Amreli viral video: અમરેલી પંથકમાં અવારનવાર વનરાજ લટાર મારતા જોવા મળતા હોય છે, ક્યારેક એકલા તો ક્યારેક સહપરિવાર રસ્તા પર લટાર મારતા જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ તેના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. એવામાં જંગલના રાજાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. પાણીની શોધમાં મંદિર ખાતે સિંહ પરિવાર આવી ચડતા સીસીટીવી કેમેરામાં દૃશ્યો કેદ થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સંતના સાનિધ્યમાં પહોંચ્યો સિંહ પરિવાર
અમરેલીના ખાંભા ગીરના ખડાધાર નજીક સિંહનું ટોળું તરસ છીપાવવા પહોંચ્યું હતું. ખડાધાર નજીક આવેલા સંત હકાબાપાના મંદિર તરીકે પ્રખ્યાત જગ્યા પર સિંહ પરિવાર આવી પહોંચ્યો હતો. જ્યાંના સીસીટીવી કેમેરામાં સિંહ પરિવાર કેદ થયો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મંદિરના પરિસરમાં રાખવામાં આવેલા પાણી ભરેલા ટબમાં એકીસાથે 5 સિંહબાળ અને 2 સિંહણ તૃષા છીપવતી નજરે પડી રહી છે. ધોળાદિવસે સિંહનું ટોળું પાણીની તરસ છીપવવા સંત હકાબાપાના મંદિર ખાતે પહોંચતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પાણી પીતાં સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.