સુરતની શાળામાં શિક્ષકો પર થયા મોટા આક્ષેપ, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ મસ્તી કરતા ધોરણ 7ના 15 વિદ્યાર્થીઓને શિક્ષકોએ માર માર્યો હોવાનો આક્ષેપ
સુરતના ખોલવડ ગામે શિક્ષક ભાન ભૂલ્યા
વિદ્યાર્થીને માર્યો ઢોર માર
દેવર્ષિ પાઠશાળામાં બની ઘટના
વિદ્યાર્થીઓના જીવનના ઘડતરમાં શિક્ષકોનો ફાળો અમૂલ્ય હોય છે. માતા પિતા બાદ શિક્ષક તરફથી વિદ્યાર્થીઓને સાચુ જ્ઞાન આપવામાં આવે છે. શિક્ષકને ગુરુની ઉપાધિ આપવામાં આવી છે પરંતુ શિક્ષક જ જ્યારે હેવાન જેવુ કૃત્ય કરે તો પછી કહેવુ કોને ? સુરતના ખોલવડ ગામે શિક્ષક સામે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ.
વિદ્યાર્થીઓને સ્ટીલની પાઇપ વડે શિક્ષકે ફટકાર્યા
સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ઘમ ઘમ. આ યુક્તિ તો સાચી પરંતુ બાળકને એવો પણ માર ન મારવો જોઇએ કે તેને ભણતર અને શિક્ષક પ્રત્યે નફરત થવા લાગે. ખોલવડ ગામે શિક્ષકોએ ધોરણ 7ના વિદ્યાર્થીઓને સ્ટીલની પાઇપ વડે ફટકાર્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કરતા ચકચાર મચી છે. 15 જેટલા વિદ્યાર્થીઓને સ્ટીલની પાઇપથી માર માર્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. ખોલવડની દેવર્ષિ પાઠશાળાની આ ઘટના છે.
શિક્ષકો વિદ્યાર્થીઓને લિપસ્ટિક લગાવે છે-વાલીઓ
આટલુ ઓછુ હોય તેમ વાલીઓએ એવા પણ આક્ષેપ કર્યા છે કે શિક્ષકો વિદ્યાર્થીને લિપસ્ટિક પણ કરે છે. વાલીઓનું કહેવુ છે કે વર્ગમાં મજાક મસ્તી કરતા હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષકો આ પ્રકારે માર મારે છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ શાળામાં મજાક મસ્તી અને તોફાન કરે પરંતુ એક શિક્ષક તરીકે ફરજમાં આવે છે કે આ હજી બાળકો છે. સ્ટીલની પાઇપો વડે માર ન મરાય. જો કે સમગ્ર ઘટનાને લઇને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.