BJP MLAs in the Assembly and BJP ministers became the ruling party
સાહેબ, વાત મળી છે /
વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો વિપક્ષીઓ તો BJPના મંત્રીઓ શાસક પક્ષ બન્યા!
Team VTV07:20 PM, 19 Mar 20
| Updated: 07:24 PM, 19 Mar 20
રાજ્યસભા ચૂંટણીના માહોલમાં વિધાનસભા ગૃહની ચર્ચાઓ શુસ્ક બની છે. એમાં પણ અધુરામાં પુરૂ વિપક્ષના સભ્યો જ ના હોવાથી જાણે શાસક પક્ષના સભ્યોને એકલું લાગતું હોય તેવું દેખાય છે. વિધાનસભામાં ધારાસભ્યો જાણે ટાઈમ પાસ કરવાં આવતાં હોય તેમ અને અધિકારીઓ ગપ્પા મારવા આવતાં હોય તેવું વાતાવરણ બની ગયું છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરનાર ભાજપના ધારાસભ્યોને જ હવે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો વગર એકલું લાગે છે.
હાલ વિપક્ષના ધારાસભ્યોની ગેરહાજરીના કારણે ભાજપના ધારાસભ્યોને એક ફાયદો એ થયો છે કે, તેમને પ્રશ્ન પૂછવાની તક મળી રહી છે. માંગણીઓની ચર્ચા પર બોલવાનો વધુ સમય મળી રહ્યો છે. પરંતુ છેલ્લા બે દિવસથી એવું થઈ રહ્યું છે કે, મોટાભાગના ભાજપના ધારાસભ્યો માંગણીઓની ચર્ચા હોય કે, પછી પ્રશ્નોત્તરી કાળ, કામો થતા નથી તેવી હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. કોંગ્રેસની રાજકીય ટીકા કરી ભાજપના ધારાસભ્યો હળવેકથી પોતાના મત વિસ્તારોમાં બાકી કામો ક્યારે થશે તેવો બળાપો રજૂ કરી રહ્યા છે.
જો કે વિધાનસભાનો આ ઘટનાક્રમ જોઈને તો એવું લાગે છે કે ભાજપના ધારાસભ્યો અને મંત્રી સામ-સામા પક્ષે છે. જાણે ભાજપના ધારાસભ્યો મંત્રીઓ સામે એવી દલીલો કરે છે કે ધારાસભ્યો વિપક્ષીઓ હોય અને મંત્રીઓ શાસક પક્ષના હોય. કામની વાત સાથે મંત્રી પાસેથી જવાબો કઢાવવામાં પણ રાહ જોતા નથી.
અધ્યક્ષે નીતિન પટેલને સંભળાવી દીધું કે, હયાત તળાવ કોને કહેવાય મને ખબર છે
વિપક્ષ ગેરહાજર હોવાથી ભાજપના ધારાસભ્યો જ નહીં પરંતુ મંત્રીઓ પણ જાણે રિલેક્સ મોડમાં હતા. એટલી હદે કે, ધારાસભ્ય શંભુજી ઠાકોરે સવાલ પૂછ્યો તો, પાંચ મિનીટ સુધી કોઈ મંત્રી જવાબ આપવા જ ઉભા થયા ન હતાં. બધા મંત્રી એકબીજાની સામે જ જોતા રહ્યા હતાં. આખરે નીતિનભાઈ સામે જોઈને અન્ય મંત્રીએ કહ્યું સાહેબ, તમારો પ્રશ્ન છે.
આવું સાંભળતા જ નીતિન પટેલ સફાળા જાગીને, ગોળ ગોળ જવાબ આપવા માંડયા હતા. ત્યારે અધ્યક્ષે રીતસર કહી દીધું કે, નીતિનભાઈ, મને ખબર છે હયાત તળાવ કોને કહેવાય. આ સાંભળીને નીતિનભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા.