બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / "પધારો ! પધારો કાકા ! આમ તે કાંઈ હતું હશે !...", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 14

નવલકથા / "પધારો ! પધારો કાકા ! આમ તે કાંઈ હતું હશે !...", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 14

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 07:50 AM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"ચાય તોય જોખમ કહેવાય ને, બાપા ! સાચાં મોતી જડેલાં છે. શું કરું? ગૂંજામાં રાખતો'તો." એમ કહેતે કહેતે એણે દાબડી પોતાના ખેસ વતી લૂછી કરીને નીચે ધરી દીધી.

"તમે ઘેર જાવ, હું હમણાં જરા બજારે જઈને આવું છું." એમ કહી એ છૂટા પડ્યા. એ વખતે સુખલાલના પિતાનો હાથ એના ડગલાના ગજવામાં હતો. ત્યાં પડેલી એક નાની એવી ચીજ એને એક જરૂરી કામની યાદ આપતી હતી. એણે સુશીલાના ઘરનો રસ્તો લીધો.

ટ્રામો, બસો અને ગાડીઓના માર્ગમાં આ ગામડિયો અટવાતો, વિચારગ્રસ્ત બનતો, મોટરનાં ઘોઘરાં ભૂંગળાથી ચમકતો, ટ્રામોની ઘંટડી પ્રત્યે છેલ્લી પળ સુધી બેધ્યાન રહીને તોબાહ બનેલા કન્ડક્ટરોની રોષ-ભ્રૂકુટિ વડે ભોંકાતો. "અરે તુમ ઇન્સાન હૈ કે ગ..." એવો ઠપકો સાંભળીને મનમાં એ ઠપકાનો બાકી રહી હતો છેલ્લો અક્ષર 'ધા' પૂરો કરી લેતો એ માર્ગ કાપતો હતો. પણ એને ખરેખરો ઓળખ્યો પાલનપુરી વિક્ટોરિયાવાળાએ ! એ ચતુર લોકોએ પોતાની આગળ ચાલતા આ ગામડિયાની સૌથી આગળ પડતી એંધાણી પારખીને ટપાર્યો:" હટ એઈ, ખાસડિયા!"

વધુ વાંચો: "ગાંડાં તે...કાંઇ... ગાંડાં!" જેઠાણીએ મલક્તે મોંએ આંખો તાણી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ'

સાચે જ સુખલાલના પિતાના પગમાં થોડી વાર ઓખાઈ જોડા પહેરાયેલા જેવા નહોતા લાગતા, પણ જુવાન પુત્રોની પાછળ ઘસડાતાં બુઢ્ઢા માતાપિતાની પેઠે પરાણે પરાણે ઘસડાયે જતા લાગતા હતા.

ગમે તેમ પણ ટ્રામનો એક આનો બચાવ્યાનો માનસિક ગર્વ અનુભવતો પિતા વેવાઈ-ઘરને દાદરે ચડ્યો. લિફ્ટ હતી, લિફ્ટવાળો પણ હતો. આવે ખાસડે લિફ્ટને બગાડવા જતાં ગામડિયાને શરમ આવી. દાદર એને અજાણ્યાને વધુ આત્મીય ભાસ્યો.

પહેલા જ ખંડમાં રસોડા પાસે બે જણીઓ - ભાભુ અને ભત્રીજી બેઠી બેઠી લીલા વટાણા ફોલતી હતી. તેમણે મહેમાનને જોયા અને ઓળખ્યા. સુશીલાએ સાડીનો છેડો આગળ કર્યો, પણ એ ઘુમટો નહોતો; ફક્ત મોં ઢંકાય એવો એક બાજુનો પડદો કરીને એણે સાડી સરખી ગોઠવી. સાડીની કિનારમાં આલેખેલા મોરલા એના ગાલના ગલ જોતા જોતા ઝૂલી રહ્યા.

ભાભુએ ઊભાં થઈને આદર આપ્યો : "પધારો ! પધારો કાકા ! આમ તે કાંઈ હતું હશે ! બચાડા જીવ તમારા વેવાઈએ કેટલી વાર...?"

