બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / હૃદયને સ્પર્શ કરી જતી, મનને મોજ પાડી દેતી, પેટમાં વળ પાડી દેતી ફિલ્મ એટલે ‘અજબ રાતની ગજબ વાત’
Vishal Dave
Last Updated: 11:40 AM, 15 November 2024
Ajab Raat Ni Gajab Vaat REview:ફિલ્મ 'અજબ રાતની ગજબ વાત'માં એ બધું જ છે, જે એક દર્શક બસ્સોથી ત્રણસો રૂપિયાની ટિકિટ ખર્ચીને સિનેમાઘરમાં જતો હોય ત્યારે ઇચ્છતો હોય છે, મજબૂત વાર્તા, સુંદર પ્રેઝન્ટેશન, ચોટદાર સંવાદો, ભરપૂર કોમેડી અને દિલને સ્પર્શ કરી જતા દ્રશ્યો. ટીવી સ્ક્રિનનો નાનકડો ટપુ એટલે કે ભવ્ય ગાંધી 'પપ્પા તમને નહીં સમજાય'ના ટીનએજ બોયથી એક સ્ટેપ આગળ વધીને હવે રોમેન્ટિક હીરો બની ચૂક્યો છે, આરોહીની સાથે મળીને તેણે ફિલ્મના પહેલા દ્રશ્યથી લઇ અંતિમ દ્રશ્ય સુધી દર્શકોના ચહેરા પર એક મીઠુ સ્મિત છવાયેલું રાખ્યું છે. વચ્ચે-વચ્ચે ક્યાંક ખડખડાટ હસવું પણ આવશે અને ક્યાંક આંખોના ખૂણા ભીના પણ થઇ જશે.
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા જોઇએ તો કાર્તિક(ભવ્ય) એક સોશિયલ મીડિયા સ્ટાર છે. જેના લાખ્ખો ફોલોઅર્સ છે, જેનું કામ છે પ્રેમિકાઓની પોલ ખોલીને પ્રેમીઓને એ વાતની ખાત્રી કરાવવાનું કે બધી છોકરીઓ એક જેવી જ હોય છે, તે હંમેશા પોતાના પ્રેમી સાથે બેવફાઇ જ કરતી હોય છે, મિત્રો માટે કંઇપણ કરવા તૈયાર કાર્તિક પોતાના મિત્ર નિલય (હર્ષ ઠક્કર)ને તેનો પ્રેમ અપાવવા માટે પ્રેમિકા કિંજલ(રાધિકા બારોટ)ને લગ્ન મંડપમાંથી ઉઠાવવા તૈયાર થઇ જાય છે. આ કામમાં તેમનો અન્ય એક મિત્ર તન્મય (દીપ વૈદ્ય) પણ સાથે હોય છે, પરંતુ થાય છે એવું કે જે છોકરીને ઉઠાવવાની હોય છે તેના બદલે તેઓ કોઇ બીજી જ છોકરી જેનું નામ પ્રણાલી છે(આરોહી)ને ઉઠાવી લે છે, અને જોગાનુંજોગ પ્રણાલી પણ એ દિવસે તેના પ્રેમી સાથે ભાગવાની ફિરાકમાં જ હોય છે. હવે કાર્તિક અને તન્મય પાસે નિલયની પ્રેમિકાને ઉઠાવતા પહેલા પ્રણાલીને તેના પ્રેમી સુધી પહોંચાડવાની જવાબદારી આવી જાય છે. શું થાય છે જ્યારે પ્રણાલી તેના પ્રેમી પાસે પહોંચે છે? કઇ રીતે કાર્તિક માટે તેના હૃદયના એક ખૂણામાં કૂણી લાગણીઓ જાગે છે? આ સવાલોના જવાબ મેળવવા તમારે આ ફિલ્મ જોવી પડશે.
ફિલ્મનું સંગીત અને નિર્દેશન
ફિલ્મનાં સંગીતની વાત કરીએ તો સંગીત કુશલ ચોકસીનું છે, ફિલ્મનું ગીત સાંવરિયા વારંવાર સાંભળવું ગમે તેવું છે. તમને આફરીન કરીને તાળીઓ પાડવા પર મજબુર કરી દે તેવા જબરજસ્ત સંવાદો ત્રણ રાઇટર્સે સાથે મળીને લખ્યા છે પ્રેમ ગઢવી, અદિતી વર્મા અને નિકિતા શાહ. ફિલ્મમા દિગ્દર્શનની વાત કરીએ તો પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમારે એક-એક દ્રશ્ય પાછળ ખૂબ મહેનત કરી હોય તેવું સ્પષ્ટ જણાઇ આવે છે. કિલ્લોલ પરમારે 'ઇન્ટરવ્યૂ' મૂવી બાદ ફરી એકવાર એ વાત સાબિત કરી કે તેઓ કલાકાર પાસેથી તેનું 100 ટકા કૌશલ્ય કઢાવવામાં માહેર છે.
આ પણ વાંચો: 'ધ સાબરમતી રિપોર્ટ'ની દર્દનાક કહાની, હકીકત જાણી દર્શકોના રૂંવાડા ઊભા થઈ ગયા, જુઓ ફર્સ્ટ રિવ્યૂ
અભિનય
અભિનયની વાત કરીએ તો ભવ્ય ગાંધી લાજવાબ છે. આ ફિલ્મ જોયા પછી આપ ભવ્યને જ્યારે પણ યાદ કરશો ત્યારે ટપુ તરીકે નહીં, પરંતુ કાર્તિક તરીકે યાદ કરશો. અને આરોહીની વાત કરીએ તો આરોહી અતુલનીય છે..આરોહીએ ફરી એકવાર પૂરવાર કરી દીધુ છે કે તેની સફળતા કોઇ ચમત્કારનું નહીં પરંતુ તેની શાનદાર અભિનય ક્ષમતાનું પરિણામ છે. તે જ્યારે-જ્યારે લાંબા- અસરકારક સંવાદો બિલકુલ સહજતાથી તેની આગવી છટાદાર શૈલીમાં બોલે છે ત્યારે સિનેમાઘર તાળીઓથી ગુંજી ઉઠે છે. ફિલ્મમાં કાર્તિક અને નિલયના મિત્ર તન્મયના રોલમાં દીપ વૈદ્ય તેના કોમિક ટાઇમિંગથી આપનું દિલ જીતી લેશે.. કિંજલના પિતાના રોલમાં ભરત ઠક્કર જેવા દિગ્ગજ કલાકાર છે.. જેમનો રોલ તો ખૂબ નાનો છે, પરંતુ ઓછા સંવાદોવાળી ભૂમિકામાં માત્ર ચહેરાના એક્સપ્રેશનથી જ એ તમને બતાવી આપશે કે શા માટે ભરત ઠક્કરને અભિનયના બાદશાહ કહેવાય છે.
સમગ્ર ફિલ્મ વિશે જો એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે ખુબજ સુંદર ગુજરાતી ફિલ્મ છે, આ જોયા પછી આપ ચહેરા પર અજબના સ્મિત અને ગજબની ખુશી સાથે સિનેમાઘરમાંથી બહાર આવશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.