બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજુલામાં યુવકના શિકાર બાદ મિજબાની માણતી સિંહણ કેમેરામાં ઝડપાઈ, ટ્રક ચાલક હેડલાઈટ ચાલુ રાખી જોતો રહ્યો઼
Last Updated: 03:46 PM, 18 June 2026
ગત 15 તારીખે રાત્રે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. અહીં એક પરપ્રાંતીય યુવક પર સિંહે હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઘટના બાદ હવે બે અલગ-અલગ વીડિયો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર કેસ વધુ ચર્ચાસ્પદ અને રહસ્યમય બની ગયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સામે આવેલા પ્રથમ વીડિયોમાં સિંહ શિકાર કર્યા બાદ મિજબાની માણી રહ્યો હોવાનું જોવા મળે છે. આ વીડિયો ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે ઉતાર્યો હતો. જોકે વીડિયો બનાવનારને પણ એ વાતની જાણ નહોતી કે સિંહે કોઈ પશુનો નહીં પરંતુ એક માણસનો શિકાર કર્યો છે. બીજા વીડિયોમાં એક ટ્રક ચાલક પોતાની ટ્રકની હેડલાઈટ ચાલુ રાખીને આ સમગ્ર દ્રશ્ય લાંબા સમય સુધી નિહાળતો હોવાનું જોવા મળે છે.
ADVERTISEMENT
માહિતી મુજબ, જ્યારે સિંહ યુવકનો શિકાર કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકે વાહનની હેડલાઈટો ચાલુ રાખી હતી અને અંદાજે એક કલાક સુધી આ દ્રશ્ય જોતો રહ્યો હતો. સિંહ શિકાર કરીને ત્યાંથી દૂર ગયો ત્યારબાદ જ ટ્રક ચાલક પણ ત્યાંથી નીકળ્યો હતો. હાલ વન વિભાગ અને પોલીસે આ CCTV ફૂટેજ કબજે કરીને અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
મૃતક યુવક મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ તે એક ખાનગી કંપનીના બેલ્ટ પાસે આવેલા પાનના ગલ્લે પહોંચ્યો હતો. જ્યારે સિંહ હુમલાની ઘટના રાત્રે આશરે 3 વાગ્યે બની હોવાનું માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે પાનના ગલ્લાથી ઘટનાસ્થળ માત્ર 500 મીટર દૂર હતું. આ દરમિયાનના લગભગ બે કલાક યુવક ક્યાં હતો અને શું કરી રહ્યો હતો તે અંગે વન વિભાગ તપાસ કરી રહ્યો છે.
ADVERTISEMENT
વન વિભાગના ક્રોસ ચેકિંગ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારના સિંહોએ એક દિવસ અગાઉ જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. સામાન્ય રીતે આ વિસ્તારમાં સિંહો વાહનો અને લોકોની નજીકથી પસાર થતા રહે છે, પરંતુ માનવીઓ પર હુમલો કરવાના બનાવો ખૂબ ઓછા નોંધાયા છે. આવી સ્થિતિમાં આ યુવક પર હુમલો કેમ થયો તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે મૃતક યુવક રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ પણ આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ તમામ કડીઓને જોડીને વન વિભાગ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.
ADVERTISEMENT
અધિકારીનું કહેવું છે કે અમરેલી અને ભાવનગરની બન્ને ઘટનાઓ દુઃખદ છે. છેલ્લી સિંહ વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ 891 સિંહો નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 339 સિંહો માત્ર અમરેલી જિલ્લામાં વસે છે. સ્થાનિક લોકોના સહકારથી સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. વસ્તી વધતાં સિંહો હવે જંગલની બહારના વિસ્તારોમાં પણ વિચરણ કરતા થયા છે. રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી વિસ્તારને 'કોસ્ટલ કોરિડોર' તરીકે ઓળખવામાં આવે છે. ટેકનિકલ ભાષામાં તેને 'સેટેલાઇટ પોપ્યુલેશન-4' કહેવામાં આવે છે, જ્યાં અંદાજે 94 જેટલા સિંહો વસવાટ કરે છે. ઉદ્યોગોના વિકાસ સાથે આ વિસ્તારોમાં માનવ વસ્તી પણ વધી છે, જેના કારણે ક્યારેક આકસ્મિક દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.
રાજુલાના કોવાયામાં સિંહણે કરેલા યુવકના શિકારનો વીડિયો આવ્યો સામે#Lioness #Rajula #Kovaya #Gir #Wildlife #ViralVideo #VTVDigital pic.twitter.com/Q5ve6RChVK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 18, 2026
વન વિભાગના જણાવ્યા મુજબ સિંહ સામાન્ય રીતે માનવને પોતાનો ભક્ષ માનતો નથી. તેથી આ ઘટના અસામાન્ય ગણાઈ રહી છે. માત્ર આ ઘટનાના આધારે સિંહોને આદમખોર જાહેર કરી શકાય નહીં. હાલ ઘટનાસ્થળ નજીક રહેલા ચાર સિંહોને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલા અને ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) ચિરાગ અમીન સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ તપાસ માટે દોડી આવ્યા હતા. વન વિભાગ હાલ ચાર સિંહોના સેમ્પલ સાસણ મોકલી ચૂક્યો છે. રિપોર્ટ આવ્યા બાદ નક્કી થશે કે આ ચાર પૈકી કયો સિંહ હુમલામાં સંડોવાયેલો હતો. બીજી તરફ રાજ્ય સરકારે મૃતકના પરિવારને રૂ.10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
એક શ્રમિક યુવક પર સિંહના હુમલાનો બનાવ
આ ઘટના બાદ મહુવા વિસ્તારમાં પણ એક શ્રમિક યુવક પર સિંહના હુમલાનો બનાવ સામે આવ્યો છે. અમરેલીની ઘટનાની જેમ મહુવામાં પણ યુવકનું માત્ર માથું જ મળ્યું હતું. સતત બની રહેલી આ ઘટનાઓને કારણે વન વિભાગ વધુ સતર્ક બન્યું છે અને લોકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે ટોલ-ફ્રી નંબર 1926 પર જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. રાજુલા અને જાફરાબાદ પંથકના વિવિધ ઉદ્યોગ વિસ્તારો જેમ કે બાબરકોટ નર્મદા સિમેન્ટ, સિન્ટેક્સ, કોપર કંપની, સ્વાન એનર્જી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને પીપાવાવ પોર્ટ આસપાસ પણ સિંહોની અવરજવર જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રહેતા હોવાથી વન વિભાગ દ્વારા સતત જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.