એ શબ્દોમાં નરદમ જૂઠાણું હતું. એ જૂઠાણું ઘણાંય સત્યો કરતાં વધુ પવિત્ર હતું. એ જૂઠાણું પૂરું થયા પૂર્વે તો ભાભી ત્યાં પડેલા સોફા પરથી કપડાં ને કૂંચીઓ ઉપાડી લઈ વેવાઈને બેસાર્યા.

પેલું જૂઠાણું અરધેથી પડતું મૂકીને ભાભુએ ઝટઝટ કહ્યું : " અમારે સુશીલા બચાડી જીવ કેટલી કોચવાયા જ કરે છે કે કેમ નહીં આવ્યા હોય એના સસરા ? કેમ નહીં આવ્યા હોય ? ક્યાં ગયા હશે?"

આટલું બોલાતું હતું તે દરમિયાન સુશીલા આસ્તેથી ઊઠીને બીજા ખંડમાં સરી ગઈ ને ત્યાં ઊભી ઊભી સાંભળતી રહી.

સુખલાલના પિતાએ પાઘડી ઉતારીને ખોળામાં મૂકી પસીનો લૂછતે લૂછતે ગોટા વાળ્યા : " અરે બે'ન, બધાં સગાં આવીને વળાગી જ પડ્યાં ને ! મને ઘણુંય થયું કે બીજું કાંઈ નહીં, પણ એક વાર આંટો જઈ આવું, ને આ તો પાછું આપી આવું."

એટલું કહેતે કહેતે છેક ઇસ્પિતાલમાં ને ખીસામાં રહેલો એનો જમણો હાથ ખીસામાંથી બહાર નીકળ્યો. એમાં મોતી જડીત બજરની દાબડી હતી - જે દાબડી તે રાત્રીએ સુશીલાએ સસરાને ઇસ્પિતાલે મોકલી હતી.

"ચાય તોય જોખમ કહેવાય ને, બાપા ! સાચાં મોતી જડેલાં છે. શું કરું? ગૂંજામાં રાખતો'તો." એમ કહેતે કહેતે એણે દાબડી પોતાના ખેસ વતી લૂછી કરીને નીચે ધરી દીધી.

"અરે, બચાડા જીવ !" ભાભુએ મરકતે મોંએ કહ્યું, "જો તો ખરી, બાઈ ! કેવાં માણસ ! ડાબલી પોં'ચાડવા જ આવ્યા : બાકી કાંઈ સંબંધ જ કેમ ન હોય જાણે !"

"ના. એમ તે કાંઈ હોય ? કહેતાં જીભ કપાય ને!"

"સુખલાલને કેમ છે? આંહીં કેટલી ચિંતા થાય ! કાલ અમે ઇસ્પિતાલે ગયાં તે કેટલો ધ્રાસ્કો પડ્યો ? સુશીલા તો સૂનમૂન બની ગઈ. આમ તે કાંઈ હોતું હશે? માણસ ખબર તો આપે ને !"

આ પણ વાંચો: "સ્માર્ટી, ઓ સ્માર્ટી ! તું અક્કેક ઈંડું....'' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 5

"ના, પેઢી માથે ટેલિફોન તો જોડાવ્યો'તો; પણ મને કાંઈ બોલતા આવડે નૈ, ને સામેનો બોલનાર મારું કંઈ સમજે નૈ, એટલે પછી સામેથી કોઈકે સમજ્યા વગર કહ્યું કે આવા લપલપિઆ કેટલાક હાલ્યા આવો છો? માળું હું તો , વેવાણ, હસી હસીને ઢગલો થઈ ગયો. ટેલિફોનમાં માણસ સામા માણસને ઓળખ્યા-પારખ્યા વગર ગાળ્યું ય દઈ શકે ! કહ્યું કે હવે નાહક ટેલિફોન ન બગાડ્યા કરવો. હું પંડ્યે જ જઈ આવીશ."

આ પણ વાંચો: ''...દીકરીને ભણતર ભણાવ્યા પછી, સંસ્કાર દીધા પછી, હવે ઝેર થોડું દેવાશે?", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 7

"પણ સુખલાલને કેમ છે?"

"તમારા પુન્ય પરતાપે પૂરો આરામ છે, હમણે જ ઇસ્પિતાલ જઇ આવ્યો. દાગતર તો કહે છે કે રોગ નામ નથી, પણ ઓલી એક નરસ હતી ને, ભાળ્યું, એણે અમને કોણ જાણે કેમ પણ છેવટ સુધી ભડાકાવ્યે જ રાખ્યા."

