બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ધોધમાર વરસાદ, HSRP પ્લેટ તણાઈ, પાણી ભરાવાથી વાહનો બંધ, ટ્રાફિક અને જનજીવન પ્રભાવિત

વરસાદ / અમદાવાદમાં ધોધમાર વરસાદ, HSRP પ્લેટ તણાઈ, પાણી ભરાવાથી વાહનો બંધ, ટ્રાફિક અને જનજીવન પ્રભાવિત

Published By: Vishal Khamar

Last Updated: 01:04 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનો બંધ પડ્યા, HSRP નંબર પ્લેટ ગુમ થઈ, કેબ ભાડાં વધ્યાં અને ડિલિવરી સેવા પ્રભાવિત થઈ. વરસાદની સંપૂર્ણ અસર જાણો.

ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનો અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. દર વર્ષે જોવા મળતી સમસ્યાની જેમ આ વખતે પણ હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) વાહનચાલકો માટે નવી મુશ્કેલી બની હતી. પાણીના જોરદાર પ્રવાહમાં અનેક વાહનોની આગળની HSRP નીકળી ગઈ અને વરસાદી પાણીમાં તણાઈ ગઈ. સંખ્યાબંધ વાહનચાલકોને પાણી ઊતર્યા બાદ પોતાની નંબર પ્લેટ ગુમ થયાની જાણ થઈ હતી, જેના કારણે વાહન ચલાવવામાં તેમજ નવી HSRP મેળવવાની પ્રક્રિયામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણીમાં તરતી નંબર પ્લેટો પણ જોવા મળી હતી, જેથી દર ચોમાસામાં સર્જાતી સમસ્યાનું ફરી એક વાર પુનરાવર્તન બન્યું છે.

વરસાદમાં વાહનો ખરાબ થતાં ગેરેજ માલિકોને ધૂમ કમાણી

અમદાવાદમાં વરસેલા વરસાદમાં ટુ વ્હીલર, કાર અને અન્ય વાહનો પાણીમાં બંધ પડી જતાં ગેરેજ સંચાલકોને ધૂમ કમાણી થઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વાહનો રસ્તા પર જ બંધ પડી જતાં લોકોને ટોઇંગ કરીને ગેરેજ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. વરસાદ બાદ ગેરેજમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા ગેરેજ સંચાલકોએ વાહન રિપેરિંગ, એન્જિન સર્વિસિંગ અને ટોઇંગના નામે મનફાવે તેવા ભાવ વસૂલ્યાની ફરિયાદો પણ સામે આવી હતી. સામાન્ય દિવસોની સરખામણીએ અનેક વાહનચાલકોને હજારો રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડ્યો હતો. વરસાદી આફત વચ્ચે વાહનચાલકો માટે એક તરફ વાહન ખરાબ થવાની મુશ્કેલી ઊભી થઈ, બીજી તરફ ગેરેજના વધારાના ખર્ચે તેમની પરેશાનીમાં વધારો કર્યો હતો.

વરસાદમાં ગીગ વર્કર્સે ડિલિવરી સેવા બંધ રાખી હતી

ધોધમાર વરસાદ અને શહેરભરમાં પાણી ભરાવાના કારણે ફૂડ, ગ્રોસરી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની ઓનલાઈન ડિલિવરી સેવા પણ ભારે પ્રભાવિત થઈ હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં સ્વિગી, ઝોમેટો સહિત વિવિધ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મના ગીગ વર્કર્સે ડિલિવરી સેવા અસ્થાયી રીતે બંધ રાખી હતી, પરિણામે હજારો ગ્રાહકોના ફૂડ અને ગ્રોસરીના ઓર્ડર રદ થયા અથવા લાંબા સમય સુધી પેન્ડિંગ રહ્યા હતા. ઘણા વિસ્તારોમાં એપ પર સર્વિસ ઉપલબ્ધ નથી અથવા ડિલિવરી પાર્ટનર ઉપલબ્ધ નથી જેવા સંદેશા જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ શહેરનો ઓનલાઈન વેપાર પણ એક દિવસ માટે લગભગ ઠપ થઈ ગયો હતો.

