારનગર વિસ્તારના દારૂના કેસોમાં છેલ્લા કેટલાક સમયથી એક એવી પેટર્ન સામે આવી રહી છે, જેના કારણે પોલીસની તપાસ પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે પણ નોબલનગર વિસ્તારમાં આવેલી વાલ્મીકિ આવાસ યોજનામાંથી દારૂનો જથ્થો ઝડપાય છે ત્યારે વોન્ટેડ આરોપીઓની યાદીમાં એક જ વ્યક્તિનું નામ વારંવાર જોવા મળે છે – શ્રવણ ઉર્ફે બાલાજી ઠાકોર.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બાલાજી ઠાકોરનો દાવો છે કે તે છેલ્લા 5 વર્ષથી અમદાવાદમાં રહેતો જ નથી. તે બનાસકાંઠાના દિયોદરમાં પરિવાર સાથે રહે છે. એટલું જ નહીં, તેણે પોતાની 50 ટકા દૃષ્ટિ ગુમાવી હોવાનો પણ દાવો કર્યો છે. અગાઉ દારૂના ધંધા સાથે સંકળાયેલો હોવાની વાત સ્વીકારતા તેણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે વર્ષો પહેલાં તેણે આ ધંધો સંપૂર્ણપણે છોડી દીધો હતો. તેમ છતાં આજે પણ વાલ્મીકિ આવાસ યોજનામાં દારૂનો મોટો જથ્થો ઝડપાય ત્યારે તેનું નામ આરોપીઓની યાદીમાં ઉમેરાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ગઈ કાલે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. પીસીબીએ નોબલનગરની વાલ્મીકિ આવાસ યોજનાનાં વિવિધ મકાનોમાં દરોડા પાડી દારૂની કુલ 2,835 બોટલો જપ્ત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂ. 8.67 લાખ છે. આ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે શ્રવણ ઉર્ફે બાલાજી ઠાકોરનું નામ નોંધાયું છે, જ્યારે દીપુ સિંધીનું નામ ખુલ્લું કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે દીપુ સિંધીને થોડા દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-4ની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. તે કેસમાં પણ બાલાજીનું નામ આરોપી તરીકે નોંધાયું હતું. આમ, છેલ્લા કેટલાક કેસોમાં સતત એક જ વ્યક્તિનું નામ સામે આવતાં હવે પ્રશ્ન માત્ર બાલાજી પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તપાસની વિશ્વસનીયતા સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત સમયનો સંયોગ છે. ગઈ કાલે સવારે જ બાલાજી ઠાકોરે પોલીસ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય વિભાગોમાં લેખિત ફરિયાદ કરી હતી. પોતાની ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો હતો કે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મુરાદસિંહ વાઘેલા તેની પાસે હપ્તાની માંગણી કરી રહ્યા હતા. તેણે દારૂનો ધંધો છોડી દીધો હોવાથી હપ્તો આપવાનો પ્રશ્ન જ ઊભો થતો ન હોવાનું અને હપ્તો ન આપતાં અદાવત રાખીને ખોટા કેસોમાં તેનું નામ ઉમેરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

ADVERTISEMENT
બાલાજીએ પોતાની અરજીમાં ઝોન-4ના ડીસીપી અતુલ બંસલ અંગે પણ ઉલ્લેખ કર્યો છે. તેના જણાવ્યા પ્રમાણે ડીસીપીની છબીને નુકસાન પહોંચાડવા માટે મુરાદસિંહ તેમના નામનો ઉપયોગ કરીને ગેરરીતિ કરી રહ્યા છે. આ તમામ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી પણ તેણે માંગણી કરી છે. ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદ કર્યાના થોડા જ કલાકોમાં પીસીબી દ્વારા થયેલી રેડમાં ફરી એક વાર બાલાજીનું નામ વોન્ટેડ આરોપી તરીકે ઉમેરાયું. આ સંજોગોના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
બાલાજીનો દાવો છે કે આ પ્રથમ વખત નથી. તેણે અગાઉ પણ પોલીસ કમિશનર, DGP સહિત વિવિધ અધિકારીઓ સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો કરી છે. પોતાની અરજીઓમાં તેણે સ્પષ્ટ જણાવ્યું છે કે તે છેલ્લા 5 વર્ષથી દિયોદરમાં પરિવાર સાથે રહે છે, દારૂનો ધંધો બંધ કરી ચૂક્યો છે અને તેની સામે નોંધાતા કેસોની સ્વતંત્ર તપાસ કરવામાં આવે. તેમ છતાં તેને કોઈ રાહત મળી નથી.
આ કેસમાં હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બાલાજી ખરેખર દિયોદરમાં રહેતો હોય તો દરેક મોટા દારૂના કેસમાં તેનું નામ કેવી રીતે સામે આવે છે? શું પોલીસ પાસે તેની સંડોવણીના એવા પુરાવા છે, જે હજુ જાહેર કરવામાં આવ્યા નથી? કે પછી બાલાજીના દાવા મુજબ કોઈ વ્યક્તિગત અદાવતના કારણે તેનું નામ ઉમેરવામાં આવી રહ્યું છે? આ બંને સવાલોના જવાબ મળવા જરૂરી છે. બાલાજી પોતાના કામકાજના કારણે અવારનવાર અમદાવાદ આવતો હોવાનો પણ દાવો કરે છે. કાયદાકીય રીતે પણ આ કેસ મહત્ત્વનો બની શકે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર પોતાની નિર્દોષતાના દાવા સાથે રજૂઆતો કરે, હાઈકોર્ટ સુધી પહોંચે અને છતાં તેના નામે કેસ નોંધાતા રહે તો તેની પાછળનાં કારણોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી બને છે. બીજી તરફ જો પોલીસ પાસે મજબૂત પુરાવા હોય તો તે પણ તપાસ દરમિયાન સામે આવવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.