લો બોલો! 32 વર્ષનો અમદાવાદી યુવાન 81 વર્ષનો ભાભો બનીને અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે એરપોર્ટ ઓથોરીટીએ ઝડપી પાડ્યો હતો. નવી દિલ્હીથી ન્યૂયોર્ક જવા ઉપડેલા આ બહુરુપીયાની પોલ ખુલતાં જ તે સિયાંવિયા થઈ ગયો હતો. હમસકલમાં ઘણા લોકો અહીંથી વિદેશ જવામાં સફળ થઈ જાય છે પણ આ યુવાને તો સાવ વેશપલટો કરીને જવાની કોશીશ કરી હતી.
અમદાવાદનો જયેશ પટેલ નામના યુવાને અદ્લો અદ્લ બુઢા ભાભા જેવી વેશભૂષા ધારણ કરીને એરપોર્ટ ઓથોરિટીને ચકમો આપવાની કોશિશ કરી હતી પરંતુ તે પોતાની યુવા ચામડીને મેકઅપના ઓથા તળે છુપાવી શક્યો ન હતો અને આબાદ ઝડપાઈ ગયો હતો.
શું હતી આખી ઘટના?
નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક 32 વર્ષનો યુવાન વ્હીલચેરમાં બેસીને એરપોર્ટ આવ્યો હતો. આ યુવકે આબેહૂબ 81 વર્ષના દાદા જેવો વેશ ધારણ કર્યો હતો. વાળ, દાઢી, ચશ્મા, પાઘડી અને કપડાં તમામ અસલ વૃધ્ધ જેવું હતુ. પણ સમયની થપાટે ચહેરા ઉપર ઉપસેલી કરચલીઓ યુવક છુપાવી નહોતો શક્યો યુવક ચહેરા પર નકલી કરચલીઓ બનાવી નહોતો શક્યો અને છેવટે ચામડીના કારણે ઝડપાઈ ગયો.
ક્યારે બની ઘટના?
8મી સપ્ટેમ્બર રવિવારે રાતે 8 વાગ્યા આસપાસ નવી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ટર્મિનલ-3 ઉપર જયેશ વૃદ્ધ બનીને ગયો હતો. તે રાત્રે પોણા અગિયારની ફ્લાઈટમાં ન્યૂયોર્ક ઉડી જવાનો હતો. ત્યારે સિક્યોરિટી ઈન્સ્પેક્ટરે તેને મેટલ ડિટેક્ટર ક્રોસ કરવાનું કહ્યું, પરંતુ તે વડિલ ચાલવાનું તો દૂર, સીધો ઊભા પણ રહી શકતા નહોતા.
વાતચીતમાં તેણે અવાજ ભારે રાખવાનો પ્રયાસ કર્યો અને છેવટે નજર બચાવવા લાગ્યો. આ દરમિયાન તેની ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ કારણ કે, આટલા વૃદ્ધ માણસની ચામડી યુવાન જેવી હતી. એટલે તેનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો, પરંતુ તેમાં બધુ બરાબર હતું. પાસપોર્ટમાં તેનું નામ અમરીક સિંહ અને જન્મ તારીખ 1 ફેબ્રુઆરી, 1938 હતી. છેવટે તેની સઘન પૂછપરછ કરતા ખબર પડી કે, તે વૃદ્ધ નથી પણ યુવાન છે. બાદમાં તેણે પોતાનું સાચું નામ જયેશ પટેલ કહ્યું હતું. આ યુવક અમદાવાદનો 32 વર્ષીય યુવક છે. તુરંત જ તેને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટને હવાલે કરી દેવાયો હતો.
ભાભો કેમ બન્યો?
જ્યારે જયેશને પૂછવામાં આવ્યું કે તેણે આવું શું કામ કર્યુ તો તેમાં તેનો વિદેશપ્રેમ છતો થયો હતો. જયેશ કોઈપણ ભોગે અમેરિકા જવા માંગતો હતો તેણે હમસકલમાં પાસપોર્ટ વેચનારા પાસેથી 81 વર્ષના ભાભાનો પાસપોર્ટ ખરીદીને તેના જેવો વેશ બનાવી અમેરિકા જવાની કોશિશ કરી હતી.