A tram in Poland named after late Jam Saheb Digvijaysinhji Jadeja of Jamnagar
ગૌરવ /
જામનગરના રાજવીની મદદને પોલેન્ડ આજે પણ નથી ભૂલ્યું, નવી શરૂ થયેલી ટ્રામનું નામ અપાયું 'ડોબરી મહારાજા'
Team VTV08:46 PM, 03 Jun 22
| Updated: 09:55 PM, 03 Jun 22
જામનગરના ઠાકોર સાહેબ જામ દિગ્વિજયસિંહની દરિયાદિલીને આજે પણ નથી ભૂલી શક્યું પોલેન્ડ, તાજેતરમાં શરૂ કરાયેલી ટ્રામનું રાજવીના નામ પર કરાયું નામકરણ. ગુજરાત માટે ગૌરવાન્વિત કરતી ઘટના.
જામનગરના રાજવીની મદદને આજેપણ નથી ભૂલ્યું પોલેન્ડ
ટ્રામનું નામ કરણ થયું ડોબરી મહારાજા
પોલેન્ડવાસીઓએ ચૂકવ્યું ઋણ
ગુજરાતના રાજવીઓની દરિયાદિલી આજે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી છે, ભાવનગર નરેશ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હોય કે પછી જામનગરના ઠાકોર સાહેબ જામ દિગ્વિજયસિંહ. આ બંન્ને રાજવીઓના પરાક્રમને લીધે આજે વિશ્વ ફલક પર પણ ગુજરાતનું નામ ગૌરવથી લેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહજી દ્વારા પોલેન્ડવાસીઓની કરવામાં આવેલી મદદને યાદ રાખીને પોલેન્ડમાં તાજેતરમાં જ શરૂ થયેલી એક ટ્રામનું નામ કરણ જામનગરના ઠાકોર સાહેબ જામ દિગ્વિજયસિંહ કરવામાં આવ્યું છે.
A tram in Poland named after late Jam Saheb Digvijaysinhji Jadeja of Jamnagar.
આપને જણાવી દઇએ કે, પોલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભારતીય રાજદૂત નગમા મલિક અને વ્રોકલોવના મેયર જેસેફ સુત્રિકે ઈંડિયા એટ ટ્રામ-ડોબરી મહારાજા નામથી ઉદ્ઘાટન કર્યું હતું. પોલેન્ડમાં જામનગરના પૂર્વ મહારાજા જામ દિગ્વિજયસિંહને ડોબરી મહારાજાના નામથી ઓળખવામાં આવે છે. પોલેન્ડની ભાષામાં ડોબરીનો અર્થ સારું થાય છે.
વાત છે બીજા યુદ્ધ વખતની...
હકીકતમાં દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો, જર્મન તાનાશાહ હિટલર અને સોવિયત રશિયાના તાનાશાહ સ્ટાલિનની વચ્ચે ગઠબંધન થયું. જર્મન અટેકના 16 દિવસ બાદ સોવિયત સેનાએ પોલેન્ડ પર આક્રમણ કર્યું, બંને દેશોનું પોલેન્ડ પર કબ્જો ન થાય ત્યાં સુધી તબાહી થઈ. હજારો સૈનિકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં બાળકો અનાથ થઈ ગયા. તે બાળકો કેમ્પમાં અત્યંત અમાનવીય હાલતમાં જીવવા માટે મજબૂર બન્યા. બે વર્ષ બાદ 1941માં રશિયાએ કેમ્પ ખાલી કરવાનું ફરમાન આપ્યું. ત્યારે બ્રિટેનની વોર કેબિનેટની મીટિંગ થઈ અને તે વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો કે, કેમ્પમાં રહેતા પોલિશ બાળકો માટે શું શું કરી શકાય.
દિગ્વિજય સિંહ જાડેજાની દરિયાદિલી
બ્રિટિશ વોર કેબિનેટની મીટિંગમાં નવાનગરના રાજા દિગ્વિજય સિંહ જાડેજા શામેલ હતા. આપને જણાવી દઈએ કે, આજનું જામનગર તે સમયે નવાનગર તરીકે ઓળખાતું હતું. ભારત પર ત્યારે અંગ્રેજોની હકુમત હતી અને જામનગર બ્રિટિશ રિયાસત હતી. દિગ્વિજય સિંહે કેબિનેટની સામે પ્રસ્તાવ રાખ્યો કે, તે અનાથ બાળકોને દેખરેખ કરવા માટે ઉત્સુક છે અને તેમને નવાનગર લઈ જવા માગે છે. તેમના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગઈ અને બ્રિટિશ સરકારે મહારાજાને વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું.
