બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'આજે ટેક્સી ઘર-ઘર સુધી પહોંચી', ગાંધીનગરમાં અમિત શાહે ‘ભારત ટેક્સી’નો શુભારંભ કરાવ્યો
Last Updated: 02:33 PM, 27 June 2026
ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી સહકારી મોડલ આધારિત 'ભારત ટેક્સી' સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આ સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના એરપોર્ટ તેમજ વિવિધ સરકારી સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પણ કરવામાં આવ્યા હતા. ભારત ટેક્સીના સીઈઓએ વડોદરા એરપોર્ટ, અદાણી એરપોર્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), GETCO, અમદાવાદ પોલીસ, રાજકોટ એરપોર્ટ અને સુરત એરપોર્ટ ઓથોરિટી સહિતની સંસ્થાઓ સાથે કરાયેલા કરારોની માહિતી આપી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન કેટલાક ટેક્સી ડ્રાઈવરોએ ખાનગી ટેક્સી વાહનોને પણ આ સહકારી મોડલમાં સામેલ કરવાની માંગ કરી હતી. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે ભારત ટેક્સી શરૂ કરવાનો મુખ્ય હેતુ મુસાફરો અને ડ્રાઈવરો બંનેનું શોષણ અટકાવવાનો છે. ખાનગી એપ આધારિત ટેક્સી સેવાઓમાં ભારે કમિશન વસૂલાત, ડ્રાઈવરોને સમયસર મહેનતાણું ન મળવું અને રજિસ્ટ્રેશન સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ સહકારી મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે "અહીં ડ્રાઈવર નહીં પરંતુ 'સારથિ' હશે અને તે માત્ર સેવા આપનાર નહીં પરંતુ સહકારી સંસ્થાનો માલિક પણ હશે."

ADVERTISEMENT
અમિત શાહે જણાવ્યું કે ભારત ટેક્સીના ત્રણ મુખ્ય ઉદ્દેશ છે – સારથિ અને ગ્રાહકનું શોષણ અટકાવવું, સારથિને સન્માન સાથે માલિકી આપવી અને સુરક્ષા સાથે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી. હાલમાં દેશભરમાં 7 લાખથી વધુ સારથિઓ આ સહકારી સંસ્થાના સભ્ય બની ચૂક્યા છે અને 37 લાખથી વધુ લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી બે વર્ષમાં મુંબઈ, નાગપુર, જયપુર, કોલકાતા સહિત દેશના 500 નાના-મોટા શહેરો અને ગામડાઓમાં 2 વ્હીલર અને 4 વ્હીલર સેવા શરૂ કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે ભારત ટેક્સીના આગમન બાદ ખાનગી કંપનીઓએ પણ પોતાના ભાડામાં ઘટાડો કરવાની શરૂઆત કરી છે.
ADVERTISEMENT
CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે સહકારિતા ગુજરાતની ઓળખ છે અને ભારત ટેક્સી માત્ર નવી ટેક્સી સેવા નહીં પરંતુ આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતી મહત્વપૂર્ણ પહેલ છે. અત્યાર સુધી ખાનગી કંપનીઓમાં નિશ્ચિત આવક પર કામ કરતા ડ્રાઈવરો હવે સહકારી મોડલ હેઠળ નફામાં પણ ભાગીદાર બનશે. ભારત ટેક્સીની એપ નવેમ્બર મહિનાથી હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થશે. ડ્રાઈવરને દરેક રાઈડની કમાણીનો 100 ટકા હિસ્સો મળશે અને માત્ર દૈનિક, સાપ્તાહિક અથવા માસિક સભ્ય ફી ચૂકવવી પડશે. મહિલા સારથિઓ માટે ખાસ તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે અને વર્ષ 2030 સુધીમાં 15,000 મહિલા સારથિઓ જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભારત ટેક્સીના ભાડાની સરખામણીમાં પણ આ સેવા સ્પર્ધાત્મક હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટથી ઇસ્કોન મંદિર સુધી ભારત ટેક્સીનું ભાડું 271 રૂપિયા નોંધાયું, જ્યારે ઉબેરમાં 446 રૂપિયા, ઓલામાં 354 રૂપિયા અને રેપિડોમાં 531 રૂપિયા હતું. ગીતામંદિર બસ સ્ટેન્ડથી ઇસ્કોન મંદિર સુધી ભારત ટેક્સીનું ભાડું 175 રૂપિયા નોંધાયું, જ્યારે કાલુપુર રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર સુધી માત્ર 190 રૂપિયા હતું. બંને રૂટ પર ભારત ટેક્સીનું ભાડું અન્ય ખાનગી કેબ સેવાઓની તુલનામાં ઓછું જોવા મળ્યું. આથી સ્પષ્ટ થાય છે કે મુસાફરોને સસ્તું ભાડું અને ડ્રાઈવરોને વધુ આવક આપવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી ભારત ટેક્સી ભવિષ્યમાં દેશના મોબિલિટી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.