વરસાદમાં કેબનાં ભાડાં આસમાને, મુસાફરો પાસેથી મનફાવે તેવા ચાર્જ વસૂલાયા

ધોધમાર વરસાદ અને શહેરભરમાં પાણી ભરાવાના કારણે જાહેર પરિવહન વ્યવસ્થા પ્રભાવિત થતાં કેબ સેવાઓની માગમાં અચાનક વધારો થયો હતો. આ સ્થિતિનો લાભ ઉઠાવી અનેક ઉબેર, ઓલા સહિતની કેબ સેવાઓમાં સરજ પ્રાઇસિંગના કારણે ભાડાં અનેકગણાં વધી ગયાં, જ્યારે કેટલાક ખાનગી વાહનચાલકોએ પણ મનફાવે તેવા ભાવ વસૂલ્યા હતા. અનેક મુસાફરોએ સામાન્ય દિવસોની સરખામણીએ બમણાં-ત્રણ ગણાં ભાડાં ચૂકવ્યાં હોવાની ફરિયાદ કરી હતી. કેટલાક રૂટ પર કેબ મળવી પણ મુશ્કેલ બની ગઈ હતી. ભારે વરસાદ વચ્ચે એક તરફ રસ્તા પાણીમાં ગરકાવ હતા, બીજી તરફ વધેલાં ભાડાંના કારણે લોકોને આર્થિક બોજ પણ સહન કરવો પડ્યો હતો. શહેરમાં વરસાદે પરિવહન વ્યવસ્થા સાથે મુસાફરોનાં ખિસ્સાં પર પણ સીધી અસર કરી હતી.

સિવિલ હોસ્પિટલ આસપાસ પાણી ભરાતાં દર્દીઓ પરેશાન થયા

ધોધમાર વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ આસપાસના રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જતાં દર્દીઓ અને તેમનાં સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે ઈમર્જન્સી સહિતના દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ખાસ કરીને ૧૨૦૦ બેડ હોસ્પિટલ પાસે સૌથી વધુ પાણી ભરાતાં વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી. એમ્બ્યુલન્સ સહિતનાં વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જતાં દર્દીઓ અને તેમનાં પરિવારજનો ભારે પરેશાન બન્યાં હતાં. વરસાદી સ્થિતિ વચ્ચે સારવાર માટે આવતા દર્દીઓને પાણીમાંથી પસાર થઈ હોસ્પિટલ પહોંચવાની ફરજ પડી હતી, જેના કારણે આરોગ્યસેવા સુધી પહોંચવું પણ એક પડકાર બની ગયું હતું.

વરસાદી વિપદામાં વર્ક ફ્રોમ હોમ બન્યું રાહત

ધોધમાર વરસાદ અને શહેરભરમાં પાણી ભરાવાની સ્થિતિના કારણે અનેક ખાનગી કંપનીઓ અને આઈટી સંસ્થાઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી. રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક જામ અને વાહનવ્યવહાર ખોરવાતાં કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ઓફિસે પહોંચવાના બદલે ઘરેથી જ કામ કરવાની સૂચના આપવામાં આવી હતી. ઘણા કર્મચારીઓએ આખો દિવસ ઘરેથી ઓનલાઈન કામ કરીને ઓફિસનું કાર્ય ચાલુ રાખ્યું હતું. વરસાદના કારણે શહેરમાં જનજીવન પ્રભાવિત બન્યું હોવા છતાં અનેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમના વિકલ્પથી કામગીરીને અસર થવા દીધી નહોતી. ભારે વરસાદ વચ્ચે હજારો કર્મચારીઓ માટે આ વ્યવસ્થા રાહતરૂપ સાબિત થઈ હતી.