સુશીલાને એક તરફથી તો આ વાતો તરફ કાન માંડવાના હતા, બીજી બાજુ અગાશી પરની બંગલીમાં પણ સાંભળ્યા વગર રહી ન શકાય તેવી વાતો ચાલતી હતી. સુશીલાને ખબર નહોતી કે પોતે નાહવા બેઠી તે દરમિયાન ગુપચુપ બિલ્લી પગે એક માણસ પોતાના મોટા બાપુજીની પાસે પહોંચી ગયો હતો. એનો અવાજ પરખાયો હતો : એ હતો વિજયચંદ્રનો મીઠો કંઠસ્વર.

સુશીલાના કાન એ બંગલી પરના વાર્તાલાપ તરફ વધુ એકાગ્ર બન્યા. મોટા બાપુજી કહેતા હતા (એના સ્વરોમાં કાકલૂદી હતી) : "એટલી મારા ઉપર મહેરબાની કરો. ખુશીથી પાંચ વરસ વિલાયત ભણો - પણ પે'લાં લગ્ન કરીને પછી. હું તમારો બોલેબોલ પાળું : સુશીલાને તમે બતાવો તે શાળામાં મોકલું, અંગ્રેજી ભણાવું; સંગીત શીખવું - તમે કહો તે રીતે તૈયાર કરું. પાંચ માસ્તરો રાખું."

આ પણ વાંચો : માણસ જેવું માણસ - ને પારકું નહીં, આપણું પોતાનું માણસ ! સૂઝે એવું તોય....', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 8

જવાબમાં શબ્દો સંભળાયા : "તો હું એક વરસ રોકાઈ જાઉં. તે દરમિયાન એનો અભ્યાસ, એની તાલિમ વગેરે કેવીક ચાલે તે જોઉં. તે જોયા બાદ લગ્ન કરું." એ અવાજ વિજયચંદ્રનો હતો. એમાં તાલબદ્ધ, ધીરાં, છતાં સત્તાવાહી શબ્દ-કદમોની કૂચ હતી.

"પણ હું એમ કહું છું, કે તમે લગ્ન કર્યા પછી ફાવે તેવો અભ્યાસ કરાવજો ને ! મારી સુશીલા કાંઈ ભોટ થોડી છે ! ગામડાનું ભોથું થોડું છે, કે એને એકેય ભણતર નહીં આવડે?"

"વીમો ખેડવા હું તૈયાર નથી. એક વરસનું રોકાણ થવાથી પણ મારે મારા સારામાં સારા ચાન્સ જતા કરવા પડશે."

"ચાન્સ જતા કરો છો એ હું જાણું છું - હૂં બેવકૂફ નથી. પણ મારે તો પછી બીજું કોણ છે? આ બધું તમે જ ચલાવજો ને ! તમને હું જાપાન, અમેરિકા જ્યાં કહો ત્યાં જવાના ચાન્સ આપું. ચાન્સ તો મારા ગૂંજામાં જોઈએ તેટલા છે. માટે કોઈ રીતે માની જાવ. હું આઠ દિવસમાં લગન ઉકેલી દેવા તૈયાર છું."

આ પણ વાંચો: 'ઈ વળી કોણ બે જણીયું મોટરવાળીયું?, 'ને બત્રીશી ખડખડ થઈ', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 13

"એમ તો કેમ બને ? પૂરેપૂરી ચોક્સી કર્યા વગર આજનો જુવાન તો કેમ જ ઝંપલાવી પડે!"

"પણ ચોક્સી જે કરવી હોય તે કરાવી આપું; તને એની ચાતુરી ને હુંશિયારી તો જુવો."

"એમ કરશો?" વિજયચંદ્રે એક નવો માર્ગ સૂચવ્યો, "મારાં એક મિત્રપત્ની છે, એ એમની પાસે બેક મહિના રહેવા આપશો? એની પરીક્ષામાં પાર ઊતરે તો હું વિચારું."

સુશીલાના હૃદય પર આ શબ્દો પડ્યા. તે પછી એ વધુ સાંભળી શકી નહીં. બંગલીના દાદર પાસે એ ઊભી હતી. બેસી જવા માગતા દેહને એણે દાદરનો ટેકો દીધો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Novel Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