1000 બાળકોનું પાલન પોષણ કર્યું
બ્રિટિશ સરકાર, બોમ્બે પોલિશ કોન્સ્યુલેટ, રેડ ક્રોસ અને રશિયાની અધિન પોલિશ ફૌઝના સંયુક્ત પ્રયાસથી બાળકોને ભારતમાં મોકલવામાં આવ્યા. 1942થી 170 બાળકોનો પહેલો જથ્થો જામનગર પહોંચ્યો. આવી રીતે અલગ અલગ જથ્થામાં લગભગ 1000 નિ: સહાય બાળકો ભારતમાં આવ્યા. મહારાજા દિગ્વિજય સિંહજીએ જામનગરથી 25 કિમી દૂર બાલાછડી ગામમાં આશરો આપ્યો. મહારાજાએ બાળકોને આશ્વાસન આપ્યું કે, હવેથી તે જ તેમના પિતા છે.
તમામ ખર્ચો મહારાજાએ ઉઠાવ્યો
બાલાછડીમાં દરેક બાળકોને અલગ અલગ બેડ આપવામાં આવ્યા, ત્યાં ખાવા-પીવાની, કપડા લત્તા અને સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે સાથે તેમને રમવા માટે સુવિધા આપવામાં આવી. પોલેન્ડના બાળકો માટે ફૂટબોલ કોચ પણ મોકલાવ્યો. જેથી આ બાળકો પોતાની અલગ ન માને. એટલા માટે તેમના માટે એક લાઈબ્રેરી બનાવી અને ત્યાં પોલિશ ભાષાના પુસ્તકો પણ રાખવામાં આવ્યા. પોલિશ તહેવારો પણ ધૂમધામથી મનાવામાં આવતા. આ બધો ખર્ચ મહારાજાએ ઉઠાવ્યો હતો. તેમણે આના માટે ક્યારેય પોલેન્ડ પાસે ખર્ચો માગ્યો નહોતો.
પોલેન્ડમાં મહારાજાને સન્માન
43 વર્ષ બાદ સન 1989માં પોલેન્ડ સોવિયત સંઘથી અલગ થઈ ગયું. સ્વતંત્ર પોલેન્ડની સરકારે રાજધાની વોરસોના એક ચોકનું નામ દિગ્વિજય સિંહના નામ પર રાખ્યું. જો કે, મહારાજાનું નિધન 20 વર્ષ પહેલા 1966માં થઈ ચુક્યું હતું. બાદમાં 2012માં વોરસોના એક પાર્કનું નામ પણ આપવામાં આવ્યું. વર્ષ 2013માં વોરસોમાં ફરીથી એક ચોકનું નામ ગુડ મહારાજ સ્ક્વેયર નામ આપવામા આવ્યું એટલું જ નહીં, મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજાને રાજધાનીના લોકપ્રિય બેડનારસ્કા હાઈ સ્કૂલનના માનદ સંરક્ષક તરીકેનો દરજ્જો પણ આપ્યો. પોલેન્ડે મહારાજાને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન કમાંડર્સ ક્રોસ ઓફ દિ ઓર્ડર ઓફ મેરિટ પણ આપ્યું છે.
તાજેતરમાં યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને પણ પોલેન્ડે આપ્યો હતો આશરો
રશિયામાંથી સૈન્ય હુમલાની વચ્ચે યુક્રેનમાંથી નિકળી રહેલા ભારતીયોને પાડોશી દેશ પોલેન્ડનો મોટો સહારો મળી રહ્યો છે. પોલેન્ડમાં તેમને રહેવા-ખાવા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે. ક્યારેક ભારતે પોલેન્ડના સેંકડો બાળકોને આશરો આપ્યો હતો, તે સમયે પોલેન્ડે આ જ રશિયાના હુમલાનો શિકાર થયું હતું. હકીકતમાં જોઈએ તો, જગત કલ્યાણની કલ્પના ભારતીય માનસપટ પર પહેલાથી બનેલી છે.