મુશ્કેલી સામે પોલીસ-કોર્પોરેશનનું સંયુક્ત ઓપરેશન

વરસાદ વચ્ચે નાગરિકોને મુશ્કેલી ના પડે તે માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના તમામ ઝોનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. જે સ્થળે વૃક્ષ ધરાશાયી થયાં ત્યાં કોર્પોરેશનની ટીમે તાત્કાલિક પહોંચી તેને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો, બીજી તરફ જ્યાં પાણીમાં વાહનો ફસાયાં અથવા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ત્યાં પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચી વાહનચાલકોને મદદ કરી હતી. ઉપરાંત પાણી ભરાયેલા વિસ્તારોમાં ટ્રાફિક ડાઈવર્ઝન, બેરિકેડિંગ અને સુરક્ષાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બંને વિભાગો વચ્ચેના સતત સંકલનના કારણે અનેક સ્થળોએ સ્થિતિ ઝડપથી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વરસાદની મોજ સાથે સેવાનો જુસ્સો, યુવાઓ બન્યા રાહતદૂત

ધોધમાર વરસાદ વચ્ચે એક તરફ યુવાનો વરસાદની મજા માણી રહ્યા હતા, બીજી તરફ અનેક સ્થાનિક યુવાઓ લોકોની મદદ માટે સ્વયંભૂ મેદાનમાં ઊતરી આવ્યા હતા. હેલ્મેટ સર્કલ, સરદાર પટેલ સ્ટેડિયમ નજીક, ૧૩ર ફૂટ રિંગ રોડ સહિત જ્યાં-જ્યાં પાણી ભરાયાં હતાં ત્યાં સ્થાનિક યુવકોએ વાહનચાલકોની મદદ શરૂ કરી દીધી હતી. પાણીમાં બંધ પડી ગયેલાં ટુ વ્હીલર અને કારને બહાર કાઢવામાં, વાહનચાલકોને ધક્કો મારવામાં તેમજ વૃદ્ધો અને મહિલાઓને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવવામાં યુવાનો આગળ આવ્યા હતા. કોઈ સત્તાવાર જવાબદારી વગર માત્ર માનવતાના ભાવથી સેવા આપતા આ યુવાઓએ વરસાદી સંકટ વચ્ચે સમાજને સહકાર અને સંવેદનાનો સુંદર સંદેશ આપ્યો હતો. તેમની કામગીરીના કારણે અનેક વાહનચાલકોને સમયસર રાહત મળી હતી.

આ પણ વાંચોઃ નવસારીમાં પૂરની વિનાશલીલા, આર્મીથી લઈને રાહત કેમ્પ સુધીની તસવીરોમાં સમગ્ર સ્થિતિ

જોખમ વચ્ચે પણ રિવરફ્રન્ટ સહેલાણીઓ આવ્યા

ધોધમાર વરસાદ છતાં અનેક લોકો જોખમ લઈને રિવરફ્રન્ટના વોકવે પર ફરવા માટે પહોંચી ગયા હતા. વરસાદની મજા માણવા યુવાનો, બાળકો અને પરિવારો મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ પર ઊમટી પડ્યા હતા. ભારે વરસાદ વચ્ચે લોકો સેલ્ફી લેતા, વીડિયો બનાવતા અને વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા હતા, જોકે નદીનું જળસ્તર અને લપસણા રસ્તાઓના કારણે આવી હરકત જોખમી સાબિત થઈ શકે તેમ હોવા છતાં અનેક લોકોએ સાવચેતીને અવગણી હતી, બીજી તરફ સુરક્ષા કર્મચારીઓ અને તંત્ર દ્વારા લોકોને જોખમી વિસ્તારોમાં ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. વરસાદી માહોલનો આનંદ લેવા લોકો મોટી સંખ્યામાં પહોંચતાં રિવરફ્રન્ટ પર રજાના દિવસ જેવો માહોલ જોવા મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad heavy rainfall Ahmedabad rain news Ahmedabad waterlogging